બાંગ્લાદેશની આઝાદીના ૫૦ વર્ષ પૂરા થવાના પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પડોશી દેશનો બે દિવસનો પ્રવાસ કર્યો હતો. આ પ્રવાસના બીજા દિવસે પીએમ મોદીએ બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરી, જેમાં બંને દેશ વચ્ચે પાંચ કરાર થયા હતા. સાથે અનેક મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સની જાહેરાત કરાઈ. બંને દેશ વચ્ચે મિતાલી એક્સપ્રેસ પેસેન્જર ટ્રેન શરૃ કરવાની પણ જાહેરાત કરાઈ હતી. બાંગ્લાદેશનો બે દિવસનો પ્રવાસ પૂરો કરી પીએમ મોદી શનિવારે મોડી રાતે દિલ્હી પરત ફર્યા હતા.

બાંગ્લાદેશ

બાંગ્લાદેશ સાથે ‘નેબરહૂડ ફર્સ્ટ’ નીતિ

બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના સાથે બેઠક પછી વડાપ્રધાન મોદીએ તેમની ‘નેબરહૂડ ફર્સ્ટ’ નીતિ હેઠળ શેખ હસીનાને કોરોના રસીના ૧૨ લાખ ડોઝ ભેટ સ્વરૃપે આપ્યા હતા. વધુમાં તેમણે શેખ હસીનાને ૧૦૯ જીવનરક્ષક એમ્બ્યુલન્સ પણ સોંપી હતી. પીએમ મોદી અને શેખ હસીનાએ વીડિયો કોન્ફરન્સ મારફત ઢાકા અને ન્યૂ જલપાઈ ગુડીને જોડતી નવી પ્રવાસી ટ્રેન મિતાલી પેસેન્જર ટ્રેનનું ઉદ્ધાટન કર્યું હતું. બંને દેશ વચ્ચે પહેલાથી બે ટ્રેનો મૈત્રી એક્સપ્રેસ (ઢાકાથી કોલકાતા) અને બંધન એક્સપ્રેસ (ખુલનાથી કોલકાતા) ચાલે છે.

બંને દેશના ટોચના નેતાઓ વચ્ચેની શીખર બેઠક દરમિયાન પાંચ મહત્વપૂર્ણ મુદ્દાઓ પર સમજૂતી થઈ હતી, જેમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ રેઝિલિયન્સ એન્ડ મિટિગેશન, બાંગ્લાદેશ નેશનલ કેડેટ કોર્પ્સ અને નેશનલ કેડેટ કોર્પ્સ વચ્ચે કરાર ઉપરાંત બાંગ્લાદેશના રાજાશાહી કોલેજ ફિલ્ડ અને તેની આજુબાજુના વિસ્તારમાં સ્પોર્ટ્સ એક્ટિવિટી વિકસાવવાનો સમાવેશ થાય છે.

ભારતીય વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રૃંગલાએ જણાવ્યું કે પીએમ મોદી અને વડાપ્રધાન શેખ હસીનાએ છઠ્ઠી ડિસેમ્બરને ‘મૈત્રી દિવસ’ તરીકે ઊજવવાનો નિર્ણય કર્યો છે. આ દિવસે ભારતે ઔપચારિક રીતે બાંગ્લાદેશને એક દેશ તરીકે માન્યતા આપી હતી. તેમણે ઉમેર્યું કે, ભારત અને બાંગ્લા દેશ અવકાશ ક્ષેત્રમાં સહયોગ વધારવા મંજૂર થયા છે. વધુમાં બંને દેશ અસૈન્ય પરમાણુ સહયોગ વધારવા પણ સંમત થયા છે.

રુપપુર ન્યુક્લિયર પાવર પ્લાન્ટની ટ્રાન્સમિશન લાઈનો ભારતીય કંપનીઓ દ્વારા વિકસાવાશે. તેના માટે અક અબજ ડોલરનો ખર્ચ થઈ શકે છે. પ્રતિનિધિમંડળ સ્તરની વાટાઘાટોમાં વાણિજ્ય અને સંપર્ક, સહયોગ અને જળ સંશાધન, સુરક્ષા, શક્તિ અને ઊર્જા જેવા મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. વડાપ્રધાન મોદીએ ગોપાલગંજ જિલ્લાના તુંગીપાડા સ્થિત બંગબંધુ શેખ મુજીબુર રહેમાનના સ્મારકની મુલાકાત પણ લીધી હતી. તેમણે તેમની સમાધી પર અંજલી અર્પણ કરી હતી.

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube