મોહસિન રજાએ કહ્યું કે, જિન્ના પર દેશના ભાગલા પાડવાનો તહોમત છે, તેનો મહિમામંડન કઈ રીતે કરી શકે છે?
નવી દિલ્હી, તા. 01 નવેમ્બર, 2021, સોમવાર
ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવના એક નિવેદનને લઈ વિવાદ જાગ્યો છે. રવિવારે એક જનસભા દરમિયાન તેમણે મોહમ્મદ અલી જિન્નાને સરદાર પટેલ અને મહાત્મા ગાંધીની માફક આઝાદીના નાયક ગણાવ્યા હતા. તેમના આ નિવેદનને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે શરમજનક અને તાલિબાની માનસિકતાવાળું ગણાવ્યું છે. આ સાથે જ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અખિલેશને માફી માગવા માટે પણ કહ્યું છે.
સીએમ યોગીએ કહ્યું કે, સમાજવાદી પાર્ટીના પ્રમુખે કાલે જિન્ના અને સરદાર પટેલની તુલના કરી. આ શરમજનક છે. આ તાલિબાની માનસિકતા છે જે ભાગલામાં વિશ્વાસ રાખે છે. સરદાર પટેલે દેશને એક સૂત્રમાં પરોવ્યો હતો. અખિલેશે પોતાના આ નિવેદન માટે માફી માગવી જોઈએ.
યુપીના મંત્રી મોહસિન રજાએ અખિલેશ યાદવના આ નિવેદનને તેમની રાજકીય અપરિપક્વતા ગણાવ્યું છે. તેમણે કહ્યું કે, અખિલેશ યાદવે પોતાના આ નિવેદન માટે માફી માગવી જોઈએ. મોહસિન રજાએ કહ્યું કે, જિન્ના પર દેશના ભાગલા પાડવાનો તહોમત છે, તેનો મહિમામંડન કઈ રીતે કરી શકે છે? દેશના ભાગલા પાડનારાઓને આવી રીતે બતાવવા દેશનું અપમાન છે. ઓવૈસી હોય કે અખિલેશ બંને મુસ્લિમ તુષ્ટિકરણની રાજનીતિ કરી રહ્યા છે.
અખિલેશ યાદવે હરદોઈ ખાતે એક જનસભાને સંબોધિત કરતી વખતે કહ્યું હતું કે, સરદાર પટેલ જમીનને ઓળખતા હતા અને જમીન જોઈને નિર્ણયો લેતા હતા, તેઓ જમીનને જોઈ લેતા હતા ત્યારે જ નિર્ણયો લેતા હતા માટે આયરન મેન તરીકે ઓળખાતા હતા. સરદાર પટેલજી, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી, જવાહરલાલ નેહરૂ અને જિન્ના એક જ સંસ્થામાં ભણીને બેરિસ્ટર બનીને આવ્યા હતા. એક જ જગ્યાએ ભણ્યા-ગણ્યા. તેઓ બેરિસ્ટર બન્યા, તેમણે આઝાદી અપાવી અને જો તેમણે કોઈ પણ જાતનો સંઘર્ષ કરવો પડ્યો તો તેઓ પાછા ન હટ્યા.
જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.