ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં બુટલેગરો અવનવા કિમીયા અજમાવી દારૂની હેરાફેરી કરતા હોય છે. જો કે પોલીસ દ્વારા આવા અનેક કિમીયા અગાઉ પણ નાકામ કરવામાં આવી ચુક્યા છે. આવો જ વધુ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં ટ્રકના ચોરખાનામાં છુપાવી થતી વિદેશી દારૂની હેરાફેરીનો પોલીસ દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે. સાથે બે શખ્સોને પણ ઝડપી લઈ ટ્રક – વિદેશી દારૂ સહિત લાખોનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. હાલ આ દારૂ ક્યાંથી લઈ અવવામાં આવ્યો છે ? અને કોને પહોંચાડવાનો હતો, સહિતનાં મુદ્દે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ કુવાડવા જીઆઇડીસી સંદિપ એન્ટરપ્રાઇઝ પાસે હાઇવે ઉપરથી રાજસ્થાન પાર્સિંગના ટ્રકના ચોરખાનામાં જ વિદેશી દારૂનો મોટો જથ્થો હોવાની બાતમી પોલીસને મળી હતી. જેના આધારે વોચ ગોઠવી બાતમી મુજબની ટ્રક આવતા પોલીસે તેને અટકાવી હતી. ટ્રકની તપાસ કરતા તેમાં એક ચોરખાનું બનાવી મોટી માત્રામાં વિદેશી દારૂ મળી આવ્યો હતો. જેને પગલે પોલીસે રૂ. 5.42 લાખનો આ દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો.
આ સાથે જ રાજસ્થાનથી આવેલી આ ટ્રકમાં રહેલા 28 વર્ષનાં મહિપાલ નંદુરામ ઢાઢી ઉપરાંત 28 વર્ષીય અશોક તુલછારામ પ્રજાપતિની ધરપકડ કરી હતી. આ અંગે વધુમાં જાણવા મળ્યા મુજબ, આરોપીઓ પ્રથમ ગુજરાતનાં જુદા-જુદા સ્થળે વાહન ચેકીંગ દરમિયાન ટ્રક ખાલી હાલતમાં લઇને નીકળતા હતા. ત્યારબાદ વાહનચેકીંગ દરમ્યાન કોઇ પોલીસ દારૂના જથ્થા સાથે પકડી શકે નહી તેમજ પોલીસને કોઇ શક પડે નહીં તેવી રીતે અલગ અલગ પ્રકારના નુસ્ખાઓ અજમાવી ટ્રકની કેબીનના ચોરખાનામાં સંતાડી દારૂનો જથ્થો રાજકોટ સુધી લાવ્યા હોવાનું પણ સામે આવ્યું છે.
જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.