ગુજરાતમાં મંગળવારે ઠંડા શહેરમાં પહેલા ક્રમે દમણ અને ગાંધીનગર બીજા ક્રમે હતું
આગામી 48 કલાક સુધી ઠંડીની સ્થિતિમાં કોઇ મોટો ફેરફાર નહીં થાય
શિયાળામાં કોરોના અને સ્વાઈનફ્લુ વકરી શકે છે
ગુજરાતમાં ઉત્તર પૂર્વના પવનો ફૂંકાવાની શરૂઆત થતાં જ આગામી સમયમાં ઠંડીનો ચમકારો વધશે. આજે પંચમહાલ અને મહિસાગર જિલ્લાના વિસ્તારોમાં વાતાવરણમાં પલટો જોવા મળી શકે છે. જ્યારે રાજ્યના અન્ય વિસ્તારોમાં વાતાવરણ સુક્કુ રહેવાનું અનુમાન કરવામાં આવ્યું છે. બીજી તરફ અમદાવાદમાં હાલમાં ઠંડીનો ચમકારો ઓછો છે પરંતુ ગાંધીનગરમાં લઘુત્તમ તાપમાનનો પારો ગગડતાં ઠંડીની અસર વર્તાઈ છે. અમદાવાદ કરતાં ગાંધીનગરમાં લઘુત્તમ તાપમાનમાં 4 ડિગ્રીનો તફાવત જોવા મળ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 48 કલાક સુધી ઠંડીની સ્થિતિમાં કોઇ મોટો ફેરફાર નહીં થાય. ત્યાર બાદના ત્રણેક દિવસમાં 2 થી 3 ડિગ્રી સુધી ઠંડી વધશે.
ગાંધીનગરમાં રાતનું તાપમાન 2.5 ડિગ્રી ઘટ્યું
ગાંધીનગરમાં લઘુત્તમ તાપમાનનો પારો એકાએક ગગડતાં રાતના તાપમાનમાં 2.5 ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો. હવામાન વિભાગે આગામી દિવસોમાં ઠંડીનો ચમકારો અસહ્ય બનવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. ગાંધીનગરમાં પવનની ગતિ વધવાને કારણે ઠંડીમાં વધારો થવાની પણ હવામાન ખાતાએ આગાહી વ્યક્ત કરી છે. મંગળવારે સમગ્ર રાજ્યમાં ગાંધીનગર બીજા નંબરનું ઠંડુ શહેર હતું. ગાંધીનગરમાં મંગળવારે રાત્રે લઘુત્તમ તાપમાન 16.5 ડિગ્રી નોંધાયું હતું.
રાજ્યમા સૌથી નીચું તાપમાન દમણમાં નોંધાયું
હાલની સિઝનમાં રાજ્યમાં સૌથી નીચું તાપમાન સંઘ પ્રદેશ દમણમાં 1.5 ડિગ્રી નોંધાયું છે. ત્યાર બાદ સૌથી નીચા તાપમાનમાં ગાંધીનગર હતું. માત્ર 24 કલાકમાં અઢી ડિગ્રી તાપમાન નીચું જતાં ઠંડીનું જોર જોવા મળી રહ્યું છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ સવારે 83 ટકા અને રાત્રે 51 ટકા ઉંચું રહેવાને કારણે રાત્રિ દરમિયાન સૌથી વધુ ઠંડીનો અનુભવ થયો હતો. અહીં આગામી દિવસોમાં દિવસના તાપમાનમાં પણ ઘટાડો જોવા મળી શકે છે.
ઉત્તર ગુજરાતમાં 24 કલાકમાં ઠંડી દોઢ ડિગ્રી વધી
ઉત્તર ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં ફૂંકાયેલા ઉત્તર-પૂર્વિય પવનના કારણે મંગળવારે દિવસ અને રાતના તાપમાનમાં 1 થી 1.5 ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો. જેના કારણે ઠંડીનું જોર વધ્યું હતું. કલાકે 4 કિમી ઝડપે ફૂંકાયેલા ઉત્તર-પૂર્વિય પવનના કારણે ભેજનું પ્રમાણ સાતેક ટકા ઘટ્યું હતું. જેના કારણે રાત્રીના તાપમાનમાં દોઢેક ડિગ્રીના ઘટાડા સાથે મુખ્ય 5 શહેરોમાં ઠંડીનો પારો 21 થી 21.4 ડિગ્રી, જ્યારે ગરમીનો પારો 1 ડિગ્રી સુધી ઘટતાં મુખ્ય 5 શહેરોમાં 33 થી 33.6 ડિગ્રીની વચ્ચે તાપમાન નોંધાયું હતું. દિવસ અને રાતના તાપમાનમાં આવેલા ઘટાડાના કારણે ફરી એકવાર ઠંડીનું જોર વધ્યું હતું.
જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.