અમદાવાદમાં નવરંગપુરા વિસ્તારમાં આવેલી કોવિડ માટે ફાળવાયેલી શ્રેય હોસ્પિટલમાં ગત મોડીરાત્રે એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. અમદાવાદની કોવિડ હોસ્પિટલમાં ભીષણ આગ ફાટી નીકળતા અફડા તફડીનો માહોલ સર્જાયો છે. આ ઘટનામાં આઈસીયુમાં દાખલ કોરોનાના 8 દર્દીઓના કરૂણ મોત નિપજ્યા છે, જ્યારે હાલ આ હૉસ્પિટલમાં સારવાર લઇ રહેલા 35 દર્દીઓને અન્ય હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. આ ગોઝારી ઘટનામાં 5 પુરૂષ અને 3 મહિલા દર્દીઓ આઇસીયુમાં જ બળીને ભડથું થઇ ગયા છે. આ ઉપરાંત એક પેરામેડિલ સ્ટાફ ઇજાગ્રસ્ત થયો છે. જેમને વી.એસ હૉસ્પિટલમાં લઇ જવામાં આવ્યા છે. આ ઘટનાની જાણ થતાં પીએમ મોદીએ પણ એક ટ્વિટ કર્યું હતું.

આ વિશે મળતી માહિતી પ્રમાણે, નવરંગપુરા વિસ્તારમાં આવેલી AMC દ્વારા કોરોના માટે ફાળવાયેલી શ્રેય હોસ્પિટલમાં ગત મોડી રાત્રે 3થી 4 વાગ્યાની આસપાસ ભીષણ આગ ફાટી નીકળી હતી. શ્રેય હોસ્પિટલના ચોથા માળે કોરોના વોર્ડ બનાવવામાં આવ્યો છે, જેના આઈસીયૂ વોર્ડમાં શોર્ટસર્કિટના કારણે ભીષણ આગની ઘટના બનવા પામી છે. હોસ્પિટલના ICU વોર્ડમાં આગ લાગતા અફડા તફડીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડનો કાફલો પહોંચ્યો હતો અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. પરંતુ ત્યાં સુધીમાં ખુબ જ મોડું થઈ ગયું હતું. આ ઘટનામાં 8 દર્દીઓ જીવતા ભૂંજાયા હતા અને હોસ્પિટલના ચોથા માળે તમામ કાટમાળ બળીને ખાખ થઈ ગયો છે.

આ ઘટનામાં શોર્ટ સર્કિટથી હોસ્પિટલમાં આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. તમને જણાવી દઈએ કે AMCએ કોરોનાના દર્દીઓ માટે કોવિડ 19 હોસ્પિટલ રિઝર્વ રાખી હતી. આ ગોજારી ઘટનામાં જે 8 મૃતક દર્દીઓના મોત થયા છે, તેમનું પંચનામુ થશે જે બાદ જ આ લોકોનાં મૃતદેહને પીએમ માટે ખસેડવામાં આવશે. એફએસએલની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઇ છે. ફાયર વિભાગની 1 ફાઇટર, 1 ટેન્કર, એક ઇમરજન્સી ટેન્કર અને હાઇડ્રોલિક ઘટના સ્થળે પહોંચીને આગ બુઝાવી દીધી છે.

આ ઘટનામાં એક એવી પણ માહિતી સામે આવી રહી છે કે નવરંગપુરા વિસ્તારમાં આવેલી ખાનગી કોવિડ હૉસ્પિટલમાં ચોથે માળે જ્યાં આઇસીયુ છે ત્યાં ભીષણ આગ અંગેની જાણ ફાયર વિભાગને કરવામાં આવી હતી. જેની 15 મિનિટ બાદ ફાયરની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી. આ હૉસ્પિટલમાં કોઇ જ ફાયર સેફ્ટી ન હતી. બીજી એક મહત્વની વાત એ છે કે આગની ઘટના બાદ ફાયરના 40 જવાનો હોમ ક્વોરન્ટાઈન કરવામાં આવશે.

અમદાવાદની હૃદય હચમચાવી નાંખે તેવી ઘટનાની જાણ થતાં આરોગ્ય સચિવ જયંતિ રવિ હોસ્પિટલ પહોંચ્યા છે. તેમણે જણાવ્યું હતું કે, હાલ આ ઘટનાને લઈને ખુબ જ દુ:ખ છે, પરંતુ વધુ કોઈ મોત ન થાય એની ચિંતા સતાવી રહી છે. આ ઘટનામાં જવાબદારો સામે કડક પગલાં લેવાશે. તમામ વસ્તુઓની તપાસ થઈ રહી છે. તપાસ કરવા માટે અમે ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક આવ્યા છીએ. સમગ્ર ઘટનાની તટસ્થ તપાસ કરાશે.

ત્યારબાદ મીડિયા દ્વારા અનેક સવાલો કરાતા આરોગ્ય સચિવે નમસ્તે કહીને ચાલતી પકડી હતી. આરોગ્ય સચિવને સવાલો અનેક કરવામાં આવ્યા પરંતુ તેનો એક જવાબ મળ્યો હતો કે તપાસ થશે.

કોરોના કાળ વચ્ચે લોકો સૌથી વધુ વિશ્વાસ હોસ્પિટલ્સ પર રાખતા થયા છે. પરંતુ, અમદાવાદમાં આ વાત ઠગારી સાબિત થઇ છે. અમદાવાદમાં ગત મોડીરાત્રે બનેલા ગોઝારી ઘટનામાં અમદાવાદની એક હોસ્પિટલમાં કોરોના દર્દીઓએ મોતને ભેટવાનો વારો આવ્યો છે. આ તમામ દર્દીઓ કોરોનાની સારવાર માટે હોસ્પિટલમાં દાખલ થયા હતા. જોકે, આશ્ચર્યની વાત એ છે કે આ કોરોના દર્દીઓના કોરોનાને કારણે મોત થયા નથી. પરિવારજનોના આક્રંદ વચ્ચે વહેલી સવારે હોસ્પિટલના ઘટના સ્થળેથી મોતને ભેટેલા કમનસીબોની લાશોને બહાર લવાઈ હતી. તમામ હોસ્પિટલનો સ્ટાફ બચી ગયો છે. જોકે ફાયર વિભાગ આ અંગે તપાસ કરી રહ્યું છે. આ હોસ્પિટલને ફાયરનું એનઓસી મળ્યું હતું કે કેમ તે પણ તપાસનો વિષય છે.

આ સમગ્ર ઘટના મામલે સવાલ એ ઉભો થાય છે કે, શું હોસ્પિટલ પાસે ફાયર સેફટીના સાધનો ન હતા? અને હતા તો તેનો ઉપયોગ કેમ ન કરાયો? મળતી માહિતી મુજબ હોસ્પિટલ પાસે ફાયર સેફટીના સાધનો હતા. જોકે, આ સાધનો એક્સપાયરી ડેટના હોવાથી શોભાના ગાંઠિયા સમાન બની ગયા. પરિવારજનોના રૂદનથી લોકોની આંખો ભીની થઈ ગઈ હતી.

આ ઘટનામાં કોરોનાથી બચવા જીવ બચાવવા હોસ્પિટલમાં દાખલ થયા હતા, પરંતુ અહીં લાગેલી આગે કોરોનાથી પણ ભયંકર મોત અપાવ્યું છે. બાકીના લોકોને એસવીપી હોસ્પિટલમાં ખસેડાયા છે. આ અંગે રાજ્યના સીએમ રૂપાણીએ પણ તાત્કાલિક જવાબદારો સામે તપાસના આદેશ આપ્યા છે. આ ગમખ્વાર દુર્ઘટનાની જાણ થતાં અધિકારીઓ હોસ્પિટલે પહોંચ્યા હતા. શહેરના મેયર પણ આ ઘટનાની જાણ થતાં તેઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા છે. પરિવારજનો આ ઘટના બાદ દોડી આવ્યા હતા. જોકે, તેમના પરિવારજન જીવતા છે કે ઘટનાનો ભોગ બન્યા છે તે અંગેની પણ કોઈ વિગતે મળી ન હતી. થોડીવારમાં પરિવારજનોએ હોસ્પિટલમાં જવાનો પ્રયત્ન કરતા પોલીસ અને લોકો વચ્ચે ઝપાઝપી થઈ હતી.

શ્રેય હોસ્પિટલમાં લાગેલી આગમાં મૃતકોના નામ આ પ્રમાણે છે.

  • વાસણાના લીલાવતી શાહનું મોત
  • પાલડીના આયશાબેન તીરમિઝીનું મોત
  • ધોળકાના નવનીતલાલ શાહનું મોત
  • ધોળકાના નરેન્દ્ર શાહનું મોત
  • મેમનગરના મનુભાઈ રામીનું મોત
  • મેમનગરના અરવિંદભાઈ ભાવસારનું મોત
  • ખેરાલુના જ્યોતિબેન સિંધીનું મોત
  • વેજલપુરના આરીફ મંસુરીનું મોત

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube