ચીન તેની ન્યુક્લિયર ફોર્સને ઘણી ઝડપથી વધારી રહ્યું છે. અમેરિકાના રક્ષા વિભાગ પેન્ટાગનના રિપોર્ટમાં આ વાતનો ખુલાસો થયો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે એક વર્ષ પહેલા અધિકારીઓએ જે અનુમાન લગાવ્યું હતું, ચીન તેની સરખામણીમાં ખૂબ જ ઝડપથી તેનો પરમાણું ભંડાર વધારી રહ્યું છે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે 6 વર્ષની અંદર ચીનના પરમાણુ હથિયારોની સંખ્યા વધીને 700 થઈ શકે છે, જે 2030 સુધીમાં 1000ની ઉપર પહોંચી જશે. તેમાં એ જણાવવામાં આવ્યું નથી કે આજે ચીનની પાસે કેટલા પરમાણું હથિયાર છે, જોકે એક વર્ષ પહેલા પેન્ટાગને કહ્યું હતું કે આ સંખ્યા લગભગ 200ની નજીક હોઈ શકે છે, જે દશકાના અંત સુધીમાં બે ગણી થવાની શક્યતા છે.
ચીનના વલણ પર પણ અમેરિકાના અધિકારીઓએ ચિંતા વ્યક્ત કરી
રિપોર્ટમાં ચીનની સાથે ખુલ્લેઆમ સંઘર્ષની વાત કરવામાં આવી નથી. જોકે આ વાત પીપુલ્સ લિબરેશન આર્મીને લઈને અમેરિકાની ચિંતાનો પરિચય આપે છે. ચીનની સેના યુદ્ધના તમામ ક્ષેત્રોમાં અમેરિકાને પડકાર આપવાની ઈચ્છા રાખે છે. તાઈવાનને લઈને ચીનના વલણ પર પણ અમેરિકાના અધિકારીઓએ ચિંતા વ્યક્ત કરી છે.
ચીને હિમાલયમાં ફાઈબર ઓપ્ટિક નેટવર્ક નાંખ્યું
આ રિપોર્ટને મિલિટ્રી એન્ડ સિક્યુરિટી ડેવલોપમેન્ટ્સ ઈવોલ્વિંગ પીપુલ્સ રિપબ્લિક ઓફ ચાઈના 2021 નામ આપવામાં આવ્યું છે. તેમાં જણાવવામાં આવ્યું છે કે 2020માં LAC પર ભારતના સીમા ગતિરોધ દરમિયાન ચીને હિમાલયના દૂરના વિસ્તારમાં ફાઈબર ઓપ્ટિક નેટવર્ક નાંખ્યું છે. તેનો હેતુ કમ્યુનિકેશનને ઝડપી બનાવવાનો અને વિદેશી ઘુસણખોરીને લઈને એલર્ટ રહેવાનો હતો. LAC પર થયેલી ટક્કરના પગલે ચીની સેનાએ બોર્ડર પર મોટી સંખ્યામાં સૈનિકો તહેનાત કર્યા છે.
રિપોર્ટમાં ચીનના મિસાઈલ ટેસ્ટનો પણ ઉલ્લેખ
પેન્ટાગનનો રિપોર્ટ ડિસેમ્બર 2020 સુધી એકત્રિત કરવામાં આવેલી માહિતીને આધારિત છે. તેમાં ગત ઉનાળામાં ચીને કરેલા હાયપરસોનિક હથિયારના ટેસ્ટ વિશે કઈ કહેવામાં આવ્યું નથી. આ અંગે જનરલ માર્ક મીલે ઓક્ટોબરમાં ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે આ એક હેરાનગતિવાળુ પગલું છે. જોકે રિપોર્ટમાં ચીનની DF-17 બેલિસ્ટિક મિસાઈલનો ઉલ્લેખ છે. જે હાઈપરસોનિક ગ્લાઈડ વ્હીકલથી લેન્સ હતી.
જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.