Surat : કોન્ટ્રાક્ટરની બેદરકારીથી બે નિર્દોષ મજૂરના મોત, પરિવારનો કલ્પાંત, દુર્ઘટનાએ લોકોના રૂવાંટા ઉભા કરી દીધા

સુરત : પાલિકાના કોન્ટ્રાકટરની ઘોર બેદરકારીએ બે નિર્દોષ મજૂરોનો ભોગ લીધો છે. સુરતના નાનપુરા વિસ્તારમાં બનેલી આ ઘટનાએ આસપાસના લોકોના સૌ કોઈના રૂંવાટા ઉભા કરી દીધા છે. પાલિકાના કોન્ટ્રાકટર દ્વારા નાનપુરા વિસ્તારમાં આવેલ ડ્રેનેજની ઊંડી કુંડીમાં બે મજૂરોને સાફસફાઈ માટે ઉતારવામાં આવ્યા. જોકે ગૂંગળામણ ના કારણે બેભાન થયેલા બંને મજૂરોના મોત નિપજતા પરિવારજનોએ ભારે કલ્પાંત કર્યો. જ્યારે ઘટના અંગે પોલીસે જવાબદારો સામે પગલાં ભરવા તપાસ હાથ ધરી. મોડી રાત્રે ગુનો નોંધી કોન્ટ્રકટરની ધરપકડ પણ કરવામાં આવી.

સુરતના નાનપુરા વિસ્તારમાં આવેલ ઝીંગા સર્કલ નજીક પાલિકાના કોન્ટ્રાકટર દ્વારા ડ્રેનેજ લાઇનની ઊંડી કુંડીમાં કોઈ પણ સેફટી તેમજ સુરક્ષાના ઉપકરણો વિના જ સાફસફાઈ માટે બે મજૂરોને ઉતારવામાં આવ્યા. જ્યાં ગૂંગળામણથી બંને મજૂરો ઊંડી ડ્રેનેજ લાઇનમાં જ બેભાન થઈ જતા નાસભાગ મચી ગઇ હતી.

સ્થાનિક લોકોએ સુરત ફાયર વિભાગ અને અને પોલીસને આ અંગે જાણ કરી, જ્યાં ઘટના સ્થળે પોહચેલી ફાયરની ટીમે રેસ્ક્યુ કામગીરી કરી તાત્કાલિક 108ની મદદથી બંને મજુરોને સુરત નવી સિવિલ અને સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. જ્યાં ટૂંકી સારવાર બાદ બંને મજૂરોના કરુણ મોત થયા. ઘરના મોભીને ગુમાવવાનો દુઃખ પરિવારે ભારે આંખોમાંથી નીકળતા અશ્રુ વડે વ્યક્ત કર્યો, જ્યાં ઘટના અંગે અઠવા પોલીસે કસુરવારો સામે પગલાં ભરવા આગળની તપાસ હાથ ધરી.જો કે કોન્ટ્રાકટરની ઘોર બેદરકારી ના કારણે બનેલી ઘટના સામે સ્થાનિક લોકોએ પોતાનો રોષ વ્યકત કર્યો.

સુરતમાં આ કોઈ પ્રથમ ઘટના નથી, પરંતુ ભૂતકાળમાં પણ આવી અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી ચૂકી છે. સામાન્ય રીતે આવી કોઈ કામગીરી કરવાની હોય, ત્યારે લેબર એકટ હેઠળ ઘડવામાં આવેલ નીતિ નિયમો અને ધારાધોરણોનું પાલન કોન્ટ્રાક્ટરે કરવાનું હોય છે. જેમાં ડ્રેનેજ લાઇનની કામગીરી વેળાએ મજુરોને સેફટી બેલ્ટ,ઓક્સિજન માસ્ક સહિતના ઉપકરણો વડે સજ્જ કર્યા બાદ જ કામગીરી લેવાની હોય છે.જોકે આ ઘટનામાં તો તમામ નીતિ નિયમોને પણ અભરાઈ પર એકબાજુએ મૂકી દેવામાં આવ્યા. જેનો ભોગ આખરે નિર્દોષ મજૂરો બન્યા. ઘટના પરથી કોન્ટ્રાકટરની બેદરકારી સ્પષ્ટ છતી થાય છે, જેના કારણે અઠવા પોલીસે પણ કોન્ટ્રાકટરના નિવેદન અને પૂછપરછ હાથ ધરી છે. સુરત નવી સિવિલ હોસ્પિટલ દોડી આવેલા કૉન્ટ્રાક્ટરો મીડિયાના કેમેરાથી મોઢું સંતાડતા જોવા મળ્યા. મજૂરોના મોત અંગે કોન્ટ્રાક્ટરો પોતાની ભૂલ સ્વીકારવા તૈયાર નહોતા.

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે નીચે આપેલી લીંક પર કલીક કરી જોડાયેલા રહો "Royal Gujju" સાથે.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube