ગત સપ્તાહમાં ગુજરાતના રાજકોટ શહેરનું એક દંપતી એર ઈન્ડિયાની ફ્લાઈટથી શિકાગો જવા નીકળ્યું. તેઓ પોતાના દીકરાના લગ્નમાં હાજર રહેવા માટે શિકાગો જઈ રહ્યા હતા, પરંતુ રસ્તામાં પત્નીને બ્રેઈન સ્ટ્રોક આવ્યો અને તેમને સ્ટોકહોમમાં લેન્ડ કરવામાં આવ્યા. રાજકોટના આ દંપતીએ આ શહેરનું નામ પણ નહોતુ સાંભળ્યું. આવી સ્થિતિમાં અજાણ્યા શહેરમાં રહેવાને કારણે તેઓ ચોક્કસપણે ગભરાઈ ગયા હશે, પરંતુ સદનસીબે તેઓ જયારે સ્ટોકહોમમાં લેન્ડ થયા ત્યારથી જ તેમને ચારેબાજુથી લોકોની મદદ મળી રહી છે. સ્વીડનની સંસ્કૃતિ અને ત્યાં રહેતા ભારતીઓની મદદથી દંપતીએ કોઈ સમસ્યાનો સામનો કરવો નથી પડ્યો.
ડેન્ટિસ્ટ ડોકટર જયસુખ મકવાણા જણાવે છે કે, હોસ્પિટલે સારવાર શરુ કરી અને એક પણ પ્રશ્ન નથી કર્યો. તમારા પત્ની પાસે અહીં સારવાર કરાવવા માટે મંજૂરી છે કે નહીં, તમારી પાસે સારવારના પૈસા છે કે નહીં, આવા કોઈ પણ પ્રશ્ન કર્યા વિનાત સારવાર શરુ કરવામાં આવી હતી. ભારતીય દૂતાવાત દ્વારા સંશોધક ઈન્દ્રનીલ સિન્હાનો સંપર્ક કરવામાં આવ્યો હતો, જેમણે જયસુખ મકવાણાની ખૂબ મદદ કરી હતી. ઈન્દ્રનીલ જયસુખ મકવાણાને એવા સ્થળો પર લઈ ગયા જયાં શાકાહારી ભોજન મળી શકે. આ સિવાય પૈસા ઉપાડવામાં પણ મદદ કરી હતી.
જયસુખ મકવાણા જણાવે છે કે, જયારે મારા પત્ની ઉષા(૬૩ વર્ષ)ને સ્ટ્રોક આવ્યો તો તેમણે હિલચાલ બંધ કરી દીધી, બોલી નહોતા શકતા. સદ્દનસીબે ફ્લાઈટમાં એક ન્યયુરોલોજીસ્ટ હતા. તેમણે જોઈને તરત કહી દીધું કે આમને બ્રેઈન સ્ટ્રોક આવ્યો છે. મેડિકલ ઈમર્જન્સી હોવાને કારણે પાઈલટ કેપ્ટન એન.એસ.બિલ્લીમોરિયાએ ફ્લાઈટને સ્ટોકહોમમાં લેન્ડ કર્યુ હતું. જયસુખ મકવાણા જણાવે છે કે, જો ઉષાને થોડી વાર પછી સ્ટ્રોક આવ્યો હોત તો અમે ત્યારે એટલાન્ટિકની ઉપર હોત અને લેન્ડ થવામાં ૫-૬ કલાક લાગી જતા.
૪૫ મિનિટમાં ફ્લાઈટ સ્ટોકહોમમાં લેન્ડ થઈ ગઈ હતી. સ્ટોકહોમ એરપોર્ટ પર ઉષા મકવાણા માટે એમ્બ્યુલન્સ રાહ જોઈને જ ઉભી હતી. સ્થાનિક પોલીસ દ્વારા જયસુખ મકવાણાને ઈમર્જન્સી વિઝા માટે એરપોર્ટ ટર્મિનલ પર લઈ જવામાં આવ્યા. જયસુખ મકવાણા કહે છે કે, મને જયારે ખબર પડી કે અમે સ્ટોકહોમમાં છીએ તો મને ચિંતા થઈ. અમે અત્યાર સુધી માત્ર અમેરિકાની જ મુલાકાત લીધી છે, કારણકે મારો દીકરો ત્યાં કામ કરે છે. નોંધનીય છે કે એર ઈન્ડિયાએ જયસુખ મકવાણાનો સામાન પણ સમયસર નીકાળી આપ્યો.
ત્યાંના તંત્રના વખાણ કરતાં જયસુખ જણાવે છે કે, વિઝા બાબતે પોલીસે મારી ખૂબ મદદ કરી અને મને હોટલ સુધી મૂકવા પણ આવ્યા. જયારે હું હોસ્પિટલ પહોંચ્યો ત્યાં સુધીમાં તો ભારતીય દૂતાવાસ તરફથી ઈન્દ્રનિલ સિન્હાને જાણ કરીદેવામાં આવી હતી. તે હોસ્પિટલની નજીક એક ઈન્સ્ટિટ્યુટમાં કામ કરે છે. ઈન્દ્રનિલ સિન્હા જણાવે છે કે, હું તેમને મળવા ગયો કારણકે મને ખબર હતી કે વિદેશમાં ભારતીય વ્યકિતને જોઈને તેમને રાહત થશે. મેં મારા ગુજરાતી મિત્રોનો સંપર્ક કર્યો અને પછી તેઓ પણ મદદ માટે આગળ આવ્યા હતા.
જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.