અમેરિકા સાથે ચાલી રહેલી તંગદિલી વચ્ચે ઈરાને બે નવી મિસાઇલોનું અનાવરણ કર્યુ તેમ Iranના સરકારી ટેલિવિઝને એક નિવેદનમાં જણાવ્યું હતું. ઇરાનના સરકારી ટેલિવિઝનના જણાવ્યા અનુસાર આજે ઇરાનના રાષ્ટ્રીય સંરક્ષણ ઉદ્યોગ દિવસના પ્રસંગે આ બે મિસાઇલનું અનાવરણ કરવામાં આવ્યું હતું.

મિસાઈલોના નામ સ્વર્ગસ્થ નેતાઓના નામ પર રખાયા
આ મિસાઇલોના નામ Iranના સ્વર્ગસ્થ જનરલ કાસીમ સુલેમાની અને ઇરાકના સ્વર્ગસ્થ નેતા અબૂ મેહદી અલ મુહદિસના નામે રાખવામાં આવ્યા છે. ચાલુ વર્ષે જાન્યુઆરીમાં બગદાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટની બહાર અમેરિકાના હુમલામાં આ બંને નેતાઓના મોત થયા હતાં.

ઘાતક છે Iran ની આ બંને મિસાઈલ
ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર સુલેમાનીના નામ પર રાખવામાં આવેલી મિસાઇલ શરહીદ હજ્જ કાસીમ મિસાઇલ જમીનથી જમીન પર હુમલો કરનારી મિસાઇલ છે. આ મિસાઇલની ક્ષમતા 1400 કિમી છે. અબૂ મહેદી નામની બીજી મિસાઇલ નેવી ક્રૂઝ મિસાઇલ છે જેની ક્ષમતા 1000 કિમી છે. આ ઉપરાંત ઇરાને આજે પોતાના એડવાન્સ ડ્રોન માટે ચોથી પેઢીના લાઇટ ટર્બો ફેન એન્જિનનું પણ અનાવરણ કર્યુ હતું.

સૌથી શક્તિશાળી સૈન્ય કમાન્ડર હતા કાસિમ સુલેમાની
કાસિમ સુલેમાની Iranના સૌથી શક્તિશાળી સૈન્ય કમાન્ડર તરીકે જાણીતા હતાં. જનરલ સુલેમાની ઇરાનના સશસ્ત્ર દળોની શાખા ઇસ્લામિક રેવલ્યુશનરી ગાર્ડ કોર્પ્સના વડા હતાં. આ ફોર્સ ઇરાનના સર્વોચ્ચ નેતા આયતોલ્લાહ અલી ખામેનીને રિપોર્ટ કરતી હતી.
સુલેમાનીની અમેરિકા દ્વારા કરાઈ હતી હત્યા
જનરલ સુલેમાનીએ 1980માં થયેલા ઇરાન અને ઇરાક વચ્ચેના યુદ્ધ દરમિયાન પોતાના સૈન્ય કેરિયરની શરૂઆત કરી હતી. 1998થી તે ઇસ્લામિક રેવલ્યુશનરી ગાર્ડ કોર્પ્સનું નેતૃત્ત્વ કરી રહ્યાં હતાં. બગદાદ એરપોર્ટ પર અમેરિકા દ્વારા તેમની હત્યા કરવામાં આવ્યા પછી ઇરાનના સર્વોચ્ચ નેતાએ અમેરિકા સાથે બદલો લેવાનું વચન આપ્યું હતું.
જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.