ટ્રાવેલ । બીજલ

‘ટેગલ એરપોર્ટ’માંથી બહાર નીકળતા જ શહેરની સ્વચ્છતા ધ્યાન ખેંચે છે. સ્પષ્ટ રોડ સાઇન્સ અંકિત માર્ગો અને થોડો વાહનવ્યવહાર શાંતિનો અનુભવ કરાવે છે. બર્લિનની ટ્રાન્સપોર્ટ સિસ્ટમ ચાર પ્રકારની છે. બસ, ટ્રામ, યૂ-બહ્ન (અંડરગ્રાઉન્ડ ટ્રેન) અને એસ-બહ્ન (જમીન પરની ટ્રેન). બધી જ સિસ્ટમમાં નબળા અને વિકલાંગ લોકો માટે સારી વ્યવસ્થા હોય છે. વ્હિલચેર સાથે જવા માટેની વ્યવસ્થા પણ તેમાં હોય છે. પગથિયાંની સાથે રેમ્પ (પોર્ટેબલ) પણ હોય છે. ટ્રેનના ડ્રાઇવર્સ આ પોર્ટેબલ રેમ્પને પાડવાની અને ઉઠાવવાની જવાબદારી નિભાવે છે.

બર્લિનમાં મોડી રાત્રે પણ યાતાયાત (ટ્રાન્સપોર્ટ) ચાલુ હોય છે. સપ્તાહના અંતના દિવસોમાં યાતાયાત ચોવીસ કલાક ચાલે છે. આ શહેરની અન્ય ધ્યાન ખેંચે એવી બાબત છે બાઇસીકલનો ઉપયોગ. લોકો બાઇસિકલનો ખૂબ ઉપયોગ કરે છે. તેઓની બાઇક્સમાં પણ વૈવિધ્ય હોય છે. સ્ત્રીઓની બાઇક્સ, પુરુષોની બાઇક્સ, ડચ બાઇક્સ, બાળકો માટેની બાઇક્સ વગેરે જોવા મળે છે. સ્ત્રીઓ બાઇક અને પ્રામના (બાબાગાડી) સમન્વય જેવી સાઇકલ્સ લઈને શહેરમાં સર્વત્ર ફરે છે. જેમાં તેમના નાના શિશુઓ હોય છે. આ શહેરમાં બાઇક્સ ચલાવવા માટે સલામત માર્ગો ઉપલબ્ધ છે.

બર્લિન આવતા પ્રવાસીઓ માટે બર્લિન-વોલ હજી પણ મોટું આકર્ષણ છે. આ દીવાલ શહીદ થયેલ સ્ત્રી-પુરુષ, બાળકોનું સ્મારક છે. જેઓ તે ચડવા માટેના પ્રયત્નમાં મૃત્યુ પામ્યા હતા. ૧૩ ઓગસ્ટ, ૧૯૬૧માં રાતના એકાંતમાં બનેલી આ દીવાલે તે સમયે વેસ્ટ બર્લિન અને ઇસ્ટ જર્મનીને વિભાજિત કર્યા હતા.

તે પાછળનો હેતુ ઇસ્ટ જર્મનીના લોકોને વેસ્ટ તરફ આવતા રોકવાનો હતો. ૯ નવેમ્બર, ૧૯૮૯માં જ્યારે આ દીવાલ તોડી પાડવામાં આવી ત્યારે વિશ્વભરમાં તેની ઉજવણી થઈ હતી. આજે તેના પર શ્રેષ્ઠ કક્ષાના ચિત્રકારો દ્વારા કરવામાં આવેલા ચિત્રકામને કારણે તે એક અદ્ભુત કલાકૃતિ તરીકે પુરસ્કૃત થઈ છે. આ કલાકારોએ દીવાલ બનવા પાછળની ભાવનાઓ અને તૂટયા પછી જોવા મળેલી પ્રતિક્રિયાઓને તેમાં વ્યક્ત કરી છે.

બર્લિનમાં બે મોટી નદીઓ છે- સ્પ્રી અને હેવેલ. અહીં અનેક તળાવો અને નહેરો છે જેમાં વહાણો અને હોડીઓ ફરતાં રહે છે. ‘સ્પ્રી’ નદી બર્લિનની વચ્ચેથી વહે છે. દક્ષિણ ભાગમાં ‘લેન્ડવેર’ કેનાલ વહે છે. બધી જ ‘બોટ ટૂર’ શહેરની મધ્યેથી થઈને દક્ષિણની ‘લેન્ડવેર’ કેનાલ તરફ જાય છે.

અહીં ભિન્ન સમયાવધિની અનેક ટૂર પ્રયોજાય છે. તમારી પાસે જેટલો સમય હોય તે પ્રમાણે તમે ટૂર લઈ શકો છો. ક્રૂઝમાં જોવા જેવા સ્થળોમાં સેન્ટ્રલ સ્ટેશન, બર્લિન કેથડ્રેલ, મ્યુઝિયમ-આઇલેન્ડ અને જૂના રહેણાક વિસ્તારોનો સમાવેશ થાય છે. આઠ પ્રકારની ભાષાઓ બોલતા ગાઇડ અહીં હોય છે.

‘સ્પ્રી’ આઇલેન્ડ ‘મ્યુઝિયમ-આઇલેન્ડ’ તરીકે ઓળખાય છે. તે વર્લ્ડ હેરિટેજ સાઇટ પણ છે. તેમાં અતિ મહત્ત્વના તેમજ પ્રાચીન મ્યુઝિયમ્સ છે. તેમાં ‘ક્રાઉન-જુએલ્સ’ તેમજ અન્ય રજવાડી ખજાના છે. ‘ન્યૂ-મ્યુઝિયમ’માં ઇજિપ્શિયન મ્યુઝિયમની ઘણી કલાકૃતિઓ, પેપીરસ-કલેક્શન તેમજ અન્ય અમૂલ્ય પ્રાચીન ચીજો છે.

બર્લિનથી ૨૫ કિલોમીટરના અંતરે ‘પોસ્ટડેમ’ આવ્યું છે. ઇ.સ. ૧૯૧૮ સુધી આ શહેર ‘પર્શિયન-કિંગ્ઝ’ અને ‘જર્મન કૈસર’ની વસાહત હતું. શહેરની ફરતે એકબીજા સાથે જોડાયેલા તળાવો અને સાંસ્કૃતિક સ્મૃતિ-ચિહ્નો છે. જર્મનીની સૌથી વિશાળ વર્લ્ડ હેરિટેજ સાઇટ એવા ઉદ્યાનો અને મહેલો છે. મહેલની કલાકારીગરી ખૂબ જ સુંદર છે.

‘સાન્સોસ્કી'(Sanssouci) પેલેસની નીચેના ભાગમાં એક નાનું કાફે છે. તેની પાસે એક જૂની વિન્ડમિલ છે. આ વિન્ડમિલ વિશાળ અને હજી ચાલુ હાલતમાં છે. ‘વોન્સી’ (Wannsee) લેક બર્લિનનું સૌથી લોકપ્રિય સ્થળ છે. તળાવમાં યોટ્સ અને બોટ્સ ફરતાં રહે છે. અહીં લોકો તડકો ખાવા અને તરવા માટે આવે છે. તળાવના પાણીમાં તરતાં બતકો અને તળાવની ફરતે આવેલા ઉદ્યાનો આ સ્થળને રમણીય બનાવે છે.

‘મ્યુનિક’ની મુલાકાત વગર બર્લિનની સહેલ અધૂરી છે. મ્યુનિક જર્મનીનું જાણીતું સાંસ્કૃતિક કેન્દ્ર છે. મ્યુઝિયમ્સ અને થિયેટર્સની બાબતમાં તે બર્લિન પછી બીજા ક્રમાંકે આવે છે. તે સ્વપ્નસૃષ્ટિ સમા આલ્પ્સ પર્વતોની તળેટીમાં આવ્યું છે.

બર્લિનથી એક કલાકની ફ્લાઇટ દ્વારા મ્યુનિક પહોંચાય છે. ‘મેરિયનપ્લેટ્ઝ’, ‘ન્યૂ ટાઉન હોલ’, ‘કેથેડ્રલ ઓફ અવર બ્લેસ્ડ લેડી’, ‘ડકાઉ કોન્સન્ટ્રેશન કેમ્પ’, ‘રેસિડન્સ પેલેસ ઓફ મ્યુનિક’, ‘ડચ મ્યુઝિયમ’, ‘ઓલિમ્પિક સ્ટેડિયમ ઓફ મ્યુનિક’ અને ‘બી.એમ.ડબલ્યૂ. મ્યુઝિયમ’ અહીંના જોવા જેવા સ્થળો છે.

મ્યુનિકનું સૌથી આકર્ષક સ્થળ ‘ઇંગ્લિશ ગાર્ડન’ છે. વિશ્વના વિશાળ ઉદ્યાનોમાંનો આ એક ઉદ્યાન છે. તેમાં ૪૮ માઇલની ચાલવાની તેમજ સાઇકલ માટેની પગદંડી છે. અહીં એક કૃત્રિમ નદી છે જે ‘ઇઝબાક’ તરીકે જાણીતી છે. અહીં લોકો તેમાં સ્વિમિંગ અને ર્સિંફગ કરે છે. નજીકની ઇઝર-રિવરમાંથી તેનું પાણી આવે છે. ઇઝર નદીમાં કોંક્રિટના ખડકો ગોઠવીને તેના વહેણને ધીમું પાડવામાં આવ્યું છે. છતાં કેટલોક પ્રવાહ ઝડપી છે જેથી નદીમાં રેપિડ્સ સર્જાય છે જેનો લાભ સર્ફર્સ લે છે.

મ્યુનિકથી ટ્રેન મારફતે ઓસ્ટ્રિયાના ‘આલ્ઝબર્ગ’ જવાય છે. આ મુસાફરી આહ્લાદક છે. હરિયાળા મેદાનો, વૃક્ષો, લાલ ટાઇલ્સવાળા બેઠા ઘાટના મકાનો, પાછળના ભાગમાં દેખાતી ટેકરીઓ આ પ્રદેશને સુંદરતા અર્પે છે.

યુરોપિયન શહેરોમાં પ્રવાહીઓ સાથે ખૂબ મૈત્રીભર્યો વ્યવહાર કરવામાં આવે છે. અહીં ઠેરઠેર ‘ઇન્ફોર્મેશન સેન્ટર્સ’ છે જેથી પ્રવાસીઓને માર્ગદર્શન મળી રહે છે. વિદેશી પ્રવાસીઓની સવલત માટે અહીં અંગ્રેજી ભાષાનો પૂરતો ઉપયોગ કરવામાં આવે છે. રસ્તા પરના દિશાસૂચનો પણ અંગ્રેજીમાં હોય છે.

હરિયાળી વગરની સૂકી જમીન અહીં ક્યાંય જોવા નથી મળતી. બધો વિસ્તાર લીલા રંગની જાજમ પાથર્યા જેવો દેખાય છે. ટ્રેન્સ ઓછા મુસાફરોવાળી અને સ્વચ્છ હોય છે. તે તેના નિયત સમય અનુસાર દોડયાં કરે છે. તમે તેમાં તમારી બાઇક લઈને જઈ શકો છો.

અહીં બાંધકામની જગ્યાએ કોઈ કાટમાળ, રેતીના ઢગલા કે કપચી જોવા નથી મળતા. બાંધકામની પ્રક્રિયા નાગરિકો કે યાતાયાતમાં કોઈ પ્રકારની અડચણ ઊભી નથી કરતી. ચારે બાજુ સ્વચ્છતા આંખે ઊડીને વળગે એવી જોવા મળે છે. ઝૂંપડપટ્ટી કે કચરાના ઢગ, ઊભરાતી ગટરો કે એવું કાંઈ ક્યાંય જોવા મળતું નથી.

બર્લિનની બાઇક રાઇડ્સ, વિકલાંગો માટેની સુવિધાઓ, રિવર ક્રૂઝ વગેરે અવિસ્મરણીય છે. ઇંગ્લિશ-ગાર્ડનની સુંદરતા, કૃત્રિમ નદી અને તેમાં ર્સિંફગ કરતાં લોકોના દૃશ્યો હંમેશાં માટે સ્મૃતિપટ પર અંકિત થઈ જાય તેવા છે.

અન્ય ઉપયોગી સૂચનો

બર્લિનની મધ્યમાં આવેલું ‘મિત્તે’ ધમધમતું સ્થળ છે. તેમાં ઘણી હોટેલો, જોવાના સ્થળો અને ખરીદીના સ્થળો છે. બ્રેન્ડબર્ગ ગેટ, એલેક્ઝાન્ડર પ્લાઝ અને મ્યુઝિયમ આઇલેન્ડ માટે આ સ્થળ જાણીતું છે. ટી.વી. ટાવર, વર્લ્ડ ક્લોક, એસ-બેહ્ન અને યૂ-બેહ્ન ટ્રેન સ્ટેશન્સ અહીં છે. ગ્રાન્ડ-હયાત, હોટેલ બર્લિન, બર્લિન-મેરિયટ, રેડિસન-બ્લૂ અને હિલ્ટન જેવી હોટેલો અહીં છે. સૌને પોષાય તેવી હોટેલો પણ અહીં છે.

‘ટેગલ’ બર્લિનનું મુખ્ય એરપોર્ટ છે. ન્યૂ દિલ્હીથી બર્લિન પહોંચતા દસ કલાક થાય છે. આઇ.એસ.ટી. (ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ ટાઇમ) જર્મન ટાઇમથી સાડા ત્રણ કલાક આગળ છે. યુરોપ જતી બધી જ ફ્લાઇટ્સ બર્લિન પર રોકાય છે. ‘લુફથાન્સા’ જર્મનીની નેશનલ એરલાઇન છે.

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube