રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે અમદાવાદમાં યોજાયેલા GICEAના કાર્યક્રમમાં હાજરી આપી હતી. GICEAના 75 વર્ષ પૂર્ણ થયા હોવાના કારણે સંસ્થા દ્વારા હીરક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે એક મહત્ત્વનું નિવેદન આપ્યું હતું. તેમને કહ્યું હતું કે, અમારે કોઈ 20-20 નથી અમારે તો શાંતિથી કામ કરવાનું છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, અમારે તો કંડારેલી કેડી છે તેના પર આગળ વધવાનું છે. અહિયાથી હમણાં કહેતા હતા કે 20-20 પણ અમારે કોઈ 20-20 નથી. અમારે આરામથી કામ કરવાનું છે. અમારે કામ કરવાનું છે. ભારતીય જનતા પાર્ટી એક પરિવાર ભાવનાથી કામ કરતી આવે છે.
આ ઉપરાંત સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા યોજવામાં આવેલા કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સંબોધનમાં જણાવ્યું હતું કે, આ દુનિયા ગોળ છે. એટલે બધું ગોળનું ગોળ ફર્યા કરે છે. તેમ ક્રાઈમ પણ ફરેને. ક્રાઈમની દુનિયામાં પણ હોશિયારી હોયને જેટલી પકડવાની તૈયારી હોય તેટલી પેલા લોકોને છટકવાની તૈયારી હોય. એ લોકોની હોશિયારીને દાદ તો આપવી પડે તેવું છે. અત્યારે સાયબર ક્રાઈમ માથાનો દુખાવો થયો બધા માટે. પોલીસ સુધી મેસેજ પહોંચે ત્યાં સુધીમાં બધું પૂરું થઇ ગયું હોય. પણ ધીમે-ધીમે જાગૃતિ આવતી જશે.
તેમને વધુમાં જણાવ્યું હતું કે, આપણે આત્મનિર્ભર ભારતની સાથે-સાથે આત્મનિર્ભર ગુજરાત પણ બનાવીશું. નરેન્દ્ર મોદીનું આત્મનિર્ભર મિશન છે તેના ગુજરાત સરકાર ખભેખભો મિલાવીને સાથે ચાલે છે. અમારી પ્રાયોરીટી શું હોય શકે પ્રજાને ટેન્શન ન આવે તે અમારી પ્રાયોરીટી.
તેમને વધુમાં જણાવ્યું હતું કે અત્યારે તો એવું થઇ ગયું છે કે, દરેક વિભાગ દરેક સેવા આપતો થઇ ગયો છે. કોરોનામાં પોલીસે ખૂબ સારું કામગીરી કરી છે. એટલે ફરીથી લોકોમાં પોલીસ પ્રત્યે આદર ઉભો થયો છે. જે પ્રમાણે અત્યારે જોઈએ છીએ તેમાં સાયબર ક્રાઈમમાં પોલીસ વિભાગ જાગૃતતાથી કામ કરી રહ્યું છે.
મહત્ત્વની વાત કહી શકાય કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની કામગીરીમાં મોટો તફાવત જોવા મળી રહ્યો છે. વિજય રૂપાણી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે તેમને કહ્યું હતું કે, હું વન-ડે રમવા આવ્યો નથી, હું 20-20 રમવા માટે આવ્યો છું. 20-20નો મતલબ અડધી પીચે રમવું પડે. પછી ક્રીઝની ચિંતા કરીએ તો પછી રમી ન શકાય. આમા ડીફેન્સિંગ રમવું પણ તમારે ફાસ રમવું હોય, તો ક્રીઝની ચિંતાની જરૂર નથી અને હું ક્રીઝની ચિંતા પણ નથી કરતો. પણ ભૂપેન્દ્ર પટેલ કહે છે કે, અમારે કોઈ 20-20 નથી. અમારે આરામથી કામ કરવાનું છે.
જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.