સૂર્યના કિરણો સતત શિવલિંગને સ્પર્શ કરતા હોવાથી તે તડકેશ્વર મહાદેવના મંદિર તરીકે પ્રસિધ્ધ છે.

મંદિરની ખાસિયત એ છે કે મંદિર ઉપર કોઇ છત નથી તેમજ સૂર્યના કિરણો શિવલિંગ ઉપર પડે છે. જેના કારણે સૂર્યના કિરણો સતત શિવલિંગને સ્પર્શ કરતા હોવાથી તે તડકેશ્વર મહાદેવના મંદિર તરીકે પ્રસિધ્ધ છે. 1994માં જીર્ણોદ્ધાર કરી 20 ફૂટના ગોળાઈનો ઘુમ્મટ ખુલ્લો બનાવાયો. સ્વયંભૂ પ્રગટેલા શિવલિંગના દર્શનાર્થે લોકોની ભારે ભીડ રહે છે. શ્રાવણમાસ અને મહાશિવરાત્રિએ તો ભક્તો દૂર દૂરથી દાદાના દર્શનાર્થે આવે છે.

તડકેશ્વર મહાદેવની ગાથા

વલસાડના પરા વિસ્તાર અબ્રામા ગામે વાંકી નદીના કિનારે તડકેશ્વર મહાદેવનું અતિ પ્રાચીન શિવાલય આવેલું છે. આશરે 800 વર્ષ પુરાણા આ શિવાલયની પૌરાણિક ગાથા અનોખી અને અલૌકિક છે. વર્ષો પહેલાં અહિંના જંગલમાં ગાયો ચરાવતા નિર્દોષ ગોવાળિયાએ એક ગાયને સ્વયંભૂ દૂધની ધારા વહાવતી જોઈ તો તે વિસ્મય પામ્યો હતો. ગામલોકોને જાણ કરતાં તેઓએ તે જગ્યા પર તપાસ કરતાં એક મોટી પથ્થરની શિલા નજરે પડે હતી. ત્યારબાદ આ શિલા પર એક ભક્ત રોજ આવીને દૂધનો અભિષેક કરી જતો હતો. ભોળા શિવજીએ તેને સ્વપ્નમાં આવી જણાવ્યું કે, તું રોજ આ ઘોર જંગલમાં આવીને મારી પૂજા-અર્ચના કરે છે, તારી નિષ્ઠા અને અનન્ય ભક્તિ થી હું પ્રસન્ન થયો છું. હવે મને આ કાદવકીચડમાંથી બહાર કાઢી યોગ્ય જગ્યાએ લઈ જઈ પૂજન કરજે. ભક્તની લાગણીને માન આપી ગામલોકોએ શિલાની આસપાસ ખોદકામ કરતાં સૌના આશ્ચર્ય વચ્ચે 6થી7 ફૂટ લંબાઈ ઘરાવતું પોઢેલા શિવ જેવા આકારનું લિંગ નજરે પડ્યું હતું. ખૂબ જ સાવચેતી પૂર્વક લિંગ ખંડિત ન થાય તે રીતે ખોદકામ પૂર્ણ કરાયું હતું. બળદગાડામાં શિલાને લાવી આજના સ્થળે તેમની પ્રાણપ્રતિષ્ઠા કરાઈ હતી.

શા માટે મંદિર પર નથી કોઈ છત?

શિવલિંગના રક્ષણ માટે કામચલાઉ દિવાલ અને ઉપર ઘાસનું છાપરું બનાવાયું હતું. પરંતુ થોડા દિવસમાં આ છાપરું અચાનક સળગી ગયું હતું. બાદમાં નળિયાવાળું છાપરું બનાવાયું તો તે વાવાઝોડાથી ઉડી ગયું હતું. વારંવાર બનતી આ ઘટના બાદ શિવભક્તને સ્વપ્ન આવ્યું કે ‘હું તડકેશ્વર છું,’ મારા શીરે કોઈ છાપરું બાંધવાનો પ્રયત્ન ન કરશો. ગામલોકોએ ભક્તની વાત સાચી ગણીની ચારેબાજુ દિવાલ કરી દરવાજા બનાવ્યા પણ ઉપરથી ખૂલ્લું જ રાખ્યું હતું.

શ્રાવણમાં એક લાખથી વધુ ભક્તો દર્શનાર્થે આવે છે

તડકેશ્વર મહાદેવના મંદિરે દર શ્રાવણ માસ દરમિયાન ભક્તોની ભારે ભીડ રહે છે. શ્રાવણના ચાર સોમવારે 10 હજારથી વધુ શિવભક્તો ભોળાનાથને શિશ નમાવવા આવે છે. તડકેશ્વરદાદાના દર્શનાર્થે એનઆરઆઇ ભક્તો અચૂક દર્શનનો લાભ લે છે. શ્રાવણ માસમાં દર સોમવારે તડકેશ્વર મહાદેવ મંદિરે વિશાળ મેળો ભરાય છે. જેમાં દૂર દૂરથી લોકો લકઝરી બસ તેમજ ખાનગી વાહનોમાં આવે છે. દાદાનો મહિમા અપરંપાર અને શ્રધ્ધાભેર હોવાથી ભક્તોની ભીડ મોટી સંખ્યામાં ઉમટી પડે છે.

આસપાસના જોવાલાયક સ્થળો

કલ્યાણ બાગ, જલારામ મંદિર વગેરે જોવાલાયક સ્થળો આવેલાં છે. વલસાડથી 5 કિમીના અંતરે દરિયાકિનારે પ્રખ્યાત હવાખાવાનું સ્થળ તિથલ તેમ જ 3 કિમીના અંતરે પારનેરાનો કિલ્લો જોવાલાયક સ્થળો આવેલાં છે.

કેવી રીતે પહોંચવું

વિમાન દ્વારા

દેશના અન્ય મોટા શહેરોમાંથી વલસાડ સુધી કોઈ નિયમિત ફ્લાઇટ્સ નથી. સૌથી નજીકનું હવાઈ મથક સુરત એરપોર્ટ (STV) છે જે 99 કિ.મી દૂર છે અને મુંબઇ એરપોર્ટ (BOM) આશરે 186 કિ.મી. છે.

ટ્રેન દ્વારા

વલસાડ રેલ્વે સ્ટેશન એ મુખ્ય રેલ્વે સ્ટેશન છે, અને આ શહેરને અન્ય મોટા શહેરોમાં જોડે છે. રેલ્વે સ્ટેશન: વલસાડ

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube