ખેડૂતો માટે 350 કરોડની ફાળવણી, 8 મનપાને 100 કરોડ ફાળવવામાં આવશે

ગાંધીનગર : વૈશ્વિક મહામારી કોરોના સંક્રમણની સ્થિતિમાં લૉકડાઉનના કારણે જે પરિસ્થિતિ ઉદભવી છે. તેમાંથી જનજીવન, વેપાર-ધંધાને ફરીથી ધબકતા કરવા માટે રાજ્ય સરકાર દ્વારા 14 હજાર કરોડના આત્મનિર્ભર પેકેજની જાહેરાત કરવામાં આવી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ પેકેજની જાહેરાત કરી હતી.

ભારત સરકારના પૂર્વ નાણાં સચિવ ડૉ. હસમુખ અઢિયાના અધ્યક્ષ પદે રાજ્ય સરકારે જે કમિટિની રચના ઇકોનોમીક રિવાઇવલની ભલામણો સુચવવા કરી હતી. આ કમિટિએ તેનો ઇન્ટરીમ રિપોર્ટ રાજ્ય સરકારને ત્રણ દિવસ પહેલાં આપ્યો હતો. આ રિપોર્ટનો સર્વગ્રાહી તલસ્પર્શી અભ્યાસ કરીને રાજ્યના મંત્રીઓ, વરિષ્ઠ સચિવો, સમાજજીવનના આગેવાનો, ઊદ્યોગ-વેપાર મંડળો, વિવિધ સમાજવર્ગોના પ્રતિનિધિઓ સૌ સાથે મળીને ચર્ચા-વિચારણા પરામર્શની મેરેથોન ચિંતન બેઠકો પછી આ પેકેજ જાહેર કરાયું છે.

– વાણિજ્યિક એકમોને વર્ષ 2020-21ના વાર્ષિક પ્રોપર્ટી ટેક્સના ચુકવણામાં 20%ની માફી આપવામાં આવશે. રૂપિયા 600 કરોડની આ માફીનો લાભ રાજ્યના અંદાજિત 23 લાખ વાણિજ્યિક એકમોને મળશે. જેમાં શહેરી વિસ્તારના તમામ રહેણાંક મિલકતોના વર્ષ 2020-21ના ભરવાના થતા પ્રોપર્ટી ટેક્સ જો 31 જુલાઈ 2020 સુધી ચુકવવામાં આવશે તો 10%ની માફી આપવામાં આવશે. જેનો લાભ અંદાજીત 72 લાખ પ્રોપર્ટી ધારકોને થશે અને તેમને રૂ. 144 કરોડની રાહત મળશે.

– માસિક 200 યુનિટ કરતા ઓછો વીજ વપરાશ કરનાર રહેણાંક વીજ ગ્રાહકોનું 100 યુનિટનું વીજળી બીલ એક વખત માટે માફ કરવામાં આવશે. આથી રૂ. 650 કરોડના વીજ બીલ માફીનો લાભ રાજ્યના આશરે 92 લાખ વીજ ગ્રાહકોને મળશે. અંદાજે 33 લાખ વાણિજ્યિક વીજ ગ્રાહકો અને ઉદ્યોગો માટે LT વીજ કનેકશન ધરાવતા વીજ ગ્રાહકોને વીજ બિલમાં મે-2020નો ફિક્સ્‍ડ ચાર્જ માફ કરવાનો નિર્ણય કર્યો છે. જેનાથી કુલ રૂ. 200 કરોડનો ચાર્જ માફ કરવામાં આવશે.

– વિવિધ નાની દુકાનો જેવી કે કરીયાણા, કાપડ, રેડીમેઇડ કપડા, મેડીકલ સ્ટોર, હાર્ડવેર, કલરકામ, પ્રોવિઝનલ સ્ટોર, કટલરી, બેકરી, સ્ટેશનરી, મોબાઇલ શોપ્સ, ગેરેજ, શોપીંગ સેન્ટરો અને મોલમાં આવેલી દુકાનો તેમજ વિવિધ સેવાઓ જેવી કે વકીલો, ચાર્ટેડ એકાઉન્ટ, ટ્રાવેલ એજન્સીઓ, ટાન્સપોર્ટની ઓફિસો, કોચીંગ ક્લાસ, ફોટો સ્ટુડીઓ, બ્યુટી પાર્લર, સલુન ચલાવતા દુકાનદારોને કોરોના મહામારીના સમયમાં લોકડાઉનના કારણે આવક થઇ ન હતી. આથી તેમને આર્થિક રાહત આપવાના હેતુથી જુન, જુલાઇ અને ઓગષ્ટના એમ ત્રણ મહિના માટે લાગતો વીજકર 20 ટકાથી ઘટાડી 15 ટકા કરવામાં આવશે. આનો લાભ રાજયના 30 લાખ જેટલા દુકાનદારો / વેપારીઓ / કારીગરોને મળશે. આ અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા રૂ. 80 કરોડની આર્થિક રાહત આપવામાં આવશે.

– 1 એપ્રિલ-2020 થી 30 સપ્ટેમ્બર-2020 સુધીના 6 મહિનાના રોડ ટેક્ષ ભરવામાં સંપૂર્ણ માફી આપવામાં આવશે. જે અંતર્ગત 63 હજાર વાહન ધારકોને રૂ. 221 કરોડની રોડ ટેક્ષ માફી મળશે.

-રાજ્યના 3200 કરતા વધુ વેપારીઓને રૂ 1200 કરોડનું પડતર વેટ અને GST રિફંડ 31 જુલાઇ 2020 સુધીમાં ચુકવવામાં આવશે જેથી આ વેપારીઓને નાણાં ભીડમાંથી રાહત મળશે.

– રાજ્યના 27 હજારથી વધુ ઉદ્યોગ સાહસિકોને બાજપેયી બેન્કેબલ યોજનામાં રૂ 190 કરોડની સબસીડીની રકમ 31 જુલાઇ 2020 સુધીમાં ચુકવવામાં આવશે. સોલાર રુફ ટોપ યોજના હેઠળની 65000 કુટુંબો માટેની રુા. 190 કરોડની સબસીડી 31 જુલાઇ 2020 સુધીમાં આપવામાં આવશે. ગુજરાત એગ્રો-ઈન્‍ડસ્ટ્રીઝ કાર્પોરેશનના માધ્યમથી એગ્રો અને ફુડ પ્રોસેસીંગ એક્મોને રૂ.90 કરોડની કેપીટલ અને વ્યાજ સબસીડી 31 જુલાઇ 2020 સુધીમાં આપવામાં આવશે.

– બાંધકામ પ્રવૃત્તિને વેગ આપવા એફોર્ડેબલ હાઉસિંગ ક્ષેત્રમાં એક લાખ 60 હજાર મકાનો માટે રૂપિયા 1000 કરોડની સબસિડી આપીને આ ક્ષેત્રને ચેતનવંતુ બનાવવામાં આવશે.

– રાજ્યના ૨૪ લાખ ખેડૂતોને 39 હજાર કરોડ રુપિયાનું ટુંકી મુદતનું પાક ધિરાણ શુન્ય ટકા વ્યાજ દરે સહકારી બેન્કો, રાષ્ટ્રીયકૃત બેન્કો વગેરે મારફતે આપવામાં આવે છે. તેનું સંપૂર્ણ ૭% વ્યાજ સરકાર (૪% ગુજરાત સરકાર અને ૩% ભારત સરકાર) ચુકવે છે. લોકડાઉનના કારણે આ ધિરાણના રીપેમેન્ટની મુદત સરકાર દ્વારા પાંચ મહિના વધારી આપવામાં આવી છે. જે માટે રાજ્ય સરકાર દ્વારા રૂ. 410 કરોડની ફાળવણી કરવામાં આવશે.

– દેશી ગાય આધારિત કુદરતી ખેતી માટે ખેડુતને દર મહિને રૂ.900 લેખે વાર્ષિક રૂ 10,800 ની આર્થિક સહાય આપવા રૂ.66.50 કરોડ આપવામાં આવશે. જે અંતર્ગત ૬૧,૫૭૪ ખેડુતોને સહાય કરવામાં આવશે.

-ખેડૂતોને ખેતરમાંનાના ગોડાઉન (ઓન ફાર્મ સ્ટોરેજ સ્ટ્રકચર) બનાવવા માટે એકમ દીઠ રૂ.30,000 સહાય આપવા રૂપિયા ૩૫૦ કરોડ ફાળવવામાં આવશે. ખેડૂતોને હળવા ભારવાહક વાહનની ખરીદી માટે રૂ.50 હજારથી 75હજાર સુધીની સહાય આપવા માટે રૂ.50 કરોડ ફાળવવામાં આવશે.

– આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના-2 હેઠળ નાના વેપારીઓ, મધ્યમ વર્ગની વ્યક્તિઓ, કારીગરો તથા શ્રમિકોને રૂપિયા 1 લાખથી વધુ અને મહત્તમ રૂપિયા 2.50 લાખની મર્યાદામાં સહકારી બેંકો તથા ક્રેડિટ કો-ઓપરેટીવ સોસાયટી મારફત ધિરાણ પ્રાપ્ત થશે. રાજ્ય સરકાર દ્વારા વાર્ષિક 4 ટકા વ્યાજ સહાય આપવામાં આવશે, જ્યારે બાકીના 4 ટકા વ્યાજ લાભાર્થીએ ચૂકવવાનું રહેશે. આ ધિરાણ લાભાર્થીઓને ત્રણ વર્ષની મુદત માટે આપવામાં આવશે, જે પૈકી પ્રથમ છ માસ નો સમયગાળો મોરેટોરીયમ પિરિયડ ગણાશે. આથી લાભાર્થીને 6 માસ દરમિયાન કોઈ હપ્તો ભરવાનો રહેશે નહીં. ત્યારબાદ લાભાર્થી દ્વારા ધિરાણની રકમ 4 ટકાના વ્યાજ સહિત 30 સરખા માસિક હપ્તામાં પરત ચૂકવવાની રહેશે. આ માટે રુા. 300 કરોડ ફાળવવામાં આવશે.

– મહિલાઓને સ્વરોજગારી માટે પ્રોત્સાહન આપવા મહિલા ઉત્કર્ષ જૂથને ઝીરો ટકા દરે લોન મળી રહે તે માટે વ્યાજ સહાય આપવા રૂ.200 કરોડની ફાળવણી કરવામાં આવશે.

– આદિવાસી શ્રમિકોને પોતાનું આવાસ નથી તેવા શ્રમિકોને વતનમાં પાકુ ઘર બનાવવા માટે લાભાર્થીદીઠ રૂ. 35,000 સબસીડી આપવામાં આવશે. 1 લાખ લાભાર્થીઓ માટે રૂ. 350 કરોડની ફાળવણી કરવામાં આવશે.

– લારીવાળાનાના વ્યવસાયકારોને ગરમી, ઠંડી અને વરસાદથી રક્ષણ આપવા માટે તથા તેમની લારીઓમાં રાખવામાં આવતાં ફળફળાદી, શાકભાજી બગડી ન જાય તે માટે મોટી સાઇઝની છત્રીઓ આપવા માટે રૂ.10 કરોડની ફાળવણી કરવામાં આવશે.

– બાંધકામ શ્રમિકોના પત્ની તેમજ મહિલા બાંધકામ શ્રમિકોને બે બાળકો સુધી પ્રસૃતિ સહાય પેટે કુલ રૂ.27,500 આપવા માટે રૂ 6 કરોડની ફાળવણી કરવામાં આવશે.

– ગરીબ કુટુંબોને મફત અનાજ, ગરીબ કુટુંબોના બેંક ખાતામાં ડી.બી.ટી.થી રૂપિયા 1000 નું ચુકવણું, વૃધ્ધ સહાય પેન્શન, દિવ્યાંગ પેન્શન, વિધવા સહાય પેન્શનનું આગોતરું ચુકવણુ વગેરે અનેકવિધ રાહતોનો સમાવેશ થાય છે. આ રાહતો માટે રૂ.4374.67 કરોડની ફાળવણી કરવામાં આવી છે.

– પ્રોટીનયુકત આહાર મળી રહે તે માટે જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ લાભાર્થીદીઠ વાર્ષિક 12 કિલોગ્રામ તુવેરદાળનું રાહત દરે વિતરણ કરવા માટે રૂ.300 કરોડની ફાળવણી કરવામાં આવશે.

– મુખ્ય મંત્રી રાહત નિધીમાંથી આરોગ્ય વિભાગને રુા. 100 કરોડ ફાળવવામાં આવશે.

– અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, મહાનગર પાલિકાઓને અનુક્રમે રુા. 50 કરોડ, રુા. 15 કરોડ રુા. 10 કરોડ અને રુા. 10 કરોડ ફાળવવામાં આવશે. જ્યારે ભાવનગર, જામનગર અને ગાંધીનગર મહાનગર પાલિકાને પ્રત્યેકને રુા. 5 કરોડ ફાળવવામાં આવશે.

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube