મુખ્યમંત્રી વિજય રૂપાણીની સૌજ્ન્ય મૂલાકાત ગુજરાતને ફાળવાયેલા 2019 બેચના સાત પ્રોબેશનરી-તાલીમી IPS અફસરોએ ગાંધીનગરમાં લીધી હતી. 2019 બેચના આ સાત તાલીમી IPS અધિકારીઓ હાલ કરાઇ પોલીસ અકાદમીમાં તાલીમ લઇ રહ્યા છે. તા.1 સપ્ટેમ્બરથી તેઓ તેમને ફાળવાયેલા જિલ્લાઓ ભરૂચ, જૂનાગઢ, મોરબી, ખેડા, વડોદરા ગ્રામ્ય, અમદાવાદ ગ્રામ્ય અને ભાવનગરમાં અજમાયશી અધિકારી તરીકે સેવાઓ આપવા નિયુકત થવાના છે.
મુખ્યમંત્રીએ આ તાલીમી યુવા IPS અધિકારીઓ સાથે સંવાદ કરતાં કહ્યું કે, કાયદો વ્યવસ્થાના રખેવાળ તરીકે તેમને જનસેવાનો જે અવસર મળ્યો છે તેમાં સમાજના અંતિમ છૌરના વ્યક્તિને પણ પોલીસ તેની સાથે-તેની પડખે છે તેવી અનુભૂતિ થાય તેવું દાયિત્વ સેવાકાળ દરમ્યાન તેઓ નિભાવે.
આ તાલીમી IPS અધિકારીઓમાં બહુધા ઇજનેરી ડીગ્રી ધારકો છે તેનો ઉલ્લેખ કરતાં મુખ્યમંત્રીએ કહ્યું કે, ગુજરાતે ટેકનોલોજીનો પોલીસ ફોર્સમાં મહત્તમ ઉપયોગ કરીને ‘‘મોર્ડન પોલીસ ફોર્સ’’ની નામના મેળવી છે તેમાં આ યુવાઓ પણ પોતાના જ્ઞાન કૌશલ્યથી વધુ નિખાર આપવા યોગદાન આપી શકે.
મુખ્યમંત્રીએ આ યુવા IPS તાલીમી અધિકારીઓને સમાજ સુરક્ષાની જિમ્મેદારી સંપૂર્ણ ઇમાનદારી અને નિષ્ઠાથી અદા કરવાની શુભેચ્છાઓ આપી હતી. મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન પણ આ વેળાએ જોડાયા હતા.
જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.