શહેરના ટેક્સ્ટાઇલ-ડાયમંડ સહિતના તમામ સેક્ટરોમાં તેજી હોવાથી વેપારીઓને દિવાળી સારી જવાની આશા
દક્ષિણ ગુજરાતની વિવિધ મંડળીઓના 50થી વધુ સ્ટોલ મળી નાના મોટા 240થી વધુ રિટેઇલ સ્ટોલ પર વેચાણ
કોરોનાની પહેલી લહેર બાદ ગત દિવાળીની આસપાસ બીજી લહેરની શરૂઆત થઈ ગઈ હતી. આ ઉપરાંત શહેરના ટેક્સટાઈલ ઉદ્યોગને મોટા પાયે નુકસાન ગયું હતું જેને લઈને ગત દિવાળીએ ફટાકડા માર્કટને પણ અસર થઈ હતી. અને ફટાકડાના વેચાણમાં પણ ઘટાડો નોંધાયો હતો. પરંતુ આ વર્ષે હીરા ઉદ્યૌગ અને છેલ્લાં 6 મહિનાથી ટેક્સટાઈલ ઉદ્યૌગમાં પણ તેજી જોવા મળી રહી હોવાને કારણે શહેરના તમામ ઉદ્યૌગ સેક્ટરમાં તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. જેને લઈને ફટાકડાના વેપારીઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
આ વર્ષે શહેરમાં 70થી 80 કરોડ રૂપિયાના ફટાકડા શહેરમાં વેચાવાનો અંદાજે ફટાકડાના વેપારીઓ વ્યક્ત કરી રહ્યાં છે. દક્ષિણ ગુજરાતની અલગ અલગ મંડળીઓ દ્વારા પણ શહેરમાં ફટાકડાના 50થી વધુ સ્ટોલ નાંખ્યા છે. જ્યારે શહેરના અન્ય લોકો દ્વારા અંદાજે 190થી વધારે ફટકાડના સ્ટોલ નાંખવામાં આવ્યા છે. જ્યારે બીજી તરફ ફટાકડાના હોલસેલના વેપારીઓ પાસે સ્ટોક ખૂટી પડ્યો છે. જેને લઈને રિટેલ વેપારીઓને દિવાળી સારી જવાની આશા છે.
મેન્યુફેક્ચરિંગ કંપનીઓએ નવા ઓર્ડર બંધ કરી દેતાં હોલસેલના વેપારીઓ પાસે સ્ટોક ખૂટી પડ્યો
આ વર્ષે દિવાળીએ ફટાકડાનું વેચાણ વધારે થવાની શક્યતાઓ ફટાકડાના વેપારી દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે. કારણ કે, ગત વર્ષે કોરોનાનો કહેર હોવાથી લોકો દ્વારા પણ ફટાકડાની ઓછી ખરીદી કરવામાં આવી હતી. પરંતુ આ વર્ષે કોરોના હળવો થતાં લોકો ખરીદી કરી રહ્યાં છે. હાલ હોલસેલના વેપારીઓ પાસે ફટાકડાનો સ્ટોક ખૂટી પડ્યો હોવાનું શહેરના ફટાકડાને વેપારીઓ જણાણી રહ્યાં છે. ફટાકડાનું નિર્માણ કરતી કંપનીઓએ પણ હવે ઓર્ડર લેવાનું બંધ કરી દીધું છે.
ટ્રાન્સપોર્ટેશન મોંઘુ થઈ જતાં ભાવ પર અસર
પેટ્રોલ-ડિઝલના ભાવમાં વધારો થયો હોવાને કારણે ટ્રાન્સપોર્ટેશન, મજૂરી સહિતના ભાવોમાં પણ વધારો થયો છે. જેની ડાયરેક્ટ અસર ફટાકડા માર્કેટ પર થઈ રહી છે. શહેરમાં આ વર્ષે ફટાકડાના ભાવમાં 20થી 25 ટકાનો વધારો થયો છે.
રંગોળી માટેના રંગોનું 3 કરોડનું વેચાણ થશે
દિવાળીના તહેવારમાં રંગોળી માટેના રંગોની પણ વધારે ડિમાન્ડ હોય છે. આ વર્ષે ધનતેરસ, દિવાળી અને નવું વર્ષ રંગેચંગે ઉજવણી થશે. ત્યારે રંગોના ભાવમાં પણ 10 ટકા સુધીનો વધારો થયો છે. આ વર્ષે શહેરમાં 3 કરોડથી વધુનાં રંગોનું વેચાણ થશે.
દિવા-સજાવટનું 10 કરોડથી વધુનું માર્કેટ
શહેરમાં 50થી વધુ પ્રકારના દિવાઓ મળી રહ્યા છે. આ ઉપરાંત આર્ટીફિશિયલ ફૂલો, પોટ સહિતની ઘર સજાવટની વસ્તુઓ વધારે વેચાતી હોય છે. દિવા અને ઘર સજાવવા માટેની વસ્તુ્ઓનું દિવાળીમાં 10 કરોડ રૂપિયાનું માર્કેટ હોય છે.
આ વર્ષે બમણું વેચાણ થશે
ગત વર્ષ કરતાં આ વર્ષે દિવાળીમાં ફટાકડાનું લગભગ બમણું વેચાણ થશે. કારણ કે, ગત વર્ષે અમે 25 લાખના જ ફટાકડાનું વેચાણ કર્યુ હતું. પરંતુ આ વર્ષે 40 લાખ રૂપિયાના ફટાકડા વેચાશે. સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં આ વર્ષે વધારે ફટકડા વેચાશે. વેપારીઓને ફટાકડા વધારે વેચાશે તેવી આશા છે. > કમલેશ ચૌહાણ, સેવણી સહકારી મંડળી
જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.