પરાળી મુદ્દે ખેડૂતોને નિશાન બનાવવા સરળ, પણ પ્રદૂષણ દૂર કરવા તમે બીજા કયા પગલાં લીધાં : સુપ્રીમનો કેન્દ્ર-રાજ્ય સરકારને સવાલ
સુપ્રીમનું લોકડાઉનનું સૂચન સ્વીકારી કેજરીવાલ સરકારે એક સપ્તાહ માટે સ્કૂલ-ઓફિસો બંધ કર્યા : સંપૂર્ણ લોકડાઉન અંગે વિચારણા કરાશે
દિલ્હીમાં વાયુ પ્રદૂષણના કારણે સ્થિતિ બગડી રહી છે અને રાજધાની દિલ્હી દિવસે-દિવસે ગેસ ચેન્બર બની રહી છે. વાયુ પ્રદૂષણના જોખમને ધ્યાનમાં રાખતાં દાખલ થયેલી એક અરજીની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારની ઝાટકણી કાઢી હતી અને પ્રદૂષણ માટે ખેડૂતોની ટીકા કરવાને ફેશન ગણાવી હતી. આ સાથે સુપ્રીમે પ્રદૂષણ પર નિયંત્રણ માટે ‘લૉકડાઉન’ લાગુ કરવાનું સૂચન કર્યું હતું. પ્રદૂષણ મુદ્દે સુપ્રીમના આકરા વલણ પછી કેજરીવાલ સરકારે સ્કૂલ, કૉલેજો અને ઓફિસો એક સપ્તાહ માટે બંધ કરવાનો નિર્ણય લીધો હતો અને રાજ્ય સરકારના કર્મચારીઓને પણ ‘વર્ક ફ્રોમ હોમ’ના નિર્દેશ અપાયા હતા.
દિલ્હીમાં વાયુ પ્રદુષણના કારણે સ્થિતિ અત્યંત કથળી રહી છે ત્યારે આ અંગે દાખલ એક અરજીની સુનાવણી દરમિયાન ભારતના મુખ્ય ન્યાયાધીશ એન.વી. રામનના અધ્યક્ષપદે એક બેન્ચે કેન્દ્ર અને રાજ્ય સરકારની ઝાટકણી કાઢી હતી. રમણે કેન્દ્રને જણાવ્યું કે દિલ્હી-એનસીઆરમાં વાયુ પ્રદુષણમાં વધારો ‘ઈમર્જન્સી સ્થિતિ’ હોવાનું ગણાવતા રાજધાનીમાં તાત્કાલિક હવાની ગુણવત્તા સુધારવા માટે બે દિવસનું લોકડાઉન લાગુ કરવા જેવા તાત્કાલિક પગલાં લેવા સૂચન કર્યું હતું. તેમણે ઉમેર્યું કે દિલ્હીમાં સ્થિતિ એટલી કથળી ગઈ છે કે આપણે ઘરોમાં પણ માસ્ક પહેરી રાખવો પડે છે.
મુખ્ય ન્યાયાધીશે કહ્યું કે, પડોશી રાજ્યોમાં ખેડૂતો દ્વારા પરાળી સળગાવવાને કારણે જ પ્રદૂષણ વધી રહ્યું હોવાનો આક્ષેપ એક ફેશન બની ગયો છે. ખેડૂતોની ટીકા કરવી ખૂબ જ સરળ છે. પરાળી સમસ્યાનો એક ભાગ હોઈ શકે છે, પરંતુ તેનું એકમાત્ર કારણ નથી. વાહનોના પ્રદૂષણ, ફટાકડાં ફોડવા, ધૂળના કારણે પણ પ્રદૂષણ વધી રહ્યું છે. આ બધા કારણોનો ઉકેલ લાવવા માટે તમે કયા પગલાં લીધા તેવો પણ બેન્ચે સવાલ કર્યો હતો.
ન્યાયાધીશ ડી.વાય ચંદ્રચૂડ અને ન્યાયાધીશ સૂર્યકાંતને સમાવતી બેન્ચે કેન્દ્રને પૂછ્યું અમને જણાવો કે તમે એમક્યુઆઈને ૫૦૦થી ઘટાડીને ઓછામાં ઓછા ૨૦૦ પોઈન્ટ કેવી રીતે ઘટાડી શકાય છે. સુપ્રીમ કોર્ટે દિલ્હી સરકારને પણ કહ્યું કે તમે રાજધાનીમાં બધી જ સ્કૂલો ખોલી દીધી છે અને હવે બાળકો પ્રદૂષણના સંપર્કમાં આવે છે. આ કેન્દ્રનું નહીં પરંતુ તમારું અધિકાર ક્ષેત્ર છે. તમે પ્રદૂષણ ઘટાડવા શું પગલાં લીધા?
વાયુ પ્રદૂષણ મુદ્દે સુપ્રીમ કોર્ટના આકરા વલણના પગલે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે તાત્કાલિક એક ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી હતી અને અનેક મોટા નિર્ણયોની જાહેરાત કરી હતી. કેજરીવાલે આ બેઠક પછી કહ્યું કે, સોમવારથી દિલ્હીની બધી જ સ્કૂલ-કોલેજો એક સપ્તાહ માટે બંધ રહેશે. આ સિવાય દિલ્હીની સરકારી ઓફિસો પણ બંધ રહેશે. કર્મચારીઓ એક સપ્તાહ માટે ‘વર્ક ફ્રોમ હોમ’ એટલે કે ઘરેથી જ કામ કરશે. આ સમયમાં સ્કૂલોમાં ઓનલાઈન ક્લાસ ચાલુ રહેશે. વધુમાં ૧૪થી ૧૭ નવેમ્બર સુધી કન્સ્ટ્રક્શન એક્ટિવિટી પણ બંધ કરી દેવાશે. કેજરીવાલે ઉમેર્યું કે, સુપ્રીમના સૂચન મુજબ સંપૂર્ણ લોકડાઉન અંગે દરખાસ્ત તૈયાર કરાઈ રહી છે. દિલ્હીમાં વાયુ પ્રદૂષણમાં સુધારો નહીં થાય તો બધી જ ખાનગી ગાડીઓ, નિર્માણ કાર્ય, ટ્રાન્સપોર્ટ, ઔદ્યોગિક પ્રવૃત્તિઓ બંધ કરવામાં આવી શકે છે. જોકે,હાલ આ માત્ર એક દરખાસ્ત છે.
દરમિયાન દિલ્હીમાં શનિવારે સવારે હવાની ગુણવત્તા હજુ પણ ‘ગંભીર’ કેટેગરીમાં હતી. અહીં હવાની ગુણવત્તાનો ઈન્ડેક્સ (એક્યુઆઈ) ૪૭૩ નોંધાયો હતો જ્યારે પડોશી વિસ્તારો નોઈડામાં એક્યુઆઈ ૫૮૭ અને ગુરગાંવમાં ૫૫૭ નોંધાયો હતો. સરકારે લોકોને શક્ય હોય ત્યાં સુધી ઘરોમાં જ રહેવા સલાહ આપી છે અને સરકારી તથા ખાનગી ઓફિસોને વાહનોનો ઉપયોગ ૩૦ ટકા સુધી ઘટાડવા સૂચન કર્યું છે. પરાળી બાળવાની ૪,૦૦૦થી વધુ ઘટનાઓના કારણે દિલ્હીના પ્રદૂષણમાં નોંધપાત્ર વધારો થયો હતો, જે દિલ્હીના પ્રદૂષણમાં ૩૫ ટકા યોગદાન આપે છે
જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.