પ્રદેશ ભાજપ અધ્યક્ષની જવાબદારી સંભાળ્યા બાદ પાટીલ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના પ્રવાસે ગયા હતા.
અમદાવાદ: ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પોટીલ (CR Patil)નો કોરોના રિપોર્ટ પોઝિટિવ (Corona Positive) આવ્યો છે. તેઓને સારવાર માટે એપોલો હૉસ્પિટલ (Apollo hospital) માં દાખલ કરવામાં આવ્યા છે. એપોલો ખાતે હાલ તેમની તબિયત એકદમ સારી હોવાનું જાણવા મળ્યું છે. પ્રદેશ ભાજપ અધ્યક્ષ તરીકે વરણી થયા બાદ પાટીલ તાજેતરમાં જ સૌરાષ્ટ્ર (Saurashtra) અને ઉત્તર ગુજરાત (North Gujarat)ના પ્રવાસે ગયા હતા. આ દરમિયાન તેઓ અનેક નેતાઓ અને કાર્યકરોના સંપર્કમાં આવ્યા હતા. એટલું જ નહીં પાટીલના પ્રવાસ દરમિયાન તેમની રેલીમાં હાજર રહેલા અનેક નેતાઓ અને કાર્યકરોનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો. આ રીતે હવે ભાજપ અને પ્રદેશ અધ્યક્ષને બેદરકારી દાખવવી ભારે પડી છે.
સૌરાષ્ટ્રમાં ચાર દિવસ રેલી કરી હતી
ગુજરાત ભાજપના અધ્યક્ષ તરીકે પસંદ કરાયા બાદ પાટીલ લોક સંપર્ક માટે ચાર દિવસના સૌરાષ્ટ્રના પ્રવાસે ગયા હતા. આ દરમિયાન તેઓ લાખો કાર્યકરોને મળ્યા હતા. સૌરાષ્ટ્રની રેલી બાદ બીજેપીના અનેક નેતાઓ સંક્રમણનો ભોગ બન્યા હતા. સૌરાષ્ટ્રની રેલી બાદ વિપક્ષ તરફથી પાટીલની ખૂબ ટીકા કરવામાં આવી હતી. જોકે, તેઓએ કોઈની સલાહ માની ન હતી અને ફરીથી ઉત્તર ગુજરાતનો ત્રણ દિવસનો પ્રવાસ કર્યો હતો. એટલું જ નહીં સૌરાષ્ટ્રના પ્રવાસ દરમિયાન બીજેપી કાર્યકરોના રસ્તા પર ગરબા લેવાના વીડિયો પણ સામે આવ્યા હતા. સુરેન્દ્રનગરમાં તેમના કાર્યક્રમમાં હાજર રહેલા જિલ્લાના નેતાઓ કોરોના પોઝિટિવ આવ્યા હતા. સૌરાષ્ટ્ર પ્રવાસમાં સાથે રહેલા બીજેપી ધારાસભ્ય હર્ષ સંઘવી પણ કોરોના પોઝિટિવ આવ્યા હતા.
પાટીલે આજે જ સી.એમ. સાથે બેઠક કરી હતી
પાટીલ ઉપરાંત આજે જ ગુજરાત ભાજપના પ્રવક્તા ભરત પંડ્યા પણ કોરોના પોઝિટિવ આવ્યા છે. એવી પણ માહિતી મળી છે કે આજે જ સી.આર. પાટીલે મુખ્યમંત્રી સાથે મુલાકાત કરી હતી. એટલે હવે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ હોમ ક્વૉરન્ટીન થવું પડશે.
સી.આર. પાટીલ અને ભાજપને હવે બેદરકારી દાખવવી ભારે પડી છે. એક તરફ સરકાત તરફથી લોકોને સોશિયલ ડિસ્ટન્સિંગ અને મેળવડા ન કરવાની સલાહ આપવામાં આવી રહી હતી ત્યારે બીજેપીના પ્રદેશ અધ્યક્ષ જ ઠેર ઠેર રેલીઓ અને મેળાવડા કરી રહ્યા હતા. આ દરમિયાન ક્યાંક સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાયું ન હતું. ઠેરઠેર સ્વાગત કાર્યકમો થયા હતા. એટલું જ નહીં અનેક કાર્યકરો અને નેતાઓ માસ્ક વગર પણ નજરે પડ્યા હતા. આ જ બેદરકારી હવે ભાજપ તેમજ પ્રદેશ અધ્યક્ષ પાટીલને ભારે પડી છે. ભાજપના એક પછી એક નેતા કોરોના પોઝિટિવ આવી રહ્યા છે.
ભાજપ અધ્યક્ષ પોતાનો પાવર બતાવવા જતા પોઝિટિવ થયા: કૉંગ્રેસ
આ મામલે પ્રતિક્રિયા આપતા કૉંગ્રેસ પ્રવક્તા ડૉક્ટર મનિષ દોષીએ જણાવ્યું હતું કે, આ પહેલા પણ ભાજપ પ્રદેશ અધ્યક્ષ ચૂંટાયા છે. પાટીલ પોતાનું ચાલું છે તેવું બતાવવા માટે રેલીઓ કરી રહ્યા હતા. રાજકોટ અને સુરતની રેલી દરમિયાન તેમની જ પાર્ટીના નેતાઓ કોરોના પોઝિટિવ થયા છે. ગુજરાતનો કોઈ પણ નાગરિક કોરોના પોઝિટિવ થાય તે ઇચ્છનીય નથી. કૉંગ્રેસ પાર્ટીએ ત્યારે પણ રજુઆત કરી હતી કે આ મામલે કાર્યવાહી થવી જોઇએ પરંતુ પ્રજા અને નેતાઓ માટે અલગ અલગ નિયમો હોવાથી પોલીસે કોઈ કાર્યવાહી કરી ન હતી.
જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.