આર્યનને છોડવા માટે 25 કરોડની ડીલમાં સામેલ હોવાનો આરોપ
આર્યન ખાનની ધરપકડનું સત્તાવાર કારણ પણ NCB આપી શકી નથી
આર્યનના જામીન મુદ્દે આજે ફરી સુનાવણી

મુંબઈ ક્રૂઝ કેસમાં આર્યન ખાનની ધરપકડ બાદ તેની સાથે સેલ્ફી સેનાર કિરણ ગોસાવીની પુણેથી ધરપકડ કરાઈ છે. ત્રણ વર્ષ જૂના છેતરપિંડી કેસમાં તેની ધરપકડ કરાઈ છે. ડ્રગ્સ કેસમાં સાક્ષી બનાવાયા પછી તે ફરાર હતો. તેના બોડીગાર્ડ પ્રભાકર સેલેએ ગોસાવી પર કરોડોની ડીલનો ચોંકાવનારો આરોપ લગાવ્યો છે.

યુવકો સાથે છેતરપિંડી કરી હતી
કેપી ગોસાવીને વિદેશમાં નોકરી અપાવવાની લાલચ આપીને યુવકોના પૈસા પડાવી લીધા હતા. આ આરોપમાં પુણે પોલીસની ક્રાઈમ બ્રાન્ચે ગુરુવાર સવારે તેની ધરપકડ કરી છે. બુધવાર મોડી રાતે ગોસાવીએ પુણેમાં સરેન્ડર કર્યું હોવાની પણ ચર્ચા છે.

ગોસાવી મુંબઈથી ફરાર થઈને ઉત્તરપ્રદેશ ગયો હતો, તેણે લખનઉ સહિત ઘણા જિલ્લામાં સરેન્ડરની પ્રયાસ કર્યો હતો. તેને પકડવા માટે પુણે પોલીસની બે ટીમ લખનઉ પણ ગઈ હતી. જોકે તે લખનઉથી ફરાર થઈ ગયો હતો. તેનું છેલ્લું લોકેશન મંગળવારે સુલ્તાનપુર મળ્યું હતું.

આજે તેને 12 વાગ્યે શિવાજીનગર કોર્ટમાં રજૂ કરાશે. હાલ તેને ફારાસખાના પોલીસ સ્ટેશનમાં રખાયો છે. પોલીસ કમિશનર અમિતાભ ગુપ્તા પોતે તેની પૂછપરછ માટે પહોંચ્યા છે. ગોસાવી સામે છેતરપિંડીના પાંચ કેસ છે.

પુણેના એક કેસમાં વર્ષ 2018માં તેની ધરપકડ થઈ હતી, જેમાં ચિન્મય દેશમુખ નામની વ્યક્તિએ ગોસાવી સામે મલેશિયામાં નોકરી આપવાના નામે ત્રણ લાખની છેતરપિંડી કર્યાનો આરોપ લગાવ્યો હતો.

ગોસાવીના બોડીગાર્ડના ચોંકાવનારા આરોપો
કેપી ગોસાવીના બૉડીગાર્ડ પ્રભાકર સેલ નામના આ સાક્ષીએ એવો આક્ષેપ કર્યો છે કે NCBના એક અધિકારી અને કેટલાક અન્ય લોકોએ મળીને આર્યનના છુટકારા માટે 25 કરોડ માગ્યા હતા. પ્રભાકરના જણાવ્યા પ્રમાણે, આ કેસના અન્ય એક સાક્ષી કે.પી.ગોસાવી અને સેમ ડિસોઝાને 25 કરોડની રકમ અંગે વાત કરતા સાંભળ્યા હતા. તેણે એવી પણ ચર્ચા સાંભળી હતી કે 18 કરોડ રૂપિયામાં સોદો નક્કી થઈ ગયો છે, જેમાંથી 8 કરોડ રૂપિયા NCBના ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડેને આપવાનું નક્કી થયું છે. શાહરુખ ખાનનો પુત્ર આર્યન હાલ આર્થર રોડ જેલમાં છે.

પ્રભાકરે એક વીડિયો પણ રજૂ કર્યો છે. આ વીડિયોમાં ગોસાવી મોબાઇલ ફોન પર આર્યનની કોઈની સાથે વાત કરાવતો દેખાય છે. પ્રભાકરે NCBના અધિકારીઓથી ખતરો હોવાનો ભય પણ વ્યક્ત કર્યો હતો. તેણે કહ્યું હતું કે આ લોકો સાચી વાત છુપાવવા માટે મારી હત્યા કરી શકે છે. ઉલ્લેખનીય છે કે છેતરપિંડીના કેસમાં ગોસાવી લાપતા છે. પોલીસે તેની સામે લુકઆઉટ નોટિસ જારી કરી છે. મહારાષ્ટ્રના મંત્રી અને NCP (નેશનલિસ્ટ કોંગ્રેસ પાર્ટી) નેતા નવાબ મલિકે ક્રૂઝ ડ્રગ્સ કેસને બોગસ ગણાવી રહ્યા છે.

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube