પડવાળી ફરસી પુરી – ફરસાણની દુકાને મળે છે તેનાથી પણ વધુ ટેસ્ટી અને ક્રિસ્પી આ પુરી તમે પણ બનાવી શકશો.

કેમ છો? આજે હું તમારા બધા માટે લાવી છું નાસ્તામાં લેવાય એવી પડવાળી ફરસી પુરી. બહાર ફરસાણની દુકાને મળતી પેલી ત્રિકોણ અને પડવાળી પુરી તો તમને યાદ જ હશે. એવી જ નહિ પણ વધુ ટેસ્ટી અને ઘરમાં બધાને પસંદ આવે એવી મસ્ત મરીયા અને અજમાના ફ્લેવર વાળી ફરસી પુરી. તો ચાલો ફટાફટ શીખી લઈએ.

સામગ્રી

  • મેંદાનો લોટ – 250 ગ્રામ
  • ચોખાનો લોટ – બે ચમચી
  • તેલ – તળવા માટે અને મોણ માટે
  • ઘી – બે ચમચી
  • મીઠું – સ્વાદ મુજબ
  • અજમો – એક ચમચી
  • જીરું – અડધી ચમચી
  • મરીયા પાવડર – અડધી ચમચી

પડવાળી ફરસી પુરી બનાવવા માટેની સરળ રેસિપી.

1. સૌથી પહેલા પુરી માટે આપણે લોટ બાંધી લઈશું તેના માટે એક લોટ બાંધવાના વાસણમાં મેંદાનો લોટ લઈશું, હવે તેમાં મીઠું, અજમો, જીરું અને મરીયા પાવડર ઉમેરીશું. અજમો અને જીરું હથેળીમાં મસળીને લઈશું.

2. હવે તેમાં મોણ ઉમેરીશું, (ફોટોમાં બતાવ્યા પ્રમાણે લોટમાં તેલ મુઠ્ઠી પડતું લેવાનું છે.)

3. હવે તેમાં જરૂર પડતું પાણી ઉમેરીને લોટ બાંધીશુ. લોટ રોટલી જેટલો ઢીલો નથી બાંધવાનો અને બહુ કઠણ પણ નથી બાંધવાનો.

4. હવે આ બાંધેલા લોટને 10 મિનિટ ઢાંકીને બાજુ પર દેવો.

5. હવે આપણે એક મિશ્રણ રેડી કરીશું જેનાથી લોટને ટૂંપવાનો છે.

6. વાટકીમાં લીધેલ ચોખાના લોટમાં એક થી દોઢ ચમચી ઘી ઉમેરો. હવે બરાબર ફેટવાનું કરો. જરૂર પડે તો જ તેમાં બીજું ઘી ઉમેરો.

7. ફોટોમાં દેખાઈ રહ્યું છે એ પ્રમાણેની સ્લરી બનાવવાની છે.

8. હવે દસ મિનિટ પછી બનાવેલ સ્લરીને બાંધેલા લોટમાં ઉમેરો.

9. બધું બરાબર મિક્સ થઇ જાય એટલે લોટ પૂરીઓ બનાવવા માટે તૈયાર છે એમ સમજવું.

10. હવે આ લોટમાંથી પૂરીઓ બનાવવા માટેના લુવા બનાવી લો, એકસાથે બધા લોટના લુવા બનાવી લેવાથી બધા એકસરખા બનશે.

11. હવે એક લૂવામાંથી પુરી વણી લઈશું, હવે કાંટા ચમચીની મદદથી તેમાં કાણા પાડીશું જેથી પુરી બહુ ફૂલે નહિ.

12. હવે પૂરીને પહેલા અડધી વાળવી અને પછી ફરી અડધી વાળવી એટલે ત્રિકોણ શેપ થઇ જશે. પુરી વાળતા સમયે તેમાં કાંઈ પણ લગાવવાનું નથી. લોટમાં મિક્સ કરેલ સ્લરી જ પુરીના પડ છુટા પાડી દેશે.

13. હવે આ તૈયાર થયેલ ત્રિકોણ પૂરીને ગરમ તેલમાં તળવા માટે મુકો. (આખી પુરીમાંથી પુરી ત્રિકોણ કરો ત્યારે તેના ખૂણાને થોડા દબાવી દેવાના છે એટલે ત્રિકોણ બરાબર બનેલું રહે.)

14. ગેસ બહુ ધીમો રાખીને તળવાની છે પડવાળી પુરી હોવાથી તે અંદર સુધી ચઢી જાય એની ખાસ તકેદારી રાખવાની છે.

15. એકબાજુ થોડી ગુલાબી રંગની થાય એટલે બીજી બાજુ પણ ફેરવીને તેને તળી લો.

16. બસ થોડીવાર જ તળીને પુરી બરાબર ચઢી જશે. હવે તેને તમે કાઢી લઈ શકો છો.

17. બધી પૂરીઓ આવી જ રીતે તળી લો અને તેને એર ટાઈટ ડબ્બામાં ભરી લો જેથી બહુ લાંબા સમય સુધી સાચવી શકો. આમ તો આ પૂરીઓ બહુ દિવસો સુધી રહેશે જ નહિ એટલી ટેસ્ટી બનશે કે બધા ખાઈ જ જશે.

આ પુરી ચા, કોફી સાથે સવારના નાસ્તામાં કે સાંજના નાસ્તામાં પણ લઇ શકશો. તો એકવાર આ પૂરીઓ જરૂર બનાવજો અને તમને મારી આ રેસિપી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો. આવજો ત્યારે ફરી મળીશું એક નવીન અને પરફેક્ટ રેસિપી સાથે.

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે નીચે આપેલી લીંક પર કલીક કરી જોડાયેલા રહો "Royal Gujju" સાથે.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube