બકિંગહમ પેલેસનું નામ તો તમે ક્યારેક સાંભળ્યું જ હશે. લંડનમાં આવેલો આ પેલેસ એક લાજવાબ અને આંખોને તરત જ ગમી જાય તેવો મહેલ હોવાની સાથે સાથે બ્રિટિશ રાજાશાહી પરિવારનું સત્તાવાર નિવાસસ્થાન પણ છે. બ્રિટનના મહારાણી એલિઝાબેથ દ્રિતીય આ મહેલમાં રહે છે પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે આ મહેલ તેમની પોતાની સંપત્તિ નથી કારણ કે આ મહેલ તથા સંપત્તિ પરનો માલિકી હક બ્રિટિશ સરકારનો છે. એ સિવાય પણ આ બકિંગહમ પેલેસની અનેક રોચક માહિતીઓ છે ત્યારે આજના આ જાણવા જેવું વિભગના આર્ટિકલમાં અમે આપને આ મહેલની થોડી એવી વાતો કરવાના છીએ જેને કદાચ આ પહેલા તમે ક્યારેય નહિ જાણી હોય.
વર્ષ 1703 માં ડ્યુક ઓફ બકિંગહમ દ્વારા થયું હતું નિર્માણ

વર્ષ 1703 માં ડ્યુક ઓફ બકિંગહમ દ્વારા લંડનમાં રહેવા માટે આ વિશાળ ટાઉન હાઉસનું નિર્માણ કાર્ય કરાવવામાં આવ્યું હતું અને આ જ ટાઉન હાઉસ આજે બકિંગહમ પેલેસ તરીકે ઓળખાય છે. જો કે 1837 ઈસ્વીમાં પહેલી વખત મહારાણી વિક્ટોરિયાએ આ મહેલને પોતાના સત્તાવાર નિવાસસ્થાન તરીકે માન્યતા આપી હતી અને તેઓ બકિંગહમ પેલેસમાં રહેનારી પ્રથમ મહારાણી બની હતી.
અનેક ઓરડાઓ, દરવાજાઓ અને બારીઓ

બકિંગહમ પેલેસમાં કુલ 775 ઓરડાઓ છે જે પૈકી 52 શાહી ઓરડાઓ છે એટલે તેમાં ફક્ત રાજાશાહી પરિવાર સાથે સંબંધ ધરાવતા લોકો જ રહી શકે છે. તમને જાણીને નવાઈ લાગશે કે આખા મહેલમાં કુલ 1514 દરવાજાઓ અને 760 બારીઓ આવેલી છે. એ ઉપરાંત મહેલમાં વિવિધ જગ્યાઓએ મળીને 350 જેટલી ઘડિયાળો પણ રાખવામાં આવી છે.
અંગત ઉપયોગ માટેનું સ્વતંત્ર ATM મશીન

બકિંગહમ પેલેસના બેઝમેન્ટમાં એક ATM મશીન પણ રાખવામાં આવ્યું છે જે રાજાશાહી પરિવારનું અંગત ATM મશીન છે અને તેનો ઉપયોગ પણ ફક્ત રાજાશાહી પરિવાર સાથે જોડાયેલા લોકો જ કરી શકે છે દાખલ તરીકે મહારાણી, રાજકુમાર, અને તેની પત્નીઓ વગેરે…
40000 બલ્બથી ઝળાહળા થાય છે પેલેસ
તમને એ જાણીને પણ નવાઈ લાગશે કે બકિંગહમ પેલેસમાં સૌપ્રથમ વીજળી વર્ષ 1883 માં આવી હતી. આજે ભવ્ય અને વિશાળ દેખાતા આ મહેલને પ્રકાશિત કરવા માટે 40000 બલ્બનો ઉપયોગ કરવમાં આવે છે. એ સિવાય ઈંગ્લેન્ડમાં સૌથી મોટા મહેલો પૈકી એક એવા આ બકિંગહમ પેલેસનો બગીચો પણ લંડનનો સૌથી મોટો અંગત ઉપયોગ માટેનો બગીચો છે.
જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.