કોઇ દેશની નાગરિકતા કેવી રીતે મળે છે? તેના અનેક આધાર છે, જેમ કે જન્મ, માતા-પિતાની નાગરિકતા, વંશ, પંજીકરણ, લાંબા સમયથી નિવાસ… વગેરે. સૌથી સ્પષ્ટ વાત તો એ છે કે, જે દેશમાં બાળકનો જન્મ થયો છે તે બાળકને ત્યાંની જ નાગરિકતા મળી જાય છે. ધરતી પર જન્મ લેનારા બાળકો માટે તો આ નિયમ યોગ્ય છે પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે, જો કોઇ બાળકનો જન્મ આકાશમાં જ એટલે કે, જો ફ્લાઇટમાં જ જન્મ થઇ જાય તો શું થશે?

જો કોઇ બાળકનો જન્મ આકાશમાં જ એટલે કે ઉડતી ફ્લાઇટમાં થઇ જાય તો તેની નાગરિકતા શું હશે? તેના બર્થ સર્ટિફિકેટમાં જન્મસ્થાનના કોલમમાં શું ભરવામાં આવશે? મહત્વનું છે કે, બર્થ પ્લેસની જગ્યાએ આકાશ અથવા તો વિમાન તો નહીં લખવામાં આવે. હવે તમે વિચારી રહ્યાં હશો કે શું ક્યારેય આવું થયું છે? વાત એટલી સરળ પણ નથી, કારણ કે આ મામલો ખૂબ જ ઓક્વર્ડ છે.
આ રીતે બાળકનું જન્મ સ્થળ નક્કી થશે
એરપોર્ટ ઓથોરિટીમાં કામ કરી ચૂકેલા એક અધિકારીનું કહેવું છે કે, આવા કિસ્સાઓમાં પહેલા બોર્ડર જોવી પડે છે. ફ્લાઈટમાં બાળકના જન્મની ઘટનામાં એ જોવાનું રહેશે કે બાળકના જન્મ સમયે ફ્લાઈટ કોઈ પણ દેશની સરહદમાં ઉડી રહી છે. હવે ફ્લાઇટ લેન્ડ થયા બાદ સંબંધિત દેશની એરપોર્ટ ઓથોરિટી પાસેથી બાળકના જન્મ સંબંધિત પ્રમાણપત્ર મેળવી શકાય છે.
આ દરમિયાન, બાળકના જન્મ પ્રમાણપત્રમાં એ જ દેશનું નામ નોંધવામાં આવશે કે જેમાં દેશની સરહદ પર ઉડતી વખતે બાળકનો જન્મ થયો હતો. જો કે, નિષ્ણાંતોના જણાવ્યાં અનુસાર, બાળકની પાસે એ અધિકાર પણ હોય છે કે, તેના માતા-પિતાના દેશની નાગરિકતા પણ મળી શકે.

આ ઉદાહરણ સાથે સમજો
હવે ધારો કે શ્રીલંકાથી અમેરિકા જતી ફ્લાઇટ ભારતીય સરહદ પરથી પસાર થઇ રહી છે અને એ દરમિયાન શ્રીલંકાની એક મહિલાએ ફ્લાઇટમાં બાળકને જન્મ આપ્યો, તો આવી સ્થિતિમાં બાળકનું જન્મસ્થળ ભારત ગણવામાં આવશે. આ રીતે ફ્લાઈટમાં જન્મેલા બાળકને ભારતની નાગરિકતા મળી શકે છે. જો કે માતા-પિતા શ્રીલંકન હોવાના કારણે તેને શ્રીલંકાની નાગરિકતા મેળવવાનો પણ અધિકાર છે. જો કે, અત્યાર સુધી ભારતમાં બેવડી નાગરિકતાની જોગવાઈ નથી.
શું આવું પહેલાં થયું છે?
મીડિયા રિપોર્ટ્સ અનુસાર અમેરિકામાં થોડાં વર્ષો પહેલાં આવો જ એક કિસ્સો સામે આવ્યો હતો. રિપોર્ટ અનુસાર, નેધરલેન્ડની રાજધાની એમ્સ્ટરડેમથી એક ફ્લાઇટ અમેરિકા માટે ઉપડી હતી. જ્યારે ફ્લાઇટ એટલાન્ટિક મહાસાગરના પ્રદેશમાંથી પસાર થઈ રહી હતી ત્યારે ફ્લાઇટમાં સવાર એક મહિલાને પ્રસૂતિ પીડા થવા લાગી. બાદમાં ફ્લાઇટમાં જ તે મહિલાએ એક બાળકીને જન્મ આપ્યો. છોકરી ખૂબ સ્વસ્થ થઈ ગઈ. બાદમાં માતા અને બાળકને US ની મેસેચ્યુસેટ્સ જનરલ હોસ્પિટલમાં લઈ જવામાં આવી.
હવે આ બાળકીનો જન્મ US બોર્ડરમાં થયો હોવાથી તેને અમેરિકાની નાગરિકતા મળી ગઇ. આ સાથે જ તેના માતા-પિતા નેધરલેન્ડના હોવાના કારણે તેને ત્યાંની પણ નાગરિકતા મળી હતી. એટલે કે તે યુવતી પાસે અમેરિકા અને નેધરલેન્ડ બંને દેશોની નાગરિકતા છે. જો કે ફ્લાઇટમાં જન્મેલા બાળકોની નાગરિકતા અંગે ઘણાં દેશોમાં અલગ-અલગ નિયમો છે, જ્યારે ઘણા દેશોમાં આવી જોગવાઈઓ નથી.
જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.