(પીટીઆઇ) નવી દિલ્હી, તા. ૧૦
દિલ્હી સરકારે ચાણક્યપુરીની ટોચની ખાનગી શાળાને ફી વધારો કરવાની આપેલી મંજૂરી પરત ખેંચી લીધી છે તેમ દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયાએ એક નિવેદનમાં જણાવ્યું છે.
સિસોદિયાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે આ શાળાને ફી વધારો કરવાની અપાયેલી મંજૂરી પરત ખેંચી લેવામાં આવી છે. અમને જાણવા મળ્યું છે ફી વધારાની મંજૂરી આપતી વખતે તમામ તથ્યોને ધ્યાનમાં લેવામાં આવ્યા ન હતાં. શાળાએ ૭૫ ટકા ફી વધારી છે જે કોઇ પણ સંજોગોમાં સ્વીકાર્ય નથી.
આ અગાઉ શાળાના વાલીઓ સિસોદિયાને મળ્યા હતાં. ઉલ્લેખનીય છે કે સિસોદિયા દિલ્હીના શિક્ષણ પ્રધાન પણ છે. દિલ્હીમાં હવે કોઇ પણ સરકારી કે ખાનગી શાળા સરકારની મંજૂરી વગર ફીમાં વધારો કરી શકશે નહીં.
ફી વધારા અંગે વાલીઓ તરફથી મળેલી ફરિયાદોને ધ્યાનમાં રાખીને દિલ્હીની કેજરીવાલ સરકારે આ નિર્ણય લીધો છે.
મનીષ સિસોદિયાએ જણાવ્યું છે કે દિલ્હીની આ શાળાએ સુપ્રીમ કોર્ટના આદેશોનું પણ પાલન કર્યુ નથી. સુપ્રીમ કોર્ટે શાળાઓને આદેશ આપ્યો છે ડેવલોપમેન્ટ ફંડને અલગ ખાતામાં જમા કરાવવામાં આવે. દિલ્હીની આ શાળાએ સુપ્રીમના આ આદેશનું પાલન કર્યુ નથી.
જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.