મનોજ વિશ્વકર્મા નામના શિક્ષકે સોનુ યાદવ નામના વિદ્યાર્થીને માફી માગવા કહ્યું હતું
વિદ્યાર્થીએ માફી ન માગતા તેને ઊંધે માથે લટકાવવવામાં આવ્યો હતો
ઉત્તરપ્રદેશના મિરઝાપુરમાં એક વિચિત્ર ઘટના પ્રકાશમાં આવી છે. અહીંની એક સ્કૂલના પ્રિન્સિપાલે ધો.2ના એક વિદ્યાર્થીનો પગ પકડીને તેને સ્કૂલના સૌથી ઉપરના માળે ઊધા માથે ટિંગાડ્યો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થતાં સ્કૂલના પ્રિન્સિપાલની ધરપકડ કરવામાં આવી છે.
શિક્ષકે સ્કૂલમાંથી કાઢી મૂકવાની આપી ધમકી
મનોજ વિશ્વકર્મા નામના શિક્ષકે સોનુ યાદવ નામના વિદ્યાર્થીને માફી માગવા જણાવ્યું હતું અને જો તે માફી નહિ માગે તો તેને સ્કૂલમાંથી કાઢી મૂકવાની ધમકી આપી હતી. ઉલ્લેખનીય છે કે ગુરુવારે સ્કૂલમાં બપોરની રિસેસ દરમિયાન સોનુ અને અન્ય વર્ગનાં બાળકો રમી રહ્યાં હતાં અને આ દરમિયાન સોનુએ તેના જ વર્ગના એક વિદ્યાર્થીને બચકું ભરી લીધું હતું.
ગુસ્સે ભરાયેલા પ્રિન્સિપાલે વિદ્યાર્થીને ઊંધે માથે લટકાવ્યો
ઘટનાના પગલે ગુસ્સે ભરાયેલા પ્રિન્સિપાલે ધો.2માં અભ્યાસ કરતા સોનુને સ્કૂલના સૌથી ઉપરના માળેથી તેના બંને પગ પકડીને ઊંધે માથે લટકાવ્યો હતો અને જો માફી નહિ માગે તો ઉપરના માળેથી ફેંકી દેવાની ધમકી આપી હતી. સોનુને ઊંધે માથે લટકાવવામાં આવતાં છોકરાઓ ટોળે વળ્યા હતા અને બૂમો પાડવા લાગ્યા હતા. બાદમાં સોનુને છોડી દેવાની પ્રિન્સિપાલને ફરજ પડી હતી.
ગુરુજીનો વિદ્યાર્થી પ્રત્યેનો પ્રેમઃ પિતા
આ સમગ્ર ઘટના અંગે મીડિયા સાથે વાત કરતાં સોનુના પિતાએ જણાવ્યું હતું કે પ્રિન્સિપાલની હરકત ખરેખર ખોટી હતી. પિતાએ વધુમાં જણાવ્યું હતું કે તેણે પુત્ર પ્રત્યેના પ્રેમના ભાગરૂપે તેની સાથે આવું વર્તન કર્યું છે અને તેને આ અંગે કોઈ વાંધો નથી. રણજિત યાદવે કહ્યું, ગુરુજીએ જે કંઈ મારા પુત્ર સાથે કર્યું એ ખોટું છે, પરંતુ તેમણે પ્રેમના એક ભાગરૂપે કર્યું. આ કારણે અમને આ અંગે કોઈ વાંધો નથી.
શિક્ષકની જુવેનાઈલ જસ્ટિસ એક્ટ હેઠળ ધરપકડ કરાઈ
મનોજ વિશ્વકર્માની જુવેનાઈલ જસ્ટિસ એક્ટ અંતર્ગત ધરપકડ કરવામાં આવી છે. આ અંગે શિક્ષકે જણાવ્યું હતું કે તેના પિતાએ તેને સીધો કરવા કહ્યું હતું. સોનુ ખૂબ જ ધમાલ કરતો હતો. તે બાળકો અને શિક્ષકોને બચકાં ભરતો હતો અને આ કારણે તેના પિતાએ તેને સીધો કરવા કહ્યું હતું. આ કારણે મેં તેને ડરાવ્યો અને સ્કૂલના સૌથી ઉપરના માળેથી ઊંધા માથે લટાકાવ્યો હતો.
જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.