ન્યૂઝીલેન્ડ સામે મેચ પહેલા ઈન્ડિયન ટીમ વોલિબોલ રમતી જોવા મળી
પાકિસ્તાન સામે શરમજનર હાર પછી ટીમ ઈન્ડિયાની તમામ નજરો હવે ન્યૂઝીલેન્ડ સામેની મેચ પર રહેશે. રવિવારે આયોજિત આ મેચ વિરાટ સેનાની વર્લ્ડ કપ સફર નક્કી કરશે. કોહલી એન્ડ કંપનીને સેમિફાઇનલમાં પહોંચવા માટે હવે પછીની દરેક મેચ જીતવી જ પડશે. તેવામાં ભારતીય ટીમ મેનેજમેન્ટે ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધની મેચમાં ટીમ ઈન્ડિયામાં કોઈપણ પ્રકારના ફેરફાર ન કરવાનું મન બનાવી લીધું છે. વિવિધ મીડિયા રિપોર્ટ્સના આધારે મેનેજમેન્ટ શાર્દુલ ઠાકુરને સાતમાં નંબરનો ખાસ બેટર તરીકે જોતા નથી. વળી આ મેચ પહેલા ઈન્ડિયન ટીમ અને ફેન્સને ચિંતામાં મૂકી દે એવા આંકડા સામે આવ્યા છે. તો ચલો આપણે વિરાટ સેના માટે કરો અથવા મરો સમાન મેચ પર એક નજર ફેરવીએ….
કેપ્ટનશિપમાં ‘વિરાટ’ રેકોર્ડ
ટીમ ઈન્ડિયાએ વિરાટ કોહલીની કેપ્ટનશિપમાં ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ કુલ 7 મેચ રમી છે અને તેમાંથી 6માં જીત મેળવી છે. જ્યારે એક મેચમાં ટીમને હારનો સામનો કરવો પડ્યો છે. કેપ્ટન તરીકે વિરાટે ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ પહેલી મેચ 2017માં રમી હતી. આ સમયે ન્યૂઝીલેન્ડની ટીમ ભારત ટૂર પર આવી હતી. આની પહેલી મેચમાં ભારતે 53 રન તથા છેલ્લી મેચમાં 6 રનથી મેચ જીતી લીધી હતી. બીજી મેચમાં ભારતને ન્યૂઝીલેન્ડની ટીમ વિરૂદ્ધ 40 રનથી હાર મળી હતી.
2020માં 4 મેચ જીતી
ગત વર્ષે કોહલીએ કીવી ટૂર પર કેપ્ટન તરીકે 4 T-20 મેચ રમી હતી અને તમામ જીતી લીધી હતી. ઓકલેન્ડમાં રમાયેલી પહેલી 2 મેચમાં ઈન્ડિયન ટીમે 6 અને 7 વિકેટથી જીત મેળવી હતી. જ્યારે ત્રીજી અને ચોથી મેચ ટાઈ થઈ હતી અને સુપર ઓવરમાં મેચ જીતી હતી.
કોહલીની વિસ્ફોટક બેટિંગ
કેપ્ટન તરીકે ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ વિરાટ કોહલીએ 7 ઈનિંગમાં લગભગ 35ની એવરેજથી 209 રન કર્યા છે. આ દરમિયાન તેણે 1 ફિફ્ટી પણ મારી હતી. PAK વિરૂદ્ધ કોહલીએ ફોર્મમાં વાપસી કરતા 49 બોલમાં 57 રન કર્યા હતા.
ઈજા સિવાય ટીમમાં ફેરફાર થશે નહીં
જ્યાં સુધી ભારતીય ટીમમાં કોઈપણ ખેલાડી ઈજાગ્રસ્ત નહીં થાય ત્યાં સુધી ફેરફાર નહીં કરાય તેવી માહિતી અત્યારે સામે આવી રહી છે. વિવિધ મીડિયા રિપોર્ટ્સના આધારે ઈન્ડિયન ટીમ અત્યારે પાકિસ્તાન સામેની મેચમાં જે ટીમ સાથે ઉતરી હતી, એની સાથે જ આગળ ટૂર્નામેન્ટમાં ભાગ લેશે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે. ટીમ મેનેજમેન્ટના મતમુજબ શાર્દૂલ ઠાકુર હજુ 7માં નંબર પર ફિનિશરની ભૂમિકા ભજવી શકે તેવો બેટર પણ નથી. વળી આ ટીમની પસંદગીમાં ધોનીનો પણ મહત્ત્વપૂર્ણ ભાગ હોવાથી ન્યૂઝીલેન્ડ સામે વિરાટ કોઈપણ ખેલાડીમાં ફેરફાર કરે એવું લાગતું નથી.
હાર્દિકે નેટ સેશનમાં બોલિંગ કરી
ઈન્ડિયન ટીમના સ્ટાર ઓલરાઉન્ડરની યાદીમાં સામેલ હાર્દિક પંડ્યા છેલ્લા ઘણા સમયથી ફિટનેસના કારણે ચર્ચામાં આવી રહ્યો છે. IPLના ફેઝ-2માં પણ તેણે બોલિંગ નહોતી કરી અને મીડિયાના અહેવાલો પ્રમાણે આગામી સિઝન માટે મુંબઈની ટીમ પણ તેને રિટેન કરશે નહીં. તેવામાં હવે પાકિસ્તાન સામે તે કંઈ ખાસ કરી શક્યો નહોતો અને ભારત આ મેચ પણ 10 વિકેટથી હારી જતા હાર્દિક પંડ્યાનું સ્થાન જોખમમાં મુકાયું છે. આ તમામ ચર્ચાઓ વચ્ચે એવી પણ અટકળો લગાવાઈ રહી છે કે હાર્દિક અત્યારે ધોનીના કારણે જ વર્લ્ડ કપ સ્ક્વોડમાં સામેલ છે, BCCI તો તેને IPL પછી જ ભારત પરત કરી દેવાની તૈયારીમાં હતું.
જોકે પાકિસ્તાન સામે હાર્યા પછી હાર્દિક પંડ્યાએ નેટ્સમાં બોલિંગ કરવાનું શરૂ કરી દીધું છે. તેવામાં શું ભારતીય ટીમમાં હાર્દિક પંડ્યા ન્યૂઝીલેન્ડ સામે પણ બોલિંગ કરતો જોવા મળશે કે કેમ એ અંગે વિવિધ સવાલો ઊઠી રહ્યા છે. કારણ કે જો આ મેચમાં હાર્દિક ફેલ રહ્યો તો ભારતીય ટીમમાં તેનું સ્થાન જોખમાઈ શકે છે.
NZ સામે મેચ પહેલા ભારતીય ખેલાડી વોલિબોલ રમતા નજરે પડ્યા
BCCIએ ટીમ ઈન્ડિયાનો વોલિબોલ રમતો વીડિયો શેર કર્યો છે. વીડિયોના કેપ્શનમાં લખવામાં આવ્યું હતું કે ટીમ ઈન્ડિયા રજાના દિવસે બીચ વોલીબોલની રમત રમી રહી છે. ભારતીય ક્રિકેટ ટીમે T20 વર્લ્ડ કપમાં પોતાના અભિયાનની શરૂઆત પાકિસ્તાન સામેની મેચથી કરી હતી. આ મેચમાં ટીમ ઈન્ડિયાને 10 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો.
ટોસ હાર્યા પછી પહેલા બેટિંગ કરતા ભારતે 151 રન બનાવ્યા હતા. આ સાથે જ પાકિસ્તાને જીત માટેના 152 રનના લક્ષ્યાંકને એકપણ વિકેટ ગુમાવ્યા વિના ચેઝ કરી લીધો હતો. પાકિસ્તાન તરફથી મોહમ્મદ રિઝવાને 79 અને બાબર આઝમે 68 રનની અણનમ ઇનિંગ રમી હતી.
18 વર્ષથી જીતનો દુષ્કાળ
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 2007ના T-20 વર્લ્ડ કપથી લઈને આ વર્ષે રમાયેલી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલ સુધી ICC ઈવેન્ટ્સની કુલ 7 મેચ રમાઈ છે. જેમાંથી કીવી ટીમ 6 મેચ જીતી એકતરફી પ્રદર્શન દાખવી રહી છે. આ દરમિયાન 1 મેચમાં વરસાદના કારણે કોઈપણ પ્રકારનો નિર્ણય સામે આવ્યો નહોતો.
T-20 વર્લ્ડ કપની જો વાત કરીએ તો ભારત 2 વાર ન્યૂઝીલેન્ડ સામે આવ્યું હતું અને આ બંને મેચમાં ન્યૂઝીલેન્ડની ટીમે જીત દાખવી હતી. 2007માં T-20 વર્લ્ડ કપમાં ન્યૂઝીલેન્ડે ભારતને 10 રન અને 2016ના T-20 વર્લ્ડ કપમાં 47 રનથી હરાવ્યું હતું.
છેલ્લે 2003માં ભારતે હરાવ્યું હતું
2003 ODI વર્લ્ડ કપમાં ટીમ ઇન્ડિયાએ ICC ટૂર્નામેન્ટમાં છેલ્લીવાર ન્યૂઝીલેન્ડને હરાવ્યું હતું. ભારતે આ મેચ 7 વિકેટે જીતી લીધી હતી. ત્યારપછી ભારત ક્યારેય કીવી ટીમને મોટી ટૂર્નામેન્ટમાં હરાવી શક્યું નથી.
2019 ODI વર્લ્ડકપની સેમિફાઇનલમાં તે ન્યૂઝીલેન્ડની ટીમ હતી, જેણે ભારતને હરાવ્યું અને વિશ્વ કપ જીતવાનું દેશનું સ્વપ્ન એક ક્ષણમાં તોડી નાખ્યું હતું. વરસાદના કારણે બે દિવસ સુધી રમાયેલી સેમિફાઇનલ મેચમાં વિલિયમ્સન એન્ડ કંપનીએ ભારતને 18 રને હરાવ્યું હતું.
જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.