અગાઉ પણ પુત્રની હત્યા કરવાનો પિતાએ પ્લાન કરેલો, જે સફળ રહ્યો નહોતો
સુરતના મક્કાઈપુલની પાળી પરથી 12 વર્ષીય પુત્રને બેસાડી સેલ્ફી લેવાની લાયમાં પુત્ર પાળી પરથી નદીમાં પટકાઈને મોતને ભેટ્યો હોવાનું જૂઠાણું ચલાવનાર પિતાના પાપની પોલ ખૂલી ગઈ છે. સમગ્ર કિસ્સામાં પોલીસે ઓનર કિલિંગનો કેસ દાખલ કરી પિતાની ધરપકડ કરી છે. પિતાએ માસૂમ પુત્રની હત્યા કરી હોવાની કબૂલાત કરતાં પોલીસ પણ ચોંકી ગઈ છે. ત્રણ વર્ષથી પિયર રહેતી પત્નીનું જેની સાથે કથિત રીતે અફેર હતું તેને અબ્બા કહેનાર પોતાનો પુત્ર નહિ હોવાના ગુસ્સામાં તેને નદીમાં ધક્કો મારી ફેંકી દીધો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.
સેલ્ફીની વાત પોલીસને ગળે ન ઊતરી
રવિવારે બપોરે જાકીર શેખ નામનો 12 વર્ષીય કિશોર નદીમાં પડી ગયો હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી. કોસાડ આવાસમાં રહેતાં વર્ષીય સઇદ ઇલ્યાસ શેખ (ઉં.વ. 31)એ પોલીસને જણાવ્યું હતું કે તે તેના પુત્રને તાપી નદી પાસે સેલ્ફી લેવાના ઇરાદે લાવ્યો હતો. તેને પાળી પર બેસાડીને ફોટો પાડે એ પહેલાં જ સંતુલન નહિ રહેતાં પુત્ર પાણીમાં પડી ગયાનું જણાવ્યું હતું. પ્રથમ નજરે સામાન્ય લાગતો આ કિસ્સો જોકે પોલીસને ગળે ઊતર્યો નહોતો.
પૂછપરછમાં પિતાએ પાપ પોકાર્યું
12 વર્ષના બાળકને પિતાએ પાળી ઉપર બેસાડવાની જરૂર પડે નહિ એ વાત રાંદેર પોલીસ-ઇન્સ્પેક્ટર એચ. એમ. ચૌહાણને ગળે ઊતરી નહોતી. પિતા સઈદ શેખની જ સખતાઇથી પૂછપરછ કરતાં તેણે પોતે જ પુત્રની હત્યા કરી નાખી હોવાનું સ્વીકારી લીધું હતું. સઇદના લગ્ન મહારાષ્ટ્રના બુલડાણા જિલ્લાના ચીખલી ગામની જસ્મિન (નામ બદલેલું છે) સાથે થયા હતા. લગ્ન વખતે જસ્મિનની ઉંમર 14 વર્ષની હતી. તેને લગ્નજીવન દરમિયાન બે પુત્ર થયા હતા. સઇદ ચરસી અને ગંજેરી હોઈ, વારંવાર તેની મારઝૂડ કરતો હતો, જેથી નાના પુત્ર જાકીરને લઇને તે ત્રણ વર્ષથી તેના પિયર રહેવા જતી રહી હતી. ત્યાં હિનાને તેનો કથિત પ્રેમી મળવા આવતો હતો, જેને જાકીર અબ્બા કહેતો હોઈ, ખુન્નસ રાખી તેને પાણીમાં ફેંકી મારી નાખ્યો હોવાની કબૂલાત કરી હતી.
અગાઉ પણ હત્યાનો પ્લાન ઘડેલો
સઇદની પત્ની હિનાને મહારાષ્ટ્રથી બોલાવવામાં આવી હતી, જેમાં સઇદ તેની સાથે રહેતા મોટા પુત્રને જ સ્વીકારતો હતો. જાકીર માતા સાથે રહેતો હતો, તેને પુત્ર તરીકે માનતો ન હતો. દોઢ વર્ષ પહેલાં પણ જાકીરને ધાબા પરથી નીચે ફેંકી દીધો હતો, પરંતુ ધાબા પરથી નીચે પટકાતી વખતે નીચે સાડીના પોટલા પર પડતાં બચી ગયો હતો, જેથી મામલો પોલીસ મથક સુધી પહોંચ્યો જ ન હતો.
જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.