એક સમય હતો કે ગુજરાત મોડેલની કામગીરીના નામ પર દેશભરમાં પ્રચાર કરવામાં આવી રહ્યો હતો, મત માંગવામાં આવી રહ્યા હતા. દેશમાં ભાજપ સત્તામાં આવી ગઈ.

બીજી વખત પણ સત્તામાં આવી ગઈ પણ આજે ગુજરાતની ભાજપની જ સરકારની કામગીરી પર વારેઘડીએ પ્રશ્નો થતા રહે છે, ટ્વીટર પર તો ખુદ ભાજપ સમર્થકો પણ આકરા શબ્દોમાં ગુજરાતની રૂપાણી સરકારની ટીકા કરતા હોય છે.

આ પરિસ્થિતિમાં કોરોના મહામારીની સામેની કામગીરીમાં પણ ગુજરાતની રૂપાણી સરકાર વિપક્ષ અને લોકો દ્વારા સોશિયલ મીડિયા અને મિડિયા પર ટાર્ગેટ થતી રહી છે. અનેક વખત બેદરકારીઓ સામે આવી છે, અનિર્ણાયકતા સામે આવી છે અને સરકારને સવાલ થતા રહ્યા છે.

પરંતુ આ વખતે વિપક્ષ કે મીડિયા કે નાગરિકો દ્વારા નહીં પણ ખુદ વડાપ્રધાને કે જેઓનું ગૃહરાજ્ય ગુજરાત છે અને જ્યાં તેમના જ પક્ષની ભાજપની જ સરકાર સત્તામાં છે તેમણે ગુજરાત મોડલની સરકારને ટકોર કરવી પડી છે.

પીએમ મોદીએ આજે ગુજરાતના સીએમ સહિત 10 રાજ્યોના મુખ્યમંત્રી સાથે વર્ચ્યુઅલ બેઠક યોજી હતી. આ બેઠકમાં રાજ્યના સીએમ રૂપાણી સહિત, આંધ્ર પ્રદેશ, કર્ણાટક, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર, પંજાબ, બિહાર, તેલંગણા અને ઉત્તર પ્રદેશના સીએમ સામેલ હતા.

જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, “જે રાજ્યોમાં ટેસ્ટીંગ રેટ ઓછો છે અને જ્યાં પોઝીટીવીટી રેટ વધારે છે ત્યાં ટેસ્ટીંગ વધારવાની જરૂર સામે આવી છે.” તેમણે બિહાર, ગુજરાત, યુપી, પશ્ચિમ બંગાળ અને તેલંગાણા રાજ્યમાં ટેસ્ટીંગ વધારવા પર ખાસ ભાર આપવાની વાત કરી છે.

નોંધનીય છે કે ગુજરાતમાં દિવસેને દિવસે કોરોના કેસમાં વધારો થઇ રહ્યો છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 72,120 પોઝિટિવ કેસ આવી ચુક્યા છે. જેમાંથી કુલ 55,376 કેસ રિકવર થયા છે. જ્યારે મૃત્યુઆંક 2,674 છે.

ગુજરાતમાં ઓછા ટેસ્ટીંગ થતા હોવાના આરોપ વિપક્ષ કોંગ્રેસ પણ સતત લગાવતું રહ્યું છે તો અમદાવાદ શહેરમાં મોટી સંખ્યામાં ટેસ્ટ કરનારા તત્કાલીન મ્યુનિસિપલ કમિશ્નર વિજય નહેરાની અચાનક બદલીના કારણે પણ ગુજરાત સરકારને લોકોએ સવાલો કર્યા હતા.

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube