લૌકિક માન્યતા એવી છે કેટલાંક કાર્ય દેવી લક્ષ્મીને બિલ્કુલ પણ નથી પસંદ. એટલે જો શુક્રવારના રોજ કોઈ પણ વ્યક્તિ દેવી લક્ષ્મીને પ્રસન્ન ન હોય તેવું કાર્ય કરે છે, તો તેણે આર્થિક સંકડામણનો સામનો કરવો પડી શકે છે !
ધન પ્રાપ્તિની મનશા તો દરેક વ્યક્તિને હોય જ છે. બધાં લોકોની ઈચ્છા એવી જ હોય છે કે તેમના ઘરમાં સદૈવ માતા લક્ષ્મીની (Lakshmi) કૃપા સ્થિર રહે અને ઘર હંમેશા જ ધન-ધાન્યથી પરિપૂર્ણ રહે. એ જ કારણ છે કે લોકો દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા, તેમની કૃપાને પ્રાપ્ત કરવા અનેકવિધ પ્રયત્નો કરતા જ રહે છે. પરંતુ, લોકો માત્ર દેવીને પ્રસન્ન કરવા પર જ ધ્યાન કેન્દ્રિત કરે છે અને એ બાબતો પ્રત્યે બેધ્યાન બની જાય છે કે જેનાથી દેવી લક્ષ્મી નારાજ પણ થઈ શકે છે !
લૌકિક માન્યતા એવી છે કેટલાંક કાર્ય દેવી લક્ષ્મીને બિલ્કુલ પણ નથી પસંદ અને જે વ્યક્તિ આ કાર્ય કરે છે, તેનાથી દેવી લક્ષ્મી નારાજ થઈ જાય છે. એમાં પણ શુક્રવાર એ દેવી લક્ષ્મીની પ્રસન્નતાને પ્રાપ્ત કરવાનો વાર મનાય છે. એટલે જો શુક્રવારના રોજ કોઈ પણ વ્યક્તિ દેવી લક્ષ્મીને પ્રસન્ન ન હોય તેવું કાર્ય કરે છે, તો તેણે આર્થિક સંકડામણનો સામનો કરવો પડી શકે છે. આવો, આજે કેટલીક આવી જ બાબતો વિશે વાત કરીએ. જાણીએ, કે શુક્રવારે શું ભૂલથી પણ ન કરવું જોઈએ. નહીંતર દેવી લક્ષ્મીની નારાજગી ભોગવવી પડી શકે છે.
ઉધારીથી દૂર રહો
કહે છે કે શુક્રવાર એ દેવી લક્ષ્મીનો વાર છે. એટલે શક્ય હોય ત્યાં સુધી શુક્રવારે ન તો કોઈને ઉધાર દેવું જોઈએ કે ન તો કોઈની પાસેથી ઉધાર લેવું જોઈએ. માન્યતા અનુસાર તેનાથી આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે.
સ્ત્રીનું અપમાન ન કરો
આપણાં શાસ્ત્રોમાં સ્ત્રીને અન્નપૂર્ણા સ્વરૂપ અને લક્ષ્મી સ્વરૂપ માનવામાં આવે છે. કહે છે કે જ્યાં નારીને માન મળે છે ત્યાં સર્વ દેવતાઓ નિવાસ કરે છે. પરંતુ, જ્યાં સ્ત્રીનું અપમાન થાય છે, ત્યાં દેવી-દેવતાઓ કૃપાની વૃષ્ટિ નથી કરતા. એટલે ધ્યાનમાં રાખો કે આપ ભૂલથી પણ કોઈ સ્ત્રીનું કે બાળકીનું અપમાન ન કરો.
ખાંડનું દાન ન કરો
દાન કરવું એ એક સારી આદત છે. પણ કહે છે કે શુક્રવારના દિવસે ખાંડનું દાન ન કરવું જોઈએ. ખાંડ એ શુક્ર ગ્રહ સાથે સંબંધ ધરાવે છે. અને શુક્રવારે ખાંડનું દાન કરવાથી શુક્ર ગ્રહ કમજોર પડી શકે છે. જેનાથી ધન-ધાન્ય સંબંધી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.
ઘરમાં સ્વચ્છતા રાખો
એક માન્યતા અનુસાર જ્યાં સાફ-સફાઈ કરવામાં નથી આવતી, ત્યાં માતા લક્ષ્મી ક્યારેય પણ નિવાસ નથી કરતી. કારણ કે દેવીને સ્વચ્છતા અત્યંત પ્રિય છે. એટલે હંમેશા જ તમારા ઘરને ચોખ્ખું રાખો. એટલું જ નહીં, શુક્રવારના રોજ ઘરમાં બિલ્કુલ પણ ગંદકી ન જ રહેવા દેવી. નહીંતર, દરિદ્રતાનો સામનો કરવો પડી શકે છે.
મન શુદ્ધિ સૌથી જરૂરી
ઘરની જ નહીં, તનની અને મનની સફાઈનું પણ વિશેષ મહત્વ છે. એટલે સ્વયં પણ શુદ્ધ રહો અને મનથી કુવિચારોને દૂર રાખો. આ દિવસે કોઈની પણ નિંદા ન કરો કે કોઈને ભૂલથી પણ અપશબ્દ ન બોલવા.
સાત્વિક આહાર લો
શુક્રવારે તમે ઉપવાસ કરો તે જરૂરી નથી. પણ, બને ત્યાં સુધી આ દિવસે તામસિક ભોજનથી દૂર રહેવું. દેવી લક્ષ્મીની પ્રસન્નતા અર્થે આ દિવસે ભોજનમાં શુદ્ધ શાકાહારી વાનગીઓ જ ગ્રહણ કરવી.
જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.