ભાજપે પાંચ પક્ષપલટુઓને ટિકિટ આપી, લીંબડીમાં કોકડું ગૂંચવાયું

ડાંગમાં વિજય પટેલને રિપીટ કરાયા,ગઢડામાં આત્મારામ પરમારને ચૂંટણી મેદાને ઉતારાયા

અમદાવાદ, તા. 11 ઓક્ટોબર, 2020, રવિવાર

ગુજરાત વિધાનસભાની આઠ બેઠકો પર યોજાનારી પેટાચૂંટણી માટે ભાજપે ઉમેદવાર પસંદગીને આખરી ઓપ આપી દીધો છે. ભાજપે સાત ઉમેદવારોના નામની સત્તાવાર ઘોષણા કરી છે જેમાં પાંચ પક્ષપલટુઓને ભાજપે ટિકીટ આપી ચૂંટણી મેદાને ઉતારવા નક્કી કર્યુ છે.

આયાતીને ટિકીટ નહી મળે તેવું ભાજપનુ વચન ખોટુ ઠર્યુ હતું. જોકે, હજુ લિંબડી બેઠક પર ઉમેદવારની પસંદગીને લઇને કોકડુ ગૂંચવાયુ છે જેના કારણે આ બેઠક પરના ઉમેદવાર જાહેર કરાયો નથી.

રાજ્યસભાની ચૂંટણી વખતે કોંગ્રેસના આઠ ધારાસભ્યોએ રાજીનામુ ધરી દીધુ હતુ જેના કારણે યોજાનારી પેટાચૂંટણી માટે ઉમેદવારો પસંદ કરવા દિલ્હીમાં શનિવારની મોડી રાત સુધી બેઠકનો દોર ચાલ્યો હતો.હાઇકમાન્ડે આખરે સાત ઉમેદવારની પસંદગી કરી હતી .

ધારી બેઠક પર જેે.વી.કાકડિયા , અબડાસા બેઠક પર પ્રદ્યુમનસિંહ જાડેજા ,મોરબીમાં બ્રિજેશ મેરજા , કપરાડામાં જીતુ ચૌધરી ,કરજણમાં અક્ષય પટેલને ટિકીટ આપવામાં આવી હતી. કોંગ્રેસ છોડીને આવેલાં આ પાચેય પક્ષપલટુઓને ટિકીટ આપવાનુ લગભગ નક્કી જ હતું . સૌરાષ્ટ્ર-ઉત્તર ગુજરાતમાં યોજાયેલી રેલી,બેઠકોમાં એવા હાકોટા-પડકારા કરવામાં આવ્યા હતાં કે, કોંગ્રેસીઓ માટે કમલમના દ્વાર બંધ છે પણ આ બધુય આજે ખોટુ સાબિત થયુ હતું .

ભાજપે ડાંગ અને ગઢડામાં જ પક્ષપલટુઓને ટિકીટ આપવાનુ ટાળ્યુ હતું. ડાંગમાં ગત વખતે કોંગ્રેસના ઉમેદવાર મંગળ ગાવિતની સામે નજીવા મતોથી હારનારાં વિજય પટેલ પર પસંદગીનો કળશ ઢોળવામાં આવ્યો હતો. જોકે, મંગળ ગાવિતને પક્ષપલટો ફળ્યો ન હતો કેમકે, ભાજપે ટિકીટ ન આપતાં રાજકીય કારકીર્દી સામે જોખમમાં મૂકાઇ છે.

આ તરફ, ગઢડામાં ય પૂર્વ ધારાસભ્ય-પક્ષપલટુ પ્રવિણ મારૂની બાદબાકી કરાઇ હતી અને પૂર્વ મંત્રી આત્મારામ પરમારની ઉમેદવાર તરીકે પસંદગી કરાઇ હતી . જોકે, રાજ્યસભાના પૂર્વ સભ્ય શંભુપ્રસાદ ટુંડિયાએ કમલમના ઘણાં આટાંફેરા માર્યા પણ ટિકીટ માટે મેળ પડયો ન હતો. લિંબડીમાં મોડી રાત સુધી ઉમેદવારને લઇને કશ્મકસ ચાલી હતી તેમ છતાંય કોઇ નિર્ણય આવી શક્યો ન હતો જેના લીધે ભાજપે લિબડીના ઉમેદવારનુ નામ જાહેર કર્યુ હતું.

ભાજપે સાત બેઠકો પર જાહેર કરેલાં ઉમેદવાર

બેઠક

ઉમેદવાર

મોરબી

બ્રિજેશ મેરઝા

ધારી

 જે.વી.કાકડિયા

કપરાડા

જીતુ ચૌધરી

કરજણ

અક્ષય પટેલ

અબડાસા

પ્રદ્યુમનસિંહ જાડેજા

ડાંગ

વિજય પટેલ

ગઢડા

આત્મારામ પટેલ

લિંબડી બેઠક પર કોને ટિકિટ કિરીટસિંહ રાણા કે સોમા પટેલ ?

લિંબડી બેઠક પર છેલ્લી ઘડીએ રાજકીય સમીકરણો બદલાયા છે જેના કારણે ભાજપ અસમંજશમાં છે કે કોને ટિકીટ આપવી. અત્યાર સુધી ભાજપે આ બેઠક પર કિરીટસિંહ રાણાને ટિકીટ આપવા મન બનાવ્યુ હતું પણ હવે કોળી નેતાઓ મેદાને પડયાં છે. લિબડીમાં કોળી પટેલ મતદારોનુ પ્રભુત્વ છે. જાતિગત સમીકરણોને પગલે હવે સોમા ગાંડા પટેલને ટિકીટ આપવા રાજકીય લોબિંગ શરૂ થયુ છે. હવે ભાજપની કેન્દ્રીય નેતાગીરી પણ મૂંઝવણમાં મૂકાઇ છે કે,ક્ષત્રિયને ટિકીટ આપવી કે કોળીને. ભાજપને એવી ભિતી છેકે,જો કોળી નેતાઓ રિસાય જાય તો આ બેઠક ગુમાવવાનો વારો આવે તેમ છે. બીજી તરફ, જો સોમા ગાંડા પટેલને ટિકીટ આપવામાં આવે તો,પેટાચૂંટણીમાં ભાજપના પાંચ નહી, છ પક્ષપલટુઓ ચૂંટણી મેદાને ઉતરશે જેના કારણે ભાજપના સંનિષ્ઠ કાર્યકરો વધુ રિસાઇ જાય તેવો ય ડર છે.

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે નીચે આપેલી લીંક પર કલીક કરી જોડાયેલા રહો "Royal Gujju" સાથે.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube