ઘાત લગાવી ઉગ્રવાદીઓ કાફલા પર ત્રાટક્યા
હુમલામાં આસામ રાઇફલના કમાન્ડિંગ ઓફિસરના પત્ની, પુત્ર અને ચાર જવાનોનાં પણ મોત, હુમલાખોરો ફરાર
કુકીઓ માટે અલગ રાજ્યની માગ કરનારા સંગઠન પીપલ્સ લિબરેશન આર્મી દ્વારા હુમલો કરાયાની શંકા
પીએમ મોદી, રાજનાથસિંહ, આસામના મુખ્યમંત્રી સહિતનાએ શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ પાઠવી
ઇમ્ફાલ : મણિપુરમાં શનિવારે મોટો ઉગ્રવાદી હુમલો થયો હતો. સવારે આશરે દસ વાગ્યે મણિપુરના ચુરાચાંદપુર જિલ્લાના સિંઘાટમાં ઉગ્રવાદીઓએ આ હુમલાને અંજામ આપ્યો હતો. આ હુમલામાં સીઓ સહિત સાત લોકોએ જીવ ગુમાવ્યો હતો. મૃતકોમાં સીઓના પત્ની અને પુત્રનો પણ સમાવેશ થાય છે. જ્યારે અન્ય ચાર જવાનો પણ શહીદ થઇ ગયા હતા.
ઉગ્રવાદીઓના આ હુમલામાં કુલ સાત લોકોએ જીવ ગુમાવ્યો હતો. હુમલા બાદ સૃથળ પર જ કમાંડિંગ ઓફિસર કર્નલ વિપ્લવ ત્રિપાઠી, તેમના પત્ની અને પુત્રનું સૃથળ પર જ મોત નિપજ્યું હતું. આ હુમલાની કોઇ સંગઠને જવાબદારી નથી લીધી.
જોકે એવા અહેવાલો છે કે મણીપુરની પીપલ્સ લિબરેશન આર્મીએ આ હુમલાને અંજામ આપ્યો હતો. આ સંગઠન 1978માં બન્યું હતું જે બાદ અનેક હુમલા કરી ચુક્યું છે. જોકે શનિવારે થયેલો હુમલો સૌથી ઘાતક માનવામાં આવે છે.
એવા અહેવાલો છે કે આતંકીઓએ આ હુમલાને એવા સમયે અંજામ આપ્યો જ્યારે છ આસામ રાઇફલના કમાંડિંગ ઓફિસર કર્નલ વિપ્લવ ત્રિપાઠી ફોરવર્ડ કેમ્પમાં પરત ફરી રહ્યા હતા. તે સમયે તેમના કાફલામાં તેમનો પરિવાર પણ હતો.
જોકે આતંકીઓ પાસે આ કાફલાની જાણકારી પહેલાથી જ આવી ગઇ હતી. એવામાં એક નિશ્ચિત રણનીતિ અંતર્ગત સિંઘાટમાં તેમના કાફલાને નિશાન બનાવવામાં આવ્યો હતો. આ હુમલા બાદ પણ ગોળીબાર થતો રહ્યો હતો. સૈન્યએ પુરા વિસ્તારને ઘેરી લીધો છે અને હુમલાખોરોની શોધખોળ ચાલી રહી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હુમલાની ટીકા કરી હતી અને મૃતકોને શ્રદ્ધાજલી પાઠવી હતી. તેમણે કહ્યું હતું કે આ બલિદાન ક્યારેય ભુલાવી નહીં શકાય. મણિપુરના મુખ્યમંત્રી બિરેનસિંહે ટ્વીટ કરીને કહ્યું હતું કે 46 આસામ રાઇફલ્સના કાફલા પર કાયર્તાપૂર્વક હુમલો કરવામાં આવ્યો હતો. જેની અમે નિંદા કરીએ છીએ. હુમલાખોરોની સામે આકરી કાર્યવાહી કરવામાં આવશે.
સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે કહ્યું હતું કે સૈન્યના કાફલા પર થયેલો આ હુમલો નિંદનિય છે. દેશએ સીઓ અને તેમના પરિવારના બે સભ્યો સહિત પાંચ જવાનો ખોઇ દીધા છે. આ હુમલો જે ઉગ્રવાદી સંગઠન દ્વારા કરવામાં આવ્યો હતો તેણે સૌથી પહેલા 1958માં આ સંગઠનની રચના કરી હતી.
આ સંગઠન વર્ષોથી કુકી જાતીના લોકો માટે અલગ રાજ્યની માગણી કરતુ આવ્યું છે. આ સંગઠને પોતાના અલગ રાષ્ટ્રપતિ પણ બનાવી દીધા છે. તેનો મુખ્ય ટાર્ગેટ સૈન્ય અને પોલીસ રહ્યું છે. જ્યારે આમ નાગરિકો પર પણ તેણે અગાઉ હુમલા કર્યા હતા.
શહિદ થનારા સીઓ પહેલી વખત પરિવાર સાથે કાફલો લઇને નિકળ્યા
મણિપુરમાં સીઓ અને તેમના પત્ની પુત્ર સહિત સાત લોકોના ઉગ્રવાદીઓના હુમલામાં મોત નિપજ્યા હતા. પ્રાપ્ત અહેવાલો અનુસાર કમાંડિંગ ઓફિસર કર્નલ વિપ્લવ ત્રિપાઠી પહેલી વખત કાફલા સાથે પોતાના પરિવારને લઇને જઇ રહ્યા હતા. તેઓ મોટા ભાગે એકલા જ કાફલામાં જતા હોય છે.
જોકે એવું પહેલી વખત બન્યું કે તેમની સાથે આ વખતે તેમના પત્ની અને પુત્ર પણ કાફલામાં સામેલ હતા. તેઓ જે વિસ્તારમાંથી કાફલા સાથે પસાર થયા તે અત્યંત જોખમી પણ માનવામાં આવે છે. હુમલાખોરોને પહેલાથી જ જાણકારી હતી કે કાફલામાં કમાંડિંગ ઓફિસર અને તેમના પત્ની તેમજ પુત્ર પણ સામેલ છે. આ બાતમીના આધારે જ ઉગ્રવાદીઓએ આ હુમલો કર્યો હતો.
જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.