જાણો અત્યાર સુધીમાં ટુર્નામેન્ટમાંથી કેટલા ખેલાડી થયા બહાર

આઈપીએલ શરૂ થવાને હવે ગણતરીના જ દિવસો ની વાર છે ત્યારે એક પછી એક ખેલાડીઓના નામ આઈપીએલની ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ રહ્યા છે. તેમાં પણ સૌથી મોટું સંકટ ચેન્નઇ સુપર કિંગ્સ ટીમ માટે ઊભું થયું છે. 19 સપ્ટેમ્બરથી શરૂ થતી ટુર્નામેન્ટમાં ચેન્નઇ સુપરકિંગ્સ અને મુંબઇ ઇન્ડિયન્સ વચ્ચે પહેલી મેચ રમાશે. તેવામાં નજર કરીએ એવા ખેલાડીઓ પર કે જેમની વિકેટ ક્રિકેટ ટુર્નામેન્ટ શરૂ થાય તે પહેલાં જ પડી ગઈ છે. તેમાં સૌથી મોટા ઝટકા ચેન્નઈ સુપરકિંગ્સ ટીમ ને જ લાગ્યા છે.

સુરેશ રૈના

સીએસકેનો આ મહત્ત્વપૂર્ણ ખેલાડીએ ટુર્નામેન્ટમાંથી ખસી ગયો તે વાત ક્રિકેટ ચાહકો માટે મોટો ઝટકો હતો. તેના માટે અલગ અલગ સ્ટોરી સામે આવી હતી. ટીમના ઓનર શ્રીનિવાસને પણ જણાવ્યું હતું કે શા માટે રૈનાએ ટુર્નામેન્ટ છોડી છે. આઇપીએલ 2020 માટે સુરેશ રૈનાને 11 કરોડ જેટલી કિંમતે લેવામાં આવ્યો હતો. જો કે સીએસકેએ રૈનાના વિકલ્પની જાહેરાત કરી નથી.

હરભજન સિંહ

સીએસકે ટીમના આ સ્પિનરે આઇપીએલમાંથી નામ પાછું ખેંચી લઈને ટીમને બીજો મોટો ઝટકો આપ્યો હતો. ભજ્જીએ ટ્વિટર આઇપીએલમાં નહીં રમવાની જાહેરાત કરી હતી. જોકે સીએસકે પાસે ઇમરાન તાહિર, મિચલ સેન્ટનર અને પીયૂષ ચાવલા જેવા ત્રણ ધુરંધર સ્પિનર છે. તેથી ભજ્જીના સ્થાને હજુ સુધી કોઈ અન્ય ખેલાડીને ટીમમાં સામેલ કરવામાં આવ્યો નથી.

ક્રિસ વોક્સ

19 સપ્ટેમ્બરથી દિલ્હી કેપિટલ્સ તરફથી ક્રિસ વોક્સ આઇપીએલ-2020 રમવાનો હતો પરંતુ તેણે અંગત કારણસર આઇપીએલમાં નહીં રમવાનો નિર્ણય કર્યો. દિલ્હી કેપિટલ્સે તેના રિપ્લેસમેન્ટ તરીકે દક્ષિણ આફ્રિકાના એનરિક નોર્ત્ઝેને ટીમમાં સામેલ કર્યો છે.

હેરી ગર્ની

ઈંગ્લેન્ડનો આ ફાસ્ટ બોલર હેરી ગર્ની કોલકાતા નાઇટ રાઇડર્સ તરફથી આઇપીએલમાં રમવાનો હતો, પરંતુ ઈજાના કારણે તે પણ આઇપીએલમાં રમવાનો નથી. કેકેઆર તરફથી હજુ સુધી આ ખેલાડીને બદલે કોઈના નામની જાહેરાત કરવામાં આવી નથી.

જેસન રોય

ઈંગ્લેન્ડના ઓપનર જેસન રોયને થોડા દિવસ પહેલાં પ્રેક્ટિસ દરમિયાન ઈજા થઈ હતી. ત્યાર બાદ દિલ્હી કેપિટલ્સે તેના સ્થાને ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર ડેનિયલ સેમ્સને પોતાની ટીમમાં સામેલ કર્યો. દિલ્હીએ જેસન રોયને 1.50 કરોડની કિંમતમાં ખરીદ્યો હતો.

કેન રિચર્ડસન

આરસીબીએ આ ઓસ્ટ્રેલિયન ખેલાડીને 2 કરોડમાં ખરીદ્યો હતો, પરંતુ નવેમ્બરમાં જ તે પિતા બનવાનો છે અને આ જ કારણે તેણે આઇપીએલમાંથી નામ પાછું ખેંચી લીધું. આરસીબીએ તેના સ્થાને સ્પિનર એડમને ટીમમાં સામેલ કરી લીધો છે.

લસિથ મલિંગા

શ્રીલંકાનો યોર્કર સ્પેશિયાલિસ્ટ મલિંગા અંગત કારણસર આ વખતની આઇપીએલમાં રમવાનો નથી. ૩૭ વર્ષીય આ ફાસ્ટ બોલરનો આઇપીએલમાં રેકોર્ડ શાનદાર રહ્યો છે અને તે ટૂર્નામેન્ટના ઇતિહાસનો સૌથી સફળ બોલર છે. મલિંગના સ્થાને મુંબઈએ ઓસ્ટ્રેલિયાના જેમ્સ પેટિન્સનને ટીમમાં સામેલ કર્યો છે.

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે નીચે આપેલી લીંક પર કલીક કરી જોડાયેલા રહો "Royal Gujju" સાથે.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube