કોરોના મહામારીને લઇને બંધ કરવામાં આવેલી બિહારની સ્કૂલો એકવાર ફરીથી ખુલવા માટે તૈયાર છે. બિહાર સરકારે 28 સપ્ટેમ્બરથી સ્કૂલોને ખોલવાનો નિર્ણય લીધો છે. સરકારના આ નિર્ણય અંતર્ગત અઠવાડિયામાં બાળકોએ બે દિવસ સ્કૂલ આવવાનું રહેશે. આ દરમિયાન 50 ટકા ટીચિંગ અને નૉન ટીચિંગ સ્ટાફ પણ સ્કૂલમાં આવશે. સરકારનો આ આદેશ ખાનગી અને સરકારી બંને સ્કૂલો પર લાગુ થશે.
બાળક અઠવાડિયામાં ફક્ત 2 જ દિવસ સ્કૂલ જઇ શકે છે
આ નિર્ણય અંતર્ગત 30 ટકા બાળકો જ રોજ સ્કૂલ આવી શકશે. આ વ્યવસ્થા અંતર્ગત 9માંથી 12માં ધોરણના વિદ્યાર્થીઓ જ સ્કૂલમાં અભ્યાસ કરી શકશે. સ્કૂલોને ખોલવાને લઇને જે ગાઇડલાઇન સરકાર દ્વારા જાહેર કરવામાં આવી છે એ આદેશ પ્રમાણે 9માંથી 12માં ધોરણ સુધીનું એક બાળક અઠવાડિયામાં ફક્ત 2 જ દિવસ સ્કૂલ જઇ શકે છે. બિહાર સરકારના આ નિર્ણય અંતર્ગત કેન્દ્ર સરકાર તરફથી જાહેર એસઓપીનું પાલન કરતા સ્કૂલ જવાની પરવાનગી હશે.
સ્કૂલમાં માસ્ક – સેનિટાઇઝર ફરજિયાત
કેન્દ્ર સરકાર તરફથી જાહેર અનલૉક-4માં 9માંથી 12માં સુધીના બાળકોને 21 સપ્ટેમ્બરથી સ્કૂલ જવાની પરવાનગી આપવામાં આવી હતી. સ્કૂલ જનારા વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ જે ગાઇડલાઇન્સનું પાલન કરવાનું હશે તેમાં સોશિયલ ડિસ્ટન્સિંગ સૌથી મહત્વનું છે. આ ઉપરાંત પ્રેક્ટિકલ ક્લાસ પણ અત્યારે નહીં હોય. સ્કૂલમાં બાળકોએ માસ્ક લગાવીને જ રહેવાનું હશે. સેનિટાઇઝર પણ સાથે રાખવાનું હશે. સ્કૂલ મેનેજમેન્ટ દ્વારા કોરોનાને જોતા અનેક સાવધાની રાખવામાં આવી રહી છે, જેમાં સાફ-સફાઈથી લઇને ઑક્સિજન લેવલ તપાસવા માટે ઑક્સીમીટર સુધીની વ્યવસ્થા હશે.
ઉલ્લેખનીય છે કે બિહારમાં 14 માર્ચથી સ્કૂલ-કૉલેજ સહિત તમામ શૈક્ષણિક સંસ્થાઓ બંધ છે. મંગળવારના બિહાર સરકારના શિક્ષણ વિભાગના પ્રધાન સચિવ સંજય કુમારે એક મહત્વની બેઠક બોલાવી હતી. આ બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.
જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.