કોરોનાકાળના મુશ્કેલ સમયમાં અગાઉથી જ મોંઘવારીનો માર સહન કરી રહેલી જનતા માટે વધુ એક ખરાબ સમાચાર છે. દેશમાં પેટ્રોલ-ડીઝલની સાથે હવે માચીસના ભાવમાં પણ ૧૦૦ ટકા જેટલો વધારો થયો છે. જોકે, માચીસના બોક્સના ભાવમાં રૂ. ૧નો કરાયેલો વધારો ૧લી ડિસેમ્બરથી અમલી બનશે.
સૂત્રોના જણાવ્યા મુજબ પેટ્રોલ-ડીઝલની સાથે હવે ૧લી ડિસેમ્બરથી ભાવ વધારા સાથે માચીસના બોક્સનો નવો ભાવ બે રૂપિયા થઈ ગયો છે. ઓલ ઈન્ડિયા ચેમ્બર ઓફ માચીસની બેઠકમાં માચીસના ભાવ વધારવાનો નિર્ણય લેવાયો હતો. આ બેઠકમાં માચીસ ઉદ્યોગના પાંચ અગ્રણી એકમોના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. તેમણે સર્વસંમતિથી માચીસના ભાવ વધારવાનો નિર્ણય લીધો હતો.
કાચા માલના ભાવમાં વધારાના કારણે ભાવ વધારો કરાયો હોવાનું જણાવાયું છે. માચીસ બનાવવા માટે મુખ્યત્વે લાલ ફોસ્ફરસ, મીણ, બોક્સ બોર્ડ વગેરેની જરૂર હોય છે. આ બધા કાચા માલના ભાવમાં તીવ્ર વધારો થયો છે. હકીકતમાં ડીઝલનો ભાવ વધવાના કારણે પરીવહન પણ મોંઘું થયું છે. આ જ કારણે કાચા માલના ભાવમાં વધારો થયો છે. દેશમાં લગભગ ૧૪ વર્ષ પછી માચીસના ભાવ વધશે. રિપોર્ટ મુજબ છેલ્લે વર્ષ ૨૦૦૭માં માચીસના ભાવમાં વધારો કરાયો હતો. ત્યારે માચીના ભાવમાં ૫૦ પૈસાનો વધારો કરાયો હતો.
જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.