। વોશિંગ્ટન ।

અમેરિકામાં કોરોના ફરી વકર્યો હતો અને તેનું બિહામણું રૂપ ધારણ કર્યું હતું. ૨૯મીએ બુધવારે દર એક મિનિટે કોરોનાનાં એક દર્દીનું મોત થયું હતું. પરિણામે મૃત્યુઆંક ૧,૫૩,૦૦૦ને પાર થઈને ૧,૫૩,૮૮૮ થયો હતો. કોરોનાનાં કુલ સંક્રમિતોની સંખ્યા ૪૫,૭૦,૧૨૫ થઈ હતી. છેલ્લા ૨૪ કલાકમાં નવા ૬૬,૯૨૧ કેસ નોંધાયા હતા અને ૧૪૮૫નાં મોત થયા હતા. આ અગાઉ ૨૭મીએ સૌથી વધુ ૧૪૮૪નાં મોત થયા હતા. છેલ્લા ૧૧ દિવસમાં કુલ ૧૦,૦૦૦થી વધુનો કોરોનાએ ભોગ લીધો હતો. એરિઝોના, કેલિફોર્નિયા, ફ્લોરિડા અને ટેક્સાસમાં જુલાઈમાં સૌથી વધુ કેસ નોંધાયા હતા અને હોસ્પિટલો કોરોનાનાં દર્દીઓની હાઉસફુલ થઈ ગઈ હતી. ટેક્સાસમાં જુલાઈમાં ૪૩૦૦નાં, ફલોરિડામાં ૨૯૦૦નાં અને કેલિફોર્નિયામાં ૨૭૦૦નાં મોત થયા હતા.

અમેરિકામાં સાંસદોને માસ્ક પહેરવા આદેશ

અમેરિકાની સરકારે સાંસદોને માસ્ક પહેરવાનો આદેશ આપ્યો છે. સંસદનાં નીચલા ગૃહ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટ્વ્ઝિનાં સ્પીકર નેન્સી પેલોસીએ તેનાં તમામ સભ્યો અને સ્ટાફને માસ્ક પહેરવા ફરમાન કર્યું છે. જે નિયમનો ભંગ કરશે તેમને ગૃહની બહાર કાઢવામાં આવશે. સભ્યો ગૃહમાં બોલતા હોય ત્યારે જ માસ્ક હટાવી શકશે.

વિશ્વમાં કોરોના સંક્રમિતોની સંખ્યા ૧.૭૨ કરોડને પાર થઈ હતી. જ્યારે કુલ મૃત્યુઆંક વધીને ૬,૭૧,૨૧૬ થયો હતો. ૧,૦૭,૮૦,૨૮૬ લોકો સારવાર પછી સ્વસ્થ થયા હતા. છેલ્લા ૨૪ કલાકમાં દુનિયામાં નવા ૨,૯૦,૩૯૩ કેસ નોંધાયા હતા.

બ્રાઝિલે વિદેશી પ્રવાસીઓ માટે ઈન્ટરનેશનલ ફ્લાઈટ શરૂ કરી

બ્રાઝિલમાં કોરોનાનાં કેસમાં સતત વધારો થતો હોવા છતાં વિદેશી પ્રવાસીઓ માટે તેણે ઈન્ટરનેશનલ ફ્લાઈટ શરૂ કરી છે. જે લોકો બ્રાઝિલની ટ્રીપ દરમિયાન હેલ્થ વીમો ધરાવતા હશે તેઓ બ્રાઝિલમાં ટ્રાવેલ કરી શકશે. કોરોના સંક્રમણમાં અમેરિકા પછી બ્રાઝિલ બીજો દેશ છે જયાં ૨૫,૫૫,૫૧૮ કેસ નોંધાયા છે અને ૯૦, ૧૮૮ લોકો કોરોનાનાં ખપ્પરમાં હોમાયા છે. છેલ્લા ૨૪ કલાકમાં ૭૦,૮૬૯ કેસ નોંધાયા છે અને ૧૫૫૪ લોકોએ જીવનલીલા સંકેલી છે.

 

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube