સ્ટ્રેટેજી:કોરોનાને કારણે રમકડા ઉદ્યોગ મંદીમાં હોવા છતાં ટોય્સ બિઝનેસ આગળ વધારવા મુકેશ અંબાણીની યોજના

  • રિલાયન્સે ગયા વર્ષે બ્રિટનની રમકડા બ્રાંડ હેમ્લીઝને રૂ. 620 કરોડમાં હસ્તગત કરી હતી

કોરોના વાયરસને કારણે વૈશ્વિક સ્તરે રમકડા બજારમાં ભારે નુકસાની વેઠવી પડી છે. ટોય્સ બિઝનેસને નુકસાન હોવા છતાં, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી દેશમાં રમકડાના વ્યવસાયને આગળ વધારવા અંગે વિચારણા કરી રહ્યા છે. ગયા વર્ષે અંબાણીની કંપની રિલાયન્સે લગભગ રૂ. 620 કરોડમાં બ્રિટનની રમકડાની બ્રાન્ડ હેમ્લીઝ ગ્લોબલ હોલ્ડિંગ્સ લિમિટેડને હસ્તગત કરી હતી. હવે કંપની મહામારી દરમિયાન આ વ્યવસાયને વિસ્તૃત કરવાની યોજના બનાવી રહી છે. અંબાણીની વિસ્તરણ યોજનામાં નવા સ્ટોર્સ ખોલવાનો સમાવેશ થઈ શકે છે. હેમ્લીઝ ગ્લોબલને પણ કોરોનાને કારણે નુકસાન થયું છે.

હેમ્લીઝના 18 દેશોમાં 167 સ્ટોર્સ છે
હેમ્લીઝ કંપનીની સ્થાપના 259 વર્ષ પહેલા વર્ષ 1760માં થઇ હતી, જે વિશ્વની સૌથી જૂની અને સૌથી મોટી રમકડાની દુકાન છે. થિયેટર અને મનોરંજન સાથે કંપનીએ તેના રિટેલ નેટવર્કને વિસ્તૃત કર્યું છે. વૈશ્વિક સ્તરે હેમ્લીઝના 18 દેશોમાં 167 સ્ટોર્સ છે. રિલાયન્સ ભારતમાં હેમ્લીઝની માસ્ટર ફ્રેન્ચાઇઝી છે અને દેશના 29 શહેરોમાં 88 સ્ટોર્સ ચલાવે છે.

હેમ્લીઝનો પહેલો સ્ટોર 1881માં લંડનમાં ખુલ્યો હતો
રિલાયન્સ બ્રાન્ડ્સના પ્રેસીડેન્ટ અને CEO દર્શન મહેતાએ કહ્યું હતું કે, થોડા વર્ષોમાં અમે ભારતમાં હેમ્લીઝ બ્રાન્ડ હેઠળ રમકડાંના રિટેલ વેચાણમાં નોંધપાત્ર સફળતા મેળવી છે અને તેને નફાકારક વ્યવસાયમાં ફેરવ્યો છે. હેમ્લીઝનો પહેલો સ્ટોર 1881માં રીજન્ટ સ્ટ્રીટ લંડનમાં ખુલ્યો હતો. આ ફ્લેગશિપ સ્ટોર 7 માળમાં ફેલાયેલો છે અને 54,000 ચોરસ ફૂટના ક્ષેત્રમાં ગ્રાહકોને સેવા આપે છે.

ભારતના ટોય્સ માર્કેટમાંથી ચીનને હટાવવાની તૈયારી
ભારત અને ચીનના તણાવ બાદ, ચીનને દેશના રમકડા બજારમાંથી હટાવવાની સંપૂર્ણ તૈયારીઓ કરવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખુદ રમકડા ઉત્પાદન માટેની પ્રોત્સાહક યોજનાની સમીક્ષા કરી રહ્યા છે. તાજેતરમાં, આ માટે એક બેઠક બોલાવવામાં આવી હતી જેમાં માટી, લાકડાના પરંપરાગત રમકડાંના ઉત્પાદન પર ભાર મૂકવામાં આવ્યો હતો. આ સાથે, બેઠકમાં રિમોટ કંટ્રોલ વાળા રમકડાં વિશે પણ ચર્ચા કરવામાં આવી હતી. ભારતમાં સંગઠિત ટોય્સ માર્કેટ 85-90% ચીન પર આધારિત છે. આ વર્ષે ફેબ્રુઆરીમાં, ચાઇનાથી નિર્ભરતાને ખતમ કરવા માટે સરકારે રમકડાની આયાત ડ્યુટીમાં 200%નો વધારો કર્યો છે.

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે નીચે આપેલી લીંક પર કલીક કરી જોડાયેલા રહો "Royal Gujju" સાથે.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube