હાથરસ કેસ : TMC સાંસદો અને પોલીસ વચ્ચે ધક્કામુક્કી, મહિલાએ કહ્યું- પોલીસકર્મીઓએ અમારા બ્લાઉઝ ખેંચ્યા

હાથરસમાં ગેંગરેપ કેસમા આખરે યુપી સરકાર હરકતમાં આવી છે. લોકોના આક્રોશને જોતા કાર્યવાહી કરવાની ફરજ પડી છે. હાથરસમાં ગેંગરેપની ઘટનાના 18 દિવસ પછી ઉત્તરપ્રદેશ સરકારે શુક્રવાર રાતે મોટી કાર્યવાહી કરી છે. જિલ્લાના SP અને DSP સહિત 5 પોલીસ કર્મચારીને સસ્પેન્ડ કરી દેવાયા છે. આ તમામના નાર્કો ટેસ્ટ કરવાનો નિર્ણય કરાયો છે. પીડિત પરીવારનો પણ નાર્કો ટેસ્ટ થશે. વિનીત જયસવાલને હાથરસના SP બનાવાયા છે. બીજી તરફ SITએ આજે આ કેસમાં પ્રથમ રિપોર્ટ રાજ્ય સરકારને આપ્યો છે. SITના રિપોર્ટના આધારે SP હાથરસ વિક્રાંત વીર ઉપર લાપરવાહી રાખવાનો આરોપ લગાવી સસ્પેન્ડ કરી દેવાયા છે. તેમની સાથે સીઓ રામ શબ્દ, પ્રભારી નિરીક્ષક દિનેશ કુમાર વર્મા, સીનિયર સબ ઈન્સ્પેક્ટર જગવીર સિંહ, હેડ કોન્સ્ટેબલ મહેશ પાલને સસ્પેન્ડ કરાયા છે.

દિલ્હી સુધી ગુસ્સો

હાથરસ અંગે રાજકારણ અટકવાનું નામ નથી લઈ રહ્યું.પોલીસ ન તો વિપક્ષના નેતાઓને પીડિત પરિવારને મળવા દે છે અને ન તો મીડિયાને એન્ટ્રી આપવામાં આવી રહી છે. ગામની સરહદ પર પોલીસે બેરિકેડ લગાવી રાખ્યા છે. આ વચ્ચે પોલીસે બપોરે 3.50 વાગ્યે સ્પષ્ટતા કરી છે. એક અધિકારીએ કહ્યું કે, મીડિયાને SITની તપાસ સુધી રોકવામાં આવી છે. જેવી જ તપાસ પુરી થશે, મીડિયાને પીડિતના ગામમાં જવાની મંજૂરી મળી જશે.બીજી બાજુ દિલ્હીમાં ગેંગરેપની પીડિત માટે વાલ્મિકી મંદિરમાં પ્રાર્થના સભા યોજાઈ. તેમા કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી પણ સામેલ થયા.

દુ:ખના સમયે પીડિત પરીવાર એકલો

પ્રિયંકાએ કહ્યું હતું કે દુ:ખના સમયે પીડિત પરીવાર એકલો છે. અમારી બહેન સાથે ન્યાય થવો જોઈએ. આપણે અન્યાય સામેની રાજકીય લડાઈને ઝડપી બનાવવાની છે. હું પ્રાર્થના સભામાં ભાગ લેવા માટે અહીં આવી છું. આ બધાની વચ્ચે જંતર-મંતર પર પણ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ પહોંચ્યા હતા. તેમણે કહ્યું હતું કે દોષિતોને ઝડપથી ફાંસી મળે. તેમણે વધુમાં કહ્યું હતું કે આ મુદ્દા પર રાજકારણ ન થવું જોઈએ.

ઉદાહરણ બેસે તેવી સજા આપવામાં આવશે

 

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું છે કે જે લોકો મહિલાઓ, બહેન-દિકરીઓના સન્માનને ઠેસ પહોંચાડી છે તેમને એવી સજા આપવામાં આવશે કે ભવિષ્ય માટે એક ઉદાહરણરૂપ પૂરવાર થશે. સરકાર મહિલાઓની સુરક્ષા માટે સંપૂર્ણપણે કટિબદ્ધ છે અને જેઓ તેમના આત્મ-સન્માનને હાની પહોંચાડવા ઈચ્છે છે તેમનો સંપૂર્ણપણે નાશ કરવામાં આવશે. હાથરસમાં ગેંગરેપની ઘટના બાદ CM આદિત્યનાથ તરફથી આ નિવેદન આવ્યુ છે.

TMC સાંસદો અને પોલીસ વચ્ચે ધક્કામુક્કી

આ પહેલા પીડિતાના પરિવારને મળવા જીદે ચડેલા TMC સાંસદો અને પોલીસ વચ્ચે ધક્કામુક્કી થઈ છે. આ દરમિયાન TMC સાંસદ ડેરેક ઓ’બ્રાયન પડી ગયા છે. પોલીસે TMC પ્રતિનિધિમંડળના ગામમાં અંદર જઈ રહ્યા ત્યારે તેમને અટકાવ્યા છે. હાથરસના ડીએમનો એક વિડિયો સામે આવ્યો છે, જેમાં તે પરિવારજનોને ધમકી આપતા જોવા મળી રહ્યા છે. આ મામલાના સામે આવ્યા પછી કોંગ્રેસનેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીએ યોગીસરકારની ઝાટકણી કાઢી હતી છે. તેમણે સવાલ ઉઠાવ્યો છે કે પીડિતાના ગામે જવા માટે રોકવામાં કેમ આવે છે.

 

પોલીસકર્મીઓએ અમારા બ્લાઉઝ ખેંચ્યા

તૃણમૂલની નેતા મમતા ઠાકુરે કહ્યું કે, મહિલા પોલીસકર્મીઓએ અમારા બ્લાઉઝ ખેંચ્યા અને અમારી સાંસદ પ્રતિમા મંડળ પર લાઠીચાર્જ કર્યો, તે નીચે પડી ગઈ હતી. ફિમેલ પોલીસના હોવા છતાં મેઈલ પોલીસે અમારી સાંસદને હાથ લગાવ્યો, આ શરમજનક વાત છે. ગામની બહાર રસ્સાકસ્સીનો માહોલ TMCના સાંસદો અને પોલીસકર્મીઓ વચ્ચે સર્જાયો છે. આખા ગામ પર કડક પહેરો છે, મીડિયાને ગામની બહાર રોકી દેવાયું છે. SITની ટીમ ઘટનાસ્થળે હાજર છે. પીડિતાના પરિવારને મળવા જઈ રહેલા TMC સાંસદોને પોલીસે ગામની બહાર અટકાવી દીધા છે.

ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવાની માગ

સાંસદોના આ પ્રતિનિધિમંડળમાં TMC સાંસદ ડેરેક ઓ’બ્રાયન પણ છે. હાથરસ ગેંગરેપના વિરોધમાં દેશભરમાં દેખાવો થઈ રહ્યા છે. ઉત્તરપ્રદેશની રાજધાની લખનઉમાં સમાજવાદી પાર્ટીના કાર્યકર્તાઓ રસ્તા પર ઊતરી ગયા છે અને સરકાર વિરુદ્ધ નારાબાજી કરી રહ્યા છે.
હાથરસ કેસ પર કેન્દ્રીય મંત્રી રામદાસ અઠાવલે આવતીકાલે, એટલે કે 3 ઓક્ટોબરે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને મળશે. આ દરમિયાન રામદાસ અઠાવલે મામલાને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવાની માગ કરશે.

ભાજપના પૂર્વ MLAનો આરોપ ચોંકાવનારો આક્ષેપ

 

દલિત યુવતી સાથે દુષ્કર્મના આરોપી ચારેય યુવક ઠાકુર સમુદાયના છે. તેમના પક્ષમાં શુક્રવારે 12 ગામના સવર્ણ લોકોની પંચાયત યોજાઈ હતી. તેમાં માગ કરાઈ હતી કે આ મામલે સીબીઆઈ તપાસ થવી જોઈએ. ભાજપના પૂર્વ ધારાસભ્ય રાજવીર સિંહ પહેલવાને આરોપ મૂક્યો હતો કે છોકરીને તેના ભાઈ અને માતાએ જ મારી છે. ચારેય યુવકો નિર્દોષ છે. બીજી બાજુ મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી ઉમા ભારતીએ કહ્યું હતું કે આ ઘટના અંગે પોલીસની શંકાસ્પદ કાર્યવાહીથી યોગી સરકાર તથા ભાજપની છબિ ખરડાઈ છે. આખરે એવો કયો નિયમ છે કે એસઆઈટીની તપાસ પીડિત પરિવારને મીડિયા કે અન્ય કોઈને મળવા દેવાઇ રહ્યો નથી.

CBI તપાસની માગ

એક વિડિયોમાં હાથરસના DM પ્રવીણ લક્ષકાર પીડિત પરિવારને એવું કહેતા જોવા મળ્યા કે મીડિયા આજે અહીંયા છે, કાલે નહીં હોય. તમે સરકારની વાત માની લો. આ વીડિયો વાઈરલ થયા પછી પરિવારના એક પણ સભ્યને બહાર જવા દેવામાં આવી રહ્યા નથી. મૃતક યુવતીના પિતાએ CBI તપાસની માંગ કરી છે. તેમનું કહેવું છે કે યુપી પોલીસ પર હવે વિશ્વાસ કરી ન શકાય, અમને મીડિયાકર્મીઓને મળવા દેવાતા નથી. ઘરેથી નીકળવા પર પણ 10 પ્રકારના સવાલ કરવામાં આવી રહ્યા છે.

રાહુલ-પ્રિયંકાની કરી હતી અટકાયત

રાહુલ અને પ્રિયંકા ગાંધી ગુરુવારે ગેંગરેપ પીડિતના પરિવારને મળવા માંગતા હતા. પણ ગ્રેટર નોઈડામાં તેમના કાફલાને અટકાવી દેવાયો હતો. તે કારથી ઉતરીને પગપાળા જ આગળ વધવા લાગ્યા. લગભગ અઢી કિમી ચાલ્યા હતા કે, ઈકોટેક-1 પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાહુલ-પ્રિયંકાની ધરપકડ કરી લેવાઈ. આ દરમિયાન પોલીસકર્મીઓએ રાહુલનો કોલર પકડ્યો હતો. ધક્કામુક્કીમાં રાહુલ જમીન પર પડી ગયા હતા.રાહુલ-પ્રિયંકાને પોલીસે 4 કલાક પછી છોડ્યાં.

મહિલા વકીલ સાથે ઓફિસર બોલાચાલી

આ વચ્ચે હાથરસ પીડિતા ઘરે જઈ રહેલી નિર્ભયાકેસની વકીલ સીમા કુશવાહાના ગામની બહાર પોલીસ બેરિકેડિંગ પર ADM સાથે ટક્કરનો વિડિયો સામે આવ્યો છે. તહેનાતી વચ્ચે સીમા કુશવાહાએ ADMને કહી દીધું કે તારા જેવા લોકોને કારણે રેપ થાય છે. સીમા કુશવાહાએ કહ્યું હતું કે હાથરસની દીકરીને પોલીસે પેટ્રોલ નાખીને સળગાવી છે.

પોલીસે ફોન પરિવારના ફોન લઈ લીધા

પરિવારનો એક બાળક કોઈ પ્રકારે બહાર નીકળી આવ્યો અને મીડિયાને જણાવ્યું કે, તમામના ફોન છીનવી લીધા છે. બાળકે કહ્યું કે, ઘરના લોકો તમને મળવા માંગે છે, પણ તેમને રોકી રાખ્યા છે. ત્યારપછી પોલીસે બાળકને ત્યાંથી ભગાડી દીધો. તો આ તરફ પોલીસે હાથરસ જિલ્લામાં કલમ-144 લગાવવાની સાથે જ પીડિતના ગામમાં નાકાબંધી કરી દીધી છે. આખા ગામને છાવણી બનાવી દીધી છે. ગામના લોકોને પણ આઈડી બતાવ્યા પછી એન્ટ્રી આપવામાં આવી રહી છે. પોલીસ અને પ્રશાસનના આ વલણથી લોકો નારાજ છે. તેમનું કહેવું છે કે પોતાના જ ગામમાં અમારી સાથે ગુનેગાર જેવું વર્તન થઈ રહ્યું છે.

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે નીચે આપેલી લીંક પર કલીક કરી જોડાયેલા રહો "Royal Gujju" સાથે.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube