અમદાવાદમાં સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં યુ.એન. મહેતા ઈન્સ્ટિટયૂટમાં રૂ. ૩૦૦ કરોડના ખર્ચે નિર્માણાધિન બાળ હૃદય રોગ બિલ્ડિંગનું વડાપ્રધાન મોદી ટૂંક સમયમાં લોકાર્પણ કરશે, આગામી સમયમાં વડાપ્રધાનની સંભવિત મુલાકાતને લઈ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે શુક્રવારે હોસ્પિટલની મુલાકાત લીધી હતી, જેમાં સ્વાસ્થ્ય સુવિધાઓ, સારવારને લગતી મશીનરીનું નિરીક્ષણ કર્યું હતું.
માર્ચમાં બિલ્ડિંગનું વડાપ્રધાનના હસ્તે લોકાર્પણ થવાનું હતું પણ લોકડાઉનના કારણે કાર્યક્રમ મોકૂફ રહ્યો હતો. નાયબ મુખ્યમંત્રીએ મુલાકાત વખતે કહ્યું હતું કે, યુ.એન. મહેતા ઈન્સ્ટિટયૂટમાં જ વિસ્તૃતિકરણ કરીને બાળ હૃદય રોગ માટે નવીન બિલ્ડિંગનું ટૂંક સમયમાં જ વડાપ્રધાનના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે.
તેમણે કહ્યું કે, એપ્રિલ મહિનામાં જ્યારે અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ વધુ હતું ત્યારે કોરોનાના દર્દીઓની સારવારને પ્રાથમિકતા આપી સિવિલની ૧૨૦૦ બેડની હોસ્પિટલ સાથે સાથે યુ.એન. મહેતાની નવનિર્મિત બિલ્ડિંગનો પણ બે મહિના સુધી ઉપયોગ કરાયો હતો.
નવનિર્મિત બિલ્ડિંગ ખાતે પાણીના ભરાવા મુદ્દે નારાજગી
નાયબ મુખ્યમંત્રી પટેલે નવનિર્મિત બિલ્ડિંગ ખાતે પાણીના ભરાવા સહિતની બાબતો પર નારાજગી વ્યક્ત કરી હતી, ઉપરાંત મેન-પાવરની ભરતી સહિતના અન્ય સૂચનો કરી અમલીકરણ કરવા તાકીદ કરી હતી, આગામી સપ્તાહે તેઓ ફરી હોસ્પિટલની વિઝિટ લેશે તેમ સૂત્રો કહે છે.
જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.