ભગવાન ધન્વંતરિના હાથમાં સોનાના કળશમાં અમૃત હતું, એટલે જ વાસણ અને સોનું ખરીદવાની પરંપરા છે
ધનતેરસથી પાંચ દિવસનો દીપોત્સવ શરૂ થઈ ગયો છે. મંગળવારે દરેક પ્રકારની ખરીદદારી, રોકાણ અને નવી શરૂઆત માટે આખો દિવસ શુભ મુહૂર્ત રહેશે. ત્રિપુષ્કર યોગ બનવાથી ત્રણ ગણો ફાયદો મળવાની શક્યતા છે.
ધનતેરસના દિવસે સોના-ચાંદી અને વાસણ ખરીદવાની પણ પરંપરા છે. આ દિવસે સાંજે પ્રદોષકાળમાં ભગવાન ધન્વંતરિ સાથે કુબેર અને લક્ષ્મીજીની પૂજા કરવામાં આવે છે. અકાળ મૃત્યુથી બચવા અને સારા સ્વાસ્થ્યની કામના સાથે ઘરની બહાર યમરાજ માટે દક્ષિણ દિશામાં એક દીવેટનો દીવો પ્રગટાવવામાં આવે છે.
ત્રણ ગણો ફાયદો આપનાર યોગ-
ધનતેરસના દિવસે ત્રિપુષ્કર યોગ બની રહ્યો છે, એટલે આ શુભ યોગમાં કરવામાં આવતાં રોકાણ, ખરીદદારી અને શરૂઆતમાં ત્રણ ફાયદા મળશે. આ યોગ સવારે 6..35 કલાકથી બપોરે લગભગ 12 વાગ્યા સુધી રહેશે, પરંતુ ખરીદી માટે વણજોયું મુહૂર્ત હોવાને કારણે આખો દિવસ શુભ રહેશે. આ દિવસે ચંદ્ર પોતાના જ નક્ષત્રમાં રહેશે અને ગુરુની દૃષ્ટિ એના પર રહેશે. આ સ્થિતિ પણ સુખ-સમૃદ્ધિ અને શુભફળ આપનારી રહેશે.
સોનું અને વાસણ ખરીદવાની પરંપરા શા માટે-
સમુદ્ર મંથન સમયે ભગવાન ધન્વંતરિ હાથમાં સોનાનો કળશ લઈને પ્રગટ થયા હતા, જેમાં અમૃત હતું. તેમના બીજા હાથમાં ઔષધી હતી અને તેમને આયુર્વેદનું જ્ઞાન હતું. આ કારણે જ આ દિવસે આયુર્વેદના દેવતા ધન્વંતરિની પૂજા કરવામાં આવે છે.
ધન્વંતરિના હાથમાં સોનાનો કળશ હતો એટલા માટે આ દિવસે વાસણ અને સોનું ખરીદવાની પરંપરા શરૂ થઈ. એ પછી આર્થિક સ્થિતિને ધ્યાનમાં રાખીને ચાંદી અને અન્ય ધાતુઓની ખરીદદારી થવા લાગી. ત્યારથી જ પરિવારમાં સમૃદ્ધિ જાળવી રાખવાની કામના સાથે આ દિવસે ચાંદીના સિક્કા, ગણેશ અને લક્ષ્મીજીની મૂર્તિઓ અને ઘરેણાંની ખરીદદારી કરવામાં આવે છે, સાથે જ પિત્તળ, કાંસું, સ્ટીલ અને તાંબાનાં વાસણ પણ ખરીદવાની પરંપરા છે.
સમુદ્ર મંથનનું ફળ, ધન્વંતરિ…
દેવતાઓ અને દાનવોએ સમુદ્ર મંથન કર્યું હતું, જેમાંથી લક્ષ્મીજી, ચંદ્ર અને અપ્સરાઓ પછી તેરસ તિથિએ ધન્વંતરિ હાથમાં અમૃત કળશ લઈને બહાર આવ્યા હતા, એટલે સમુદ્ર મંથનનું ફળ આ દિવસે મળ્યું હતું, એટલે દિવાળીનો ઉત્સવ અહીંથી શરૂ થયો. વાલ્મીકિએ રામાણયમાં લખ્યું છે કે અમાસના દિવસે ભગવાન વિષ્ણુના લક્ષ્મીજી સાથે લગ્ન થયા હતા, એટલે દિવાળીએ લક્ષ્મીપૂજા થાય છે.
પ્રદોષકાળમાં લક્ષ્મીજી અને કુબેરની પૂજા-
વિદ્વાનોના જણાવ્યા પ્રમાણે, ધનતેરસના દિવસે પ્રદોષકાળમાં ભગવાન ધન્વંતરિ સાથે જ લક્ષ્મીજી અને કુબેરની પણ પૂજા કરવી જોઈએ. પ્રદોષકાળ સાંજે 5.35થી રાતે 8.10 સુધી રહેશે. આ સમયે યમ માટે દીપદાન કરવાની પરંપરા છે.
જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.