દિવાળી પર્વના રંગમાં રંગાઈ શિલ્પા શેટ્ટી, દીકરા સાથે મળીને બનાવી રંગોળી

શિલ્પા શેટ્ટી ઉત્સવના રંગમાં રંગાઈ ચૂકી છે. હાલમાં જ શિલ્પાએ પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર રંગોળી બનાવતો વિડીયો શેર કર્યો છે.

આખો દેશ હાલ દિવાળીના ઉત્સવોમાં રંગાયો છે. પાંચ દિવસનું દિવાળીનું પર્વ શરૂ થઈ ગયું છે. એવામાં બોલિવુડ સેલેબ્સ પણ ઉત્સવને મન ભરીને માણી રહ્યા છે. દરેક ઉત્સવને ધામધૂમથી મનાવતી એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી દિવાળીના તહેવારો માટે પણ ખૂબ ઉત્સાહિત છે. શિલ્પાએ શુક્રવારે ધનતેરસની પૂજા કરીને દિવાળીના તહેવારોની શરૂઆત કરી હતી.
પૂજાની તૈયારીના ભાગરૂપે શિલ્પાએ દીકરા વિઆન સાથે મળીને રંગોળી પણ બનાવી હતી. શિલ્પા શેટ્ટીએ ઈન્સ્ટાગ્રામ પર વિડીયો શેર કર્યો છે જેમાં તે દીકરા વિઆન સાથે મળીને રંગોળી બનાવતી જોવા મળે છે. 45 વર્ષીય શિલ્પા શેટ્ટી ગુલાબી રંગની સાડીમાં જોવા મળી હતી. સિમ્પલ લૂકમાં પણ શિલ્પા સુંદર લાગી રહી હતી.

દીકરા સાથે રંગોળી બનાવતો વિડીયો શેર કરતાં શિલ્પાએ લખ્યું, “વર્ષનો સૌથી રંગબેરંગી અને સુંદર સમય આવી ગયો છે. દિવાળીના પહેલા દિવસે પરંપરા પ્રમાણે હું અને વિઆન રંગોળી બનાવી રહ્યા છીએ. આ પવિત્ર દિવસે મા લક્ષ્મીને અમારા ઘરમાં આવકારવાની આ સુંદર રીત છે. તમને સૌને ધનતેરસની શુભેચ્છાઓ. લક્ષ્મી મા અને કુબેર દેવની કૃપા હંમેશા તમારા પર રહે.” વિડીયોમાં જોઈ શકો છો કે શિલ્પા શેટ્ટી રંગોળી બનાવી રહી છે અને દીકરો વિઆન પણ તેને થોડી-થોડી મદદ કરી રહ્યો છે. વિઆન દિવાળીના તહેવાર માટે ખૂબ ઉત્સાહિત જણાય છે. વિડીયોના અંતે વિઆન અને શિલ્પા શેટ્ટી કુંદ્રા ફેન્સને દિવાળીના તહેવારની શુભેચ્છા પણ પાઠવે છે. દિવાળીના તહેવારે લાઈટ્સ અને દીવાથી એક્ટ્રેસનું ઘર ઝગમગી ઉઠ્યું છે.

આ ઉપરાંત શિલ્પા શેટ્ટીએ હાથમાં દીવો પકડીને પણ એક તસવીર શેર કરી છે. આ તસવીરમાં શિલ્પા શેટ્ટી ખૂબસૂરત લાગતી હતી. શિલ્પા શેટ્ટી સોશિયલ મીડિયા પર ખાસ્સી એક્ટિવ રહે છે અને ફેન્સ સાથે વિવિધ મજેદાર વિડીયો તેમજ તસવીરો શેર કરતી રહે છે. વર્કફ્રંટની વાત કરીએ તો, શિલ્પા શેટ્ટી ફિલ્મ ‘નિક્કમા’થી લાંબા સમય બાદ રૂપેરી પડદે જોવા મળશે. આ ફિલ્મમાં શિલ્પા ઉપરાંત એક્ટ્રેસ ભાગ્યશ્રીનો દીકરો અભિમન્યુ દાસાની અને એક્ટ્રેસ શર્લી સેટિયા પણ છે. આ ઉપરાંત શિલ્પા ફિલ્મ ‘હંગામા 2’માં જોવા મળશે. આ ફિલ્મના શૂટિંગ માટે શિલ્પા થોડા દિવસ પહેલા જ મનાલી ગઈ હતી. આ ફિલ્મમાં શિલ્પા શેટ્ટી સાથે પરેશ રાવલ જોવા મળશે.

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે નીચે આપેલી લીંક પર કલીક કરી જોડાયેલા રહો "Royal Gujju" સાથે.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube