IPL 2020: ચેન્નઈ સુપરકિંગ્સ કેમ સતત બીજી મેચ હારી? જાણો પાંચ મોટા કારણ

નવી દિલ્હી: આઈપીએલની સાતમી મેચમાં કંઈક એવું થયું જેની આશા બહુ ઓછા લોકોને હતી. દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાયેલા મેચમાં દિલ્હી કેપિટલ્સે ચેન્નઈ સુપરકિંગ્સ (Delhi Capitals beat Chennai Super Kings)ને 44 રનના મોટા અંતરથી હાર આપી હતી. પ્રથમ બેટિંગ કરતા દિલ્હી કેપિટલ્સે 20 ઓવરમાં 175 રન બનાવ્યા હતા. જવાબમાં ચેન્નઈ સુપરકિંગ્સ ફક્ત 131 રન બનાવી શકી હતી અને મેચ હારી ગઈ હતી. ચેન્નઈ સુપરકિંગ્સની આઈપીએલ 2020માં આ સતત બીજી હાર છે. તો જાણીએ ચેન્નઈ સુપરકિંગ્સની હારના સૌથી મોટા કારણો વિશે.

ચેન્નાઈ સુપરકિંગ્સની ઓપનિંગ સૌથી નબળી લાગી રહી છે. શેન વૉટસન અને મુરલી વિજયની જોડી બિલકુલ ફોર્મમાં નથી. વૉટસન છેલ્લા બે વર્ષથી લીગ મેચોમાં ખરાબ પ્રદર્શન કરી રહ્યો છે, જ્યારે મુરલી વિજય પણ ઘણા લાંબા સમય પછી આઈપીએલમાં ઓપનિંગ કરી રહ્યો છે. ત્રણેય મેચમાં તે ફ્લોપ રહ્યો છે. દિલ્હી કેપિટલ વિરુદ્ધ વૉટસન 16 બોલમાં 14 અને મુરલી વિજય 15 બોલમાં 10 રન બનાવીને આઉટ થયા હતા. બંનેનો સ્ટ્રાઇક રેટ 100થી પણ ઓછો રહ્યો હતો, પરિણામે ચેન્નઈની મિડલ ઑર્ડર પર દબાણ આવ્યું હતું.

ટૉપ ઑર્ડર ફ્લૉપ રહ્યા બાદ ચેન્નઈ સુપરકિંગ્સના મિડલ ઑર્ડર દબાણમાં છે. બીજી તરફ સુરેશ રૈનાની ગેરહાજરીમાં ટીમ અનેક મુશ્કેલીનો સામનો કરી રહી છે. છેલ્લા બે મેચમાં રાયડૂ પણ ફિટ ન હતો. ચોથા નંબર પર ઋતુરાજ ગાયકવાડ બેટિંગ કરી રહ્યો છે. આ ઉપરાંત કેદાર જાધવ પણ ખૂબ ધીમી બેટિંગ કરી રહ્યો છે. ખુદ ધોની પણ ક્રિઝ પર ખૂબ મોડો આવી રહ્યો છે, પરિણામે ટીમ બે મેચ હારી ગઈ છે.

એમએસ ધોનીના બોલરો પણ ફોર્મમાં ન હોવાનું લાગી રહ્યું છે. અવારનવાર પાવરપ્લેમાં ટીમને સફળતા અપાવનાર ચાહરની સ્વિંગ ગાયબ જ થઈ ગઈ છે. જ્યારે કર્ણ શર્મા સારી બોલિંગ કરી રહ્યો છે, પરંતુ સ્પિનર રવિન્દ્ર જાડેજાએ પણ છેલ્લી મેચોમાં ખૂબ રન આપ્યા છે. પીયૂષ ચાવલાનું પ્રદર્શન સરેરાશ રહ્યું છે. તે પ્રથમ બે ઓવરમાં ખૂબ રન આપે છે, જેનાથી વિરોધી ટીમ પર કોઈ દબાણ નથી પડતું. ધોનીએ પણ દિલ્હી વિરુદ્ધ હાર બાદ સ્વીકાર્યું કે તેમના બોલરો યોગ્ય લેંથ પર બોલિંગ નથી કરી શકતા.

એમએસ ધોનીની ખરાબ રણનીતિ પણ ચેન્નાઇ સુપરકિંગ્સની હારનું કારણ છે. છેલ્લી બે મેચમાં ધોની એ સમયે બેટિંગ કરવા માટે આવી રહ્યો છે જ્યારે મેચ તેમના હાથમાંથી નીકળી ગઈ હોય. દિલ્હી વિરુદ્ધ ધોની જ્યારે ક્રિઝ પર આવ્યો ત્યારે ફક્ત 26 બોલ બાકી હતા. રૈનાની ગેરહાજરીમાં ચેન્નઈની ટીમમાં ધોની એકમાત્ર અનુભવી ખેલાડી છે. આમ છતાં તે મોડેથી ક્રિઝ પર આવે છે. ધોનીની આ રણનીતિથી તમામ ક્રિકેટ દિગ્ગજ હેરાન છે.

ચેન્નાઇની સતત બીજી હારનું એક મોટું કારણ સીનિયર ખેલાડીઓનું ટીમથી બહાર હોવું પણ છે. હરભજનસિંહ આઈપીએલમાં નથી રમી રહ્યો. રૈનાએ પણ ટૂર્નામેન્ટ પહેલા જ પોતે નહીં રમે તેવી જાહેરાત કરી દીધી હતી. રાયડૂ અને ડ્વેન બ્રાવો પણ અનફિટ છે. આ ચારેય ખેલાડીઓ ટીમની તાકાત છે. જેની ગેરહાજરી કે ફોર્મમાં નહીં હોવાની અસર ટીમના પ્રદર્શન પર પડી રહી છે.

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે નીચે આપેલી લીંક પર કલીક કરી જોડાયેલા રહો "Royal Gujju" સાથે.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube