પોલીસની સલામી અને સન્માન સાથે અંતિમ વિધિને ઓપ આપવામાં આવ્યો
સિંગવડ તાલુકાના તારમી ગામના સ્વાતંત્ર સેનાની ડામોર સુરતાનભાઈ વેસ્તાભાઈનું 108 વર્ષની જૈફ વયે ગઈકાલે 4.15 કલાકે નિધન થયું હતું. સ્વાતંત્ર સેનાનીનું નિધન થતાં પરિવાર સહિત વિસ્તારમાં ઘેરા શોકની લાગણી પ્રવર્તી હતી. જ્યારે રણધીકપુર પોલીસ અને દાહોદ પોલીસે સલામી, સન્માન સાથે અંતિમવિધિ કરવામાં આવી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર, ઝાલોદ તાલુકાના વરોડ ગામે 15 મે-1914ના રોજ જન્મેલા સ્વાતંત્ર સેનાની સુરતાનભાઈ વેસ્તાભાઈ ડામોર મીરાખેડી ગામે ભીલ સેવામંડળની આશ્રમશાળામાં અભ્યાસ કરતા હતા. નાની વયમાં ગાંધીજી સાથે અંગ્રેજો સામેની લડતમાં જોડાયા હતા. વર્ષ 1922માં ગાંધીજી સાથે અમદાવાદની સાબરમતી જેલમાં જેલવાસ પણ કાપ્યો હતો.
તેમણે વર્ષ 1957-58માં સીંગવડના તારમી ગામે વસવાટ કર્યો હતો. પરિવારમાં પાંચ પુત્રોની ચોથી પેઢી સાથે રહેતા હતા. 108 વર્ષની જૈફ વયના કારણે સુરતાનભાઈ ડામોરની તબિયત કેટલાક સમયથી નાદુરસ્ત રહેતી હતી. ગઈકાલે બપોરે 4.15 વાગ્યે તારમી ગામે તેઓના નિવાસ સ્થાને દેહત્યાગ કર્યો હતો. રવીવારે બપોરના 12 વાગ્યાના અરસામાં તારમી ગામે રંધીકપુર અને દાહોદના પોલીસ જવાનો દ્વારા સલામી આપી રાષ્ટ્રીય સન્માન સાથે અંતિમવિધિ કરી હતી.
તેઓની અંતિમવિધિમાં મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા. ભૂતકાળમાં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે સાલ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવેલા આ સ્વાતંત્ર્ય સેનાનીની અંતિમવિધિમાં રાજકીય નેતાઓની ગેરહાજરી ઉડીને આંખે વળગી હતી.
જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.