દિવાળીની શોપિંગ કરવાની સાથે જ ઘરમાં કપડાં અને બુટ ચપ્પલના બોક્સનો કચરો વધી જાય છે. મોટાભાગના લોકો આ બોક્સને બિનઉપયોગી ગણી ફેંકી દેતા હોય છે. પરંતુ જો આપણામાં રહેલી થોડી રચનાત્મકતાને બહાર લાવીને પ્રયોગ કરીએ તો આ બેકાર બોક્સમાંથી પણ કામમાં આવી શકે તેવી ચીજવસ્તુઓ બનાવી શકાય છે.

અને ફક્ત વસ્તુઓ જ નહીં પણ અનેક નાની મોટી ચીજવસ્તુઓને તેમાં રાખી શકાય તેવા સ્ટેન્ડ અને મીની બોક્સ પણ બનાવી શકાય. ત્યારે આજના આ લેખમાં આપણે આવા જ અમુક આઈડિયા વિશે વાત કરીશું.
જવેલરી ઓર્ગેનાઇઝર

બુટ ચપ્પલ કે કપડાના બેકાર બોક્સનું એક ઢાંકણમાંથી જવેલરી ઓર્ગેનાઇઝર બની શકે છે. બોક્સના ઢાંકણને કોઈ સારા ફેબ્રિક વડે કવર કરી લો. આ માટે તમે પાતળું રેકઝીન કે સારી ડિઝાઇન વાળા કાપડનો ઉપયોગ કરી શકો છો.

ઢાંકણ ઉપર થોડા થોડા અંતરે ડ્રોઈંગ પિન લગાવો. અને બાદમાં ઢાંકણને ખીલીની મદદથી દીવાલ પર લટકાવી દો. આ સ્ટેન્ડની ડ્રોઈંગ પીનમાં તમે તમારા ચેન, નેકલેસ, બ્રેસલેટ વગેરે ટાંગી શકો છો.
પેન સ્ટેન્ડ

આપણાં ઘરોમાં મોટેભાગે પેનનું કોઈ નિશ્ચિત ઠેકાણું નથી હોતું. જ્યારે પેનનો ઉપયોગ કરવાનો ટાઈમ આવે ત્યારે તો આપણે તેનો ઉપયોગ કરી લઈએ છીએ અને બાદમાં તેને જે તે સ્થાને મૂકી તે ઠેકાણું ખુદ આપણે જ ભૂલી જઈએ છીએ. આવું ન થાય એ માટે પેન માટેનું એક નિશ્ચિત ઠેકાણું હોવું જરૂરી છે અને આવું જ પેન સ્ટેન્ડ આપણે ઉપરોક્ત બેકાર બોક્સમાંથી બનાવી શકીએ છીએ. આ માટે કોઈ નાના બુટ ચપ્પલના બોક્સને ગિફ્ટ પેકની જેમ ડેકોરેટ કરી તેમાં ટોયલેટ પેપર રોલને નાખી તેના હોલમાં પેન ગોઠવી તેને બહાર દેખાય તે રીતે રાખી દો.
વોલ આર્ટ

દિવાળીના દિવસોમાં ઉપરોક્ત બેકાર બોક્સની મદદથી ઘરની દીવાલોને પણ સજાવી શકાય છે. બેકાર બોક્સના ઢાંકણ પર દીવાલમાં જે રંગ હોય તેના કરતાં ઉઘડતા રંગનું રેપર લગાવી દો. આ રીતે ચાર પાંચ બોક્સના ઢાંકણને દીવાલ પર લગાવી તે ઢાંકણના મધ્યમાં કુદરતી દ્રઢયો ધરાવતા ફોટા ચોંટાડી દીવાલની શોભા વધારી શકાય છે.
સ્ટોરેજ બોક્સ

ઉપરોક્ત કપડાં અને બુટ ચપ્પલના બેકાર બોક્સને સ્ટોરેજ બોક્સ તરીકે પણ ઉપયોગમાં લઈ શકાય છે. એક જ સાઈઝના ત્રણથી ચાર બોક્સ લઈ તેને અલગ અલગ પ્રિન્ટ ધરાવતા ગિફ્ટ રેપરમાં કવર કરો. અને એ બધા બોક્સ પર અલગ અલગ સ્લીપ લગાવો જેમાં તમે નેઇલ પેઇન્ટ, મેકઅપ, ડ્રોઈંગ કલર, ઈયરરિંગ્સ, હેન્ડ્સ ફ્રી વગેરે જોઈ વસ્તુઓ રાખી તેનું નામ લખી શકો છો.
જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.