નવી દિલ્હી, તા. 11 ઓગષ્ટ 2020, મંગળવાર

આશરે એકાદ મહીનાની બગાવત બાદ સચિન પાયલટની કોંગ્રેસમાં ઘરવાપસી નિશ્ચિત થઈ ગઈ છે. પોતાની બગાવતને પદ અને પ્રતિષ્ઠાનો મુદ્દો ગણાવનારા સચિન પાયલટે સોમવારે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીની મુલાકાત લીધી હતી. કોંગ્રેસ દ્વારા એક કમિટીની રચના કરવામાં આવી છે જે સચિન પાયલટની તમામ સમસ્યાઓનું સમાધાન લાવશે. આ વચનોની સાથે જ સચિન પાયલટ માની ગયા છે અને તેઓ ટૂંક સમયમાં જ કોંગ્રેસમાં કોઈ મોટા પદે જોવા મળી શકે છે.

હવે શું થશે?

કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ સોમવારે સચિન પાયલટ અને તેમના સાથી ધારાસભ્યોની મુલાકાત લીધી હતી અને તમામની વાતો સાંભળવામાં આવી હતી. ત્યાર બાદ આજે તમામ ધારાસભ્યો જયપુર જઈ શકે છે. મતલબ કે 14મી ઓગષ્ટથી શરૂ થનારા વિધાનસભા સત્ર પહેલા જ કોંગ્રેસે પોતાનું ઘર સમેટી લીધું છે. બીજી બાજુ કોંગ્રેસ હાઈ કમાન્ડે અશોક ગેહલોત સાથે પણ વાત કરી છે અને તેઓ પણ હોર્સ ટ્રેડિંગ મામલે નરમાશ વરતવા તૈયાર છે.

કેવી રીતે માની ગયા પાયલટ?

રાહુલ અને પ્રિયંકા સાથેની મુલાકાત બાદ સચિન પાયલટે મીડિયા સાથે વાતચીત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે પાર્ટી પદ આપી શકે છે તો લઈ પણ શકે છે. અમે આત્મસન્માનની લડાઈ લડી રહ્યા હતા. આ બધા વચ્ચે હવે એ વાતે મંથન થશે કે સચિન પાયલટની સન્માનજનક વાપસી કઈ રીતે થાય, પાર્ટી દ્વારા તેમને કેન્દ્રીય નેતૃત્વમાં કોઈ પદ પણ અપાઈ શકે છે.

આ સંજોગોમાં રાજસ્થાનમાં અશોક ગેહલોતનું મુખ્યમંત્રી પદ પણ જળવાઈ રહેશે. ઉપરાંત સચિન પાયલટના અંગત લોકોને મંત્રીમંડળમાં મોટું પદ મળી શકે છે. તે સિવાય પાર્ટી તરફથી સચિન પાયલટને મુખ્યમંત્રી પદનું આશ્વાસન મળ્યું છે.

વિધાનસભા સત્ર પર નજર

ઉલ્લેખનીય છે કે આગામી 14 ઓગષ્ટના રોજ વિધાનસભા સત્ર શરૂ થવાનું છે. પાયલટ જૂથના કેટલાક ધારાસભ્યો જયપુર પાછા આવી ગયા છે અને કેટલાક બહું જલ્દી જ પાછા આવશે. ભારતીય જનતા પાર્ટી સરકાર રચવાના સપના જોઈ રહી હતી તે ફરી એક વખત તૂટી ગયા છે. આજે ભાજપની બેઠક પણ યોજાવાની છે જેમાં કેટલીક અસરો જોવા મળી શકે છે. જો કે વસુંધરા રાજે અને તેમના સમર્થકોએ પહેલેથી જ પોતાના અલગ તેવર બતાવી રાખેલા છે.

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube