- હાલ ગાંધીનગરમાં સહકાર વિભાગમાં રજૂઆત કરી, પુરાવા સમય આવ્યે રજૂ કરીશ
- 900 કર્મચારીની ભરતી કરી રાદડિયાએ કરોડો ભેગા કર્યાનો ઢાંકેચા જૂથનો આક્ષેપ
રાજકોટ જિલ્લા સહકારી બેંકના ચેરમેન, ભાજપના પૂર્વ મંત્રી અને જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડિયા સામે ભાજપના જ ઢાંકેચા અને સાવલિયા જૂથે મોરચો માંડ્યો છે. આ જૂથે ગઈકાલે ગાંધીનગરમાં રાજકોટ જિલ્લા બેંકમાં ભરતીકૌભાંડને લઇ જયેશ રાદડિયા વિરુદ્ધ રજૂઆત કરી હતી. ભાજપના જ પુરુષોત્તમ સાવલિયા, નીતિન ઢાંકેચા અને વિજય સખિયાએ ગઈકાલે ગાંધીનગરમાં સહકાર રજિસ્ટ્રારને જણાવ્યુ હતું કે હાલમાં રાજકોટ જિલ્લા સહકારી બેંકમાં 900 જેટલા કર્મચારીઓની ભરતીમાં મોટું કૌભાંડ આચરાયું છે. વિઠ્ઠલ રાદડિયા બેંકના ચેરમેન હતા ત્યારે 2002માં બોર્ડ મીટિંગમાં ઠરાવ કરીને ભરતીની તમામ સત્તા ચેરમેનને આપી દેવામાં આવી હતી. આજે નીતિન ઢાંકેચાએ દિવ્ય ભાસ્કર સાથેની ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે જિલ્લા બેંકમાં પટ્ટાવાળાનો ભાવ 45 લાખ રૂપિયા છે.
3 માસના રોજમદાર તરીકે ભરતી કરાઈ છે
ગાંધીનગર કરાયેલી રજૂઆતમાં જણાવ્યું હતું કે આ નિયમથી વિરુદ્ધ ભરતી કરવામાં આવી હતી. એ પછી કોઈ જાહેરખબર આપ્યા વગર રોજગાર કચેરીમાંથી નામ મંગાવ્યા વગર કે કોઈ પ્રકારના ઈન્ટરવ્યુ યોજ્યા વગર દરેક ઉમેદવારની 3 માસના રોજમદાર તરીકે પટાવાળા તરીકે ભરતી કરાઈ છે. એક વર્ષ બાદ તેને કાયમી કરાતા હતા અને પાંચ વર્ષ પછી તેને ક્લાર્ક તરીકે પ્રમોશન આપી આગળ વધારી દેવાતા હતા.
જયેશ રાદડિયા દર વર્ષે 60થી 70ની ભરતી કરી કરોડો કમાયા
હાલના બેંકના ચેરમેન જયેશ રાદડિયા વર્ષે 60થી 70 કર્મચારીની ભરતી કરી ઉમેદવારદીઠ 45 લાખ વસૂલતા હોવાનો ભાજપના આ જૂથે આક્ષેપ કર્યો છે. નાબાર્ડની ગાઈડલાઈન છે કે 12 ધોરણથી વધુ લાયકાતવાળાને પટાવાળામાં ન લઈ શકાય. આમ છતાં ઉમેદવારો પાસે ખોટા સોગંદનામા કરાવી તેમની ભરતી કરવામાં આવે છે. બાદમાં કોઈ પ્રકારની પરીક્ષા યોજ્યા વગર પ્રમોશન પણ આપી દેવાય છે. આ રીતે જયેશ રાદડિયાએ કરોડો રૂપિયા ભેગા કર્યાનો આક્ષેપ કરાયો છે.

ખેડૂત મતદારો જેની સાથે હોય તેનું વર્ચસ્વ હોય
જયેશ રાદડિયાએ જણાવ્યું હતું કે સહકારી સંસ્થામાં ખેડૂત જ સર્વસ્વ હોય છે. જેની સાથે ખેડૂત મતદારો હોય, સહકારી જગતમાં તેનું વર્ચસ્વ હોય છે. પુરુષોત્તમ સાવલિયા, હરદેવસિંહ જાડેજા, નીતિન ઢાંકેચા અને વિજય સખિયા એ માત્ર ચાર-પાંચ જ વ્યક્તિ છે, જે આખા ગામમાં ફર ફર કરે છે. એ લોકોના શાસનમાં ભ્રષ્ટાચાર થયો છે એ સૌકોઇ જાણે છે. મારા ખેડૂત ખાતેદાર બેંકના સંચાલન અને વહીવટથી સંતુષ્ટ છે. મારા માટે એનું સર્ટિફિકેટ મહત્ત્વનું છે. આક્ષેપ કરનાર અરીસામાં પોતાના મોં જોવે અને પછી આક્ષેપો કરે. મારી બેંક ભારતની નમૂનેદાર બેંક છે.
અમારા વિરુદ્ધ પુરાવા હોય તો તપાસ કરાવો
જયેશ રાદડિયા સામે મોરચો માંડનાર હરદેવસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે અમારા વિરુદ્ધ કોઈ પુરાવા હોય તો તપાસ કરાવો. જયેશ રાદડિયા એવું જણાવે છે કે જે ગાંધીનગર સુધી ગયા છે તે દૂધે ધોયેલા નથી. તો શું અમે ભ્રષ્ટાચાર કર્યો તો તમને પણ ભ્રષ્ટાચાર કરવાનો અધિકાર મળી જાય? જો એમને એવું લાગે છે કે અમે ભ્રષ્ટાચાર કર્યો હોય તો અમારી વિરુદ્ધ પણ તપાસ કરાવો. અમને કોઈ વાંધો નથી. પરિણામની અમને ચિંતા નથી. નાબાર્ડ અને વિજિલન્સ કમિશનર દ્વારા એવું જણાવવામાં આવ્યું છે કે જિલ્લા બેંક માટે જે રજૂઆત કરાઈ છે. તેમાં તપાસ માટે સૂચના આપી છે.
જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.