પોતાના ઘરને સુંદર બનાવવા માટે માણસ શું શું નથી કરતો ? દરેક માણસની એવી ઈચ્છા હોય છે કે તેનું ઘર સુંદર અને મનમોહક દેખાય. અને આ માટે લોકો ઘરોને વિવિધ પ્રકારના ડેકોરેશન પણ કરતા હોય છે. આવું જ એક નવીન પ્રકારનું ડેકોરેશન વિયેતનામ દેશના એક ઘરમાં કરવામાં આવ્યું છે. વિયેતનામના પૂર્વ સૈનિક એવા નવયેન ત્રૂન્ગએ પોતાના ઘરને સજાવવા માટે 10000 થી પણ વધુ ચિનાઈ માટીના વાસણો અને એન્ટિક વસ્તુઓનો ઉપયોગ કર્યો છે. નવયેનએ આ ઘર સજાવવા માટે પોતાના જીવનનો 25 વર્ષનો ગાળો વિવિધ પ્રકારની ક્રોકરી આઈટમ શોધવામાં જ ખર્ચી નાખ્યો હતો

સેનામાંથી છુટ્ટા પડ્યા બાદ નવયેન પોતાના દીકરા સાથે ગામડામાં રહેવા ચાલ્યા ગયા હતા અને ત્યાં સુથારી કામ શરુ કર્યું હતું. આ દરમિયાન નવયેનને એક વેળા એન્ટિક વસ્તુઓના શોખીન વ્યક્તિના ઘરે ટેબલ-ખુરશી બનાવવાનું કામ મળ્યું અને ત્યાં ચિનાઈ માટીની સુંદર ક્રોકરી અને જૂની વસ્તુઓની મનમોહક્તા જોઈ નવયેન ઘણા પ્રભાવિત થયા.

નવયેનએ મનોમન નિર્ણય કર્યો કે તે પણ આ પ્રકારની એન્ટિક અને ક્રોકરી આઈટમ એકઠી કરશે. આ માટે તેઓએ આખા વિયેતનામમાં ફરીને અલગ અલગ પ્રકારની ક્રોકરી ખરીદી એટલું જ નહિ તેને કોઈ દેશમાં નવીન પ્રકારની ક્રોકરી મળતી હોય તેવી વાત મળે તો એ દેશમાં જઈને પણ ત્યાંની ક્રોકરી ખરીદી. નવયેનનો આ ક્રોકરી પ્રેમ તેના પરિવાર માટે પણ મુશ્કેલ બન્યો હતો કારણ કે ક્રોકરી ખરીદવા માટે નવયેનની પુંજી પણ ખર્ચાઈ જતા તે ઉધાર પણ લેવા લાગ્યા હતા.

નવયેને પહેલા એવું વિચાર્યું હતું કે તે દેશ – વિદેશમાંથી ક્રોકરી એકઠી કરીને ઊંચા ભાવે વેંચશે પરંતુ તેવું થયું નહિ અને તેના ઘરમાં ક્રોકરીનો ઢગલો થઇ ગયો. આ કલેક્શનમાં 17 મી સદીના અને 18 મી સદીના ગાળામાં બનેલી ક્રોકરીનો પણ સમાવેશ થાય છે. વળી, નવયેનને એ પણ ભય હતો કે ક્યાંક ક્રોકરી તૂટી ન જાય અને કદાચ તેનું મૃત્યુ થઇ જશે તો આ ક્રોકરીનું શું થશે ?

આખરે નવયેને આ ક્રોકરીનો ઉપયોગ પોતાનું ઘર સજાવવા માટે કરવાનો નિર્ણય કર્યો. તેઓએ ઘરની દીવાલ, ગેટ અને ફેન્સીંગ પર ટાઇલ્સની જેમ જ ક્રોકરી લગાવી દીધી. આ ક્રોકરીમાં ચિનાઈ માટીમાંથી બનાવેલા લગભગ દરેક પ્રકારના વાસણોનો પણ સમાવેશ થાય છે. ઘરને આ રીતે સજાવ્યા બાદ નવયેને તેની તસવીરો સોશ્યલ મીડિયામાં પણ શેયર કરી હતી.
જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.