- નવી દિલ્હી (New Delhi):વોલમાર્ટ (Wallmart) ઇન્કના ફ્લિપકાર્ટે (FlipKart) મંગળવારે કહ્યુ હતુ કે તે ભારતમાં તહેવારોની સિઝનમાં ઓનલાઇન ખરીદીમાં ઉછાળાની તૈયારી કરતા 70,000 લોકોની ભરતી કરવાનુ છે. છેલ્લા કેટલાક સમયથી લોકોમાં ઓનલાઇન શોપિંગ કરવાનું પ્રમાણ વધી ગયુ છે. એમાંય કોરોના પછી હવે જયારે લોકડાઉન દરમિયાન દુકાનો બંધ હતી, મોલ, સુપરમાર્કેટ બંધ હતા. લોકો ઓનલાઇન શોપિંગ (online shopping) તરફ વધુ વળ્યા છે. જેમ જેમ લોકો ઓનલાઇન શોપિંગ તરફ વળ્યા છે, એમ આ પ્લેટફોર્મને પોતાના સ્ટાફની સંખ્યા વધારવાની જરૂર પડી છે. ફ્લિપકાર્ટે મંગળવારે જાહેરાતમાં કહ્યુ છે કે તે 70,000 આસપાસ લોકોની ભરતી સિવાય અમુક નાની કંપનીઓ સાથે ભાગીદારી પણ કરશે.

કંપનીએ એક નિવેદનમાં જણાવ્યુ હતુ કે, ફ્લિપકાર્ટની સપ્લાય ચેઇનમાં સીધી નોકરીની તકો ઊભી થઇ રહી છે, જેમાં ડિલિવરી એક્ઝિક્યુટિવ્સ, પિકર્સ (Pickers), પેકર્સ (packers) અને સોર્ટર (sorters) શામેલ છે. આ સિવાય ફ્લિપકાર્ટના વેચનાર ભાગીદાર સ્થળો અને સ્થાનિક સ્ટોર્સ પર પણ ભરતીની પરોક્ષ શકયતાઓ છે. ભાગીદારો તરીકે અને અન્ય ભૂમિકાઓમાં ઘણા લોકોને રોજગારી આપશે. કંપનીએ જણાવ્યુ હતુ કે તે અંતરિયાળ વિસ્તારોમાં ડિલિવરી કરવા માટે 50,000 થી વધુ કરિયાણાની દુકાનો (local grocery stores) સાથે ટાઇ-અપ કરશે.

એમેઝોન 1 લાખ કર્મચારીઓની ભરતી કરશે
એમેઝોને (Amazon) ગઇકાલે જણાવ્યુ હતુ કે ઓનલાઇન ઓર્ડરોમાં આવેલા ઉછાળાને પહોંચી વળવા તે વધુ 1 લાખ લોકોની ભરતી કરશે. આ કંપનીએ જણાવ્યુ હતુ કે નવી ભરતીઓ પાર્સલો પેક કરવા, તેમને રવાના કરવા તથા ઓર્ડરોનું સોર્ટિંગ કરવાના કામમાં મદદ કરશે. આમાં લોકો પાર્ટ-ટાઇમ અને ફૂલ-ટાઇમ કામ કરી શકશે. એમેઝોને જણાવ્યુ હતુ કે આ નોકરીઓ સામાન્ય રીતે રજાઓ દરમ્યાન આપવામાં આવતી નોકરીઓ જેવી હંગામી નથી. અત્રે ઉલ્લેખનીય છે કે વિશ્વની અગ્રણી ઓનલાઇન શોપીંગ કંપની એવી એમેઝોન કે જે અમેરિકાના સિએટલમાં (Seattle) વડુમથક ધરાવે છે તેનો ધંધો ધમધોકાર ચાલી રહ્યો છે. તેણે એપ્રિલ અને જુન વચ્ચે તો વિક્રમી આવક અને નફો મેળવ્યા હતા કારણ કે રોગચાળાને કારણે વધુ પ્રમાણમાં લોકો કરિયાણું અને માલસામાન ખરીદવા એમેઝોન તરફ વળ્યા હતા.
ઓર્ડરોના ધસારાને પહોંચી વળવા કંપનીએ આ વર્ષની શરૂઆતમાં 1,75,000 લોકોની ભરતી કરવી પડી હતી અને ગયા સપ્તાહે તેણે જણાવ્યુ હતુ કે તેને 33,000 કોર્પોરેટ અને ટેક જોબ્સની જગ્યાઓ પુરવાની જરૂર છે. એમેઝોને જણાવ્યુ હતુ કે આ મહિને તે 100 નવા ગોદામો, પેકેજ સોર્ટિંગ સેન્ટરો અને અન્ય સવલતો તે શરૂ કરી રહી છે અને તેમના માટે તેણે વધુ કર્મચારીઓની જરૂર પડશે. કેટલાક શહેરો જેવા કે ડેટ્રોઇટ (Detroit), ન્યૂયોર્ક (New York), ફિલાડેલ્ફિયા (Philadelphia) અને લુઇસવિલે (Louisville) વગેરેમાં તો તેને કર્મચારીઓ શોધવામાં મુશ્કેલી પડી રહી છે અને આના કારણે તે કર્મચારીઓને નોકરીએ જોડાતા જ 1000 ડોલરના બોનસની ઓફર કરી રહી છે. તહેવારોની ઋતુ શરૂ થાય પછી તો તેના ધંધામાં ઓર ઉછાળો આવવાની શક્યતા છે.
જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.