સાયન્સ જર્નલ “ઈલાઈફ” માં પ્રકાશિત એક સંશોધન મુજબ ભારતમાં છેલ્લા વીસ વર્ષોમાં સાપ કરડવાથી લગભગ 12 લાખ લોકોના મૃત્યુ થયાનો અંદાજ છે. આ સંશોધન ભારત અને આંતરરાષ્ટ્રીય સ્તરના અનેક વૈજ્ઞાનિકોએ સાથે મળીને કર્યું છે. સંશોધનમાં એ પણ જાણવા મળ્યું હતું કે મૃતકોમાં લગભગ અડધા લોકો 30 થી 69 વર્ષની ઉંમરના હતા જયારે ચોથા ભાગની સંખ્યા બાળકોની હતી.

ભારતમાં સૌથી વધુ જે સાપ કરડવાના કિસ્સા નોંધાયા છે તે ” રસેલ્સ વાઈપર ” જેને આપણે દેશી ભાષામાં કાળોતરા સાપ તરીકે ઓળખીએ છીએ તે જવાબદાર છે. જો કે અન્ય 12 પ્રજાતિના સાપોનું નામ પણ જીવલેણ ડંખ મારનારા સાપમાં છે. વળી, ઘણાખરા કિસ્સાઓમાં સાપનો ડંખ એટલા માટે પણ જીવલેણ બની જાય છે કારણ કે જે તે વિસ્તારોમાં લોકોને તાત્કાલિક અને સમયસર ડોકટરી સારવાર નથી મળતી.

એ પણ નોંધનીય છે કે સાપ કરડવાના અડધા કિસ્સાઓ ચોમાસાની ઋતુમાં જ નોંધાયા છે. ખાસ કરીને જૂન મહિનાથી સપ્ટેમ્બર સુધીના સમયગાળામાં સાપો વધુ કરડે છે અને તેનું કારણ એ છે કે આ સમયગાળો સાપોનો દરમાંથી બહાર નીકળવાનો સમયગાળો છે. મોટેભાગે કાળોતરો સાપ શિકારના પગમાં જ ડંખ મારે છે.

ઉલ્લેખનીય છે કે ભારતના મહત્વાકાંક્ષી “મિલિયન ડેથ સ્ટડી” પ્રોજેક્ટ માટે ઉપરોક્ત સંશોધનના આંકડાઓ મેળવાયા છે. લગભગ આખા ભારત અને દક્ષિણ એશિયામાં જોવા માલ્ટા રસેલ્સ વાઈપર ને અનેક લોકો દુબોઇયા સાપના નામથી પણ ઓળખે છે. આ પ્રજાતિના સાપોનો મુખ્ય ખોરાક ઉંદર અને ખિસકોલી હોય છે અને મોટેભાગે માણસોના રહેણાંક વિસ્તારોમાં જ છુપાઈને રહે છે.

રસેલ્સ વાઈપર દિવસના અજવાળામાં મોટેભાગે શાંત બનીને રહે છે પરંતુ રાતનાં અંધારામાં તે ખતરનાક બની જાય છે. તેની લંબાઈ આશરે પોણા બે મીટર એટલે કે પાંચ ફૂટ નવ ઇંચ સુધીની હોય શકે છે . અન્ય એક પ્રજાતિ નાગ સાપ પણ મોટેભાગે અંધારામાં જ ડંખ મારે છે. નાગ સાપનો ડંખ પણ એટલો ખતરનાક હોય છે કે તેનાથી ઇન્ટર્નલ બ્લીડીંગનો ભય રહે છે અને તાત્કાલિક મેડિકલ સારવારની જરૂર પડે છે.

સંશોધનમાં પ્રાપ્ત થયેલા આંકડાઓ મુજબ વર્ષ 2001 થી વર્ષ 2014 સુધી સાપ કરડવાના લગભગ 70 ટકા કિસ્સાઓ ભારતના બિહાર, ઝારખંડ, મધ્યપ્રદેશ, ઓડિશા, ઉત્તરપ્રદેશ, આંધ્રપ્રદેશ (તેલંગાણા સહીત), રાજસ્થાન અને ગુજરાત એમ આઠ રાજ્યોમાં બન્યા હતા. આ બનાવોમાં 70 વર્ષથી વધુની ઉંમરના લોકોના મૃત્યુની સંભાવના દર 250 વ્યક્તિઓ પૈકી એક છે. જો કે અમુક વિસ્તારોમાં આ જોખમ 100 વ્યક્તિ પૈક એક જેટલું વધી પણ જાય છે.

સંશોધનકર્તાઓના કહેવા મુજબ ચોમાસાના સમયમાં ભારતના ગ્રામીણ વિસ્તારોમાં ખેતીનું કામ કરનારા લોકોને સાપ કરડવાનું જોખમ વધુ રહે છે. આ પ્રકારનું કામ કરતા લોકોને સાપથી સુરક્ષિત રહેવા માટેના સામાન્ય ઉપાયો શીખવાડવાની જરૂર છે જેમ કે કામ કરતા સમયે રબરના બુટ, મોજા અને ટોર્ચ સાથે રાખવાથી આ જોખમ ઘટાડી શકાય છે.

બીજી બાજુ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના કહેવા મુજબ ગરમ હવામાન ધરાવતા અનેક દેશોમાં સાપ કરડવાની ઘટનાને હળવાશથી લેવાનું ચલણ છે. આંકડાઓ મુજબ વિશ્વમાં દર વર્ષે સાપ કરડવાથી 81000 થી લઈને 138000 લોકોના મૃત્યુ નીપજે છે. અને આ સંખ્યાથી ત્રણ ગણા માણસોને સાપ કરડે તો છે પરંતુ તેઓ બચી જાય છે છતાં તેઓને કઈંક ને કઈંક સ્વાસ્થ્ય સમસ્યા થઇ જાય છે.
જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.