હેલ્મેટ નહીં પહેરનારને રૂપિયા 500નો દંડ અને માસ્ક નહીં પહેરનારાને 1000નો દંડ
– કોરોનાકાળમાં કાયદામાં આપેલી ઢીલ પૂરી થઈ
અમદાવાદ, તા. 9 સપ્ટેમ્બર 2020 બુધવાર
ગુજરાતમાં આજથી હેલ્મેટ ના પહેરનારા પાસેથી દંડ વસૂલાશે. માસ્ક નહીં તો 1 હજાર રૂપિયા દંડ અને હેલમેટ નહીં પહેર્યું હોય તો 500 રૂપિયા દંડ થશે. આજથી 20 સપ્ટેમ્બર દરમિયાન સમગ્ર ગુજરાતમાં ટ્રાફિક પોલીસને મેગા ડ્રાઈવ ચલાવવાનો આદેશ આપવામાં આવ્યો છે.
ચોમાસાની ભેજવાળી ઋતુમાં અને વરસાદી વાતાવરણમાં માસ્ક ઉપર હેલ્મેટ પહેરવાથી વિઝિબિલિટી ઘટી જતી હતી અને આ કારણને માન્ય રાખીને પણ પોલીસ કોઈને દંડ ફટકારતી નહોતી પરંતુ હવે વરસાદે પણ વિરામ લીધો છે.
ચોમાસુ જવાની તૈયારીમાં છે અને રોડ અકસ્માત વધી રહ્યા છે, ત્યારે પોલીસે કડકમાં કડક રીતે હેલ્મેટનો કાયદો અમલમાં મૂકવાનું નક્કી કર્યું છે. ટુ વ્હીલર ચાલકોને એટલી બધી રાહત હતી કે, માસ્ક ન પહેર્યું હોય તો ઈ-મેમો ફાટતો હતો પરંતુ હેલ્મેટ ના પહેર્યું હોય તો ઈ-મેમો પણ નહોતો ફાટતો પરંતુ રોડ અકસ્માતો વધતાં આજથી હેલ્મેટ માટે દંડવાનું નક્કી કરાયું છે. તેથી જો હેલ્મેટ નહિ પહેર્યું તો રૂબરૂમાં દંડ અને સીસીટીવી કેમેરામાં જે વાહન ચાલકો હેલ્મેટ વગર દેખાશે તેમના ઘરે ઈ-મેમો પહોંચશે. તો આજથી તમામ ટુ વ્હીલર ચાલકોએ હેલ્મેટ પહેરવું પડશે અને માસ્ક પણ પહેરવું પડશે.
નગરપાલિકા અને મહાનગર પાલિકાની હદમાં હેલ્મેટનો નિયમ કડક રીતે લાગુ કરવામાં આવ્યો છે. રોડ અકસ્માતો વધ્યા હોવાથી ગામડાઓના રસ્તા ઉપર પણ હેલ્મેટ પહેરવું આવશ્યક છે. રોડ સેફ્ટીની બેઠક મળી તેમાં આજથી 12 દિવસ સુધી ટ્રાફિક ડ્રાઈવ ચલાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.